નહેમ્યા 3 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમના કોટનું સમારકામ 1 શહેરના કોટની મરામત આ રીતે કરવામાં આવી. મુખ્ય યજ્ઞકાર એલ્યાશીબ તથા તેના યજ્ઞકારોએ “ઘેટાના દરવાજા” બાંધકામ કર્યું. તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેમણે દરવાજાનાં બારણાં ચડાવ્યાં. તેમણે શતક બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી કોટનું બાંધકામ કર્યું. 2 યરીખોના માણસોએ તે પછીના ભાગનું બાંધકામ કર્યું. ઇઝીના પુત્ર ઝાકકૂરે તેના પછીનો ભાગ બાંધ્યો. 3 હસ્સેનાના પુત્રોએ “મચ્છી દરવાજો” બાંધ્યો. તેમણે દરવાજાની બારસાખો તેમ જ તેનાં બારણાં ચડાવ્યાં. અને દરવાજો બંધ કરવા માટે નકુચા અને પાટિયાં બેસાડયાં. 4 તે પછીના ભાગની મરામત હાક્કોથના પુત્ર ઉરિયાના પુત્ર મરેમોથે કરી. તે પછીના ભાગની મરામત મશેઝાબએલના પુત્ર બેરેખ્યાના પુત્ર મશુલ્લામે કરી. તેના પછી બાઆનાના પુત્ર સાદોકે મરામત કરી. 5 તેના પછીના ભાગની મરામત તકોઆના માણસોએ કરી. (પણ તે નગરના મુખ્ય માણસોએ તેમના અધિકારીઓએ સોંપેલું મજૂરીકામ કરવાની ના પાડી.) 6 પાસેઆના પુત્ર યોઆદા તથા બસોદ્યાના પુત્ર મશુલ્લામે “યેશાના દરવાજા” મરામત કરી. તેમણે દરવાજાની બારસાખો તથા તેનાં બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા માટે નકુચા અને પાટિયાં બેસાડયાં. 7 તે પછીના ભાગમાં મલાય્યા ગિલ્યોની તથા યાદોન મેરાનાથી તેમ જ ગિલ્યોન તથા મિસ્પાના માણસોએ પશ્ર્વિમ-યુફ્રેટિસના રાજ્યપાલના રાજભવન સુધીના વિસ્તારમાં મરામતકામ કર્યું. 8 હાર્હયાનો પુત્ર ઉઝઝીએલ જે સોની હતો તેણે પછીના ભાગની મરામત કરી અને હનાન્યા નામના એક અત્તર બનાવનારે તેના પછીના ભાગની મરામત કરી. તેમણે છેક “પહોળી દીવાલ” સુધી સમારકામ કરીને યરુશાલેમના કોટનો પુનરોદ્ધાર કર્યો. 9 તેમના પછીના ભાગમાં હૂરના પુત્ર રફાયાએ મરામત કરી. તે યરુશાલેમ જિલ્લાના અર્ધા વિભાગનો અધિકારી હતો. 10 તે પછીના ભાગમાં હરૂમાફના પુત્ર યદાયાએ પોતાના ઘરની પાસેના કોટની મરામત કરી. તેના પછીના ભાગમાં હાશાબ્નયાના પુત્ર હાટ્ટુશે મરામત કરી. 11 હારીમના પુત્ર માલકિયાએ તથા પાહાથ-મોઆબના પુત્ર હાશ્શૂબે તે પછીના ભાગની તેમજ “ભઠ્ઠીઓના બુરજ” મરામત કરી. 12 હાલ્લોહેશનો પુત્ર શાલ્લૂમ યરુશાલેમ જિલ્લાનો બીજા અર્ધા વિભાગનો અધિકારી હતો. તેણે તે પછીના ભાગની મરામત કરી. તેની પુત્રીઓએ તેમાં તેને મદદ કરી. 13 હાનૂન તથા ઝાનોઆ નગરના રહેવાસીઓએ “ખીણનો દરવાજો” ફરીથી બાંધ્યો. તેમણે તેની બારસાખો તથા તેનાં બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા નકુચા તથા પાટિયાં બેસાડયાં. વળી, તેમણે “કચરાના દરવાજા” સુધી લગભગ ચારસો પચાસ મીટર જેટલા કોટની મરામત કરી. 14 રેખાબના પુત્ર માલકિયાએ “કચરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તે બેથ હાકકેરેમ જિલ્લાનો અધિકારી હતો. તેણે બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા માટે નકુચા તથા પાટિયાં બેસાડયાં. 15 કોલહોઝેનો પુત્ર શાલ્લૂમ, જે મિસ્પા જિલ્લાનો અધિકારી હતો. તેણે “ઝરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તેણે દરવાજા પર છાપરું કર્યું, બારણાં ચડાવ્યાં અને તેના નકુચા તથા પાટિયાં બેસાડયાં. તેણે રાજાના બગીચાની નજીક શેલા તળાવ પર દાવિદનગરમાંથી ચડવાની સીડી સુધીનો કોટ બાંધ્યો. 16 આઝબૂકનો પુત્ર નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જિલ્લાનો અધિકારી હતો તે દાવિદની કબર, તળાવ અને છેક શસ્ત્રાગાર સુધીના પછીના ભાગમાં મરામત કરતો હતો. કોટની મરામતમાં લેવીઓનો ફાળો 17 કોટના પછીના જુદાજુદા ભાગોની મરામત નીચે જણાવેલા લેવીઓએ કરી: બાનીનો પુત્ર રહૂમ પછીના ભાગમાં મરામત કરતો હતો. કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી હશાબ્યા તેના જિલ્લા તરફથી તે પછીના ભાગની મરામત કરતો હતો. 18 હેનાદાદનો પુત્ર બાવ્વાય, જે કઈલા જિલ્લાના બીજા અર્ધા ભાગનો અધિકારી હતો, તે તે પછીના ભાગમાં મરામત કરતો હતો. 19 યેશૂઆનો પુત્ર એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો તેણે શસ્ત્રાગાર આગળ જ્યાં કોટ વળાંક લે છે ત્યાં સુધીના ભાગની મરામત કરી. 20 તે પછીના ભાગમાં ઝબ્બાયનો પુત્ર બારુખ છેક પ્રમુખ યજ્ઞકાર એલ્યાશીબના ઘરના પ્રવેશદ્વાર સુધી મરામત કરતો હતો. 21 હાક્કોસના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ એલ્યાશીબના ઘરના છેક બીજા છેડા સુધીના ભાગમાં મરામત કરતો હતો. કોટની મરામતમાં યજ્ઞકારોનો ફાળો 22 કોટના પછીના જુદા જુદા ભાગોની મરામત નીચે જણાવેલા યજ્ઞકારોએ કરી: યરુશાલેમની આસપાસ વસતા યજ્ઞકારો કોટના તે પછીના ભાગમાં મરામત કરતા હતા. 23 બિન્યામીન અને હાશ્શૂબ તેમના ઘરની સામેના ભાગમાં આવેલા કોટની મરામત કરતા હતા. અનાન્યાના પુત્ર માસેયાનો પુત્ર અઝાર્યા પોતાના ઘરની સામેના ભાગમાં આવેલા કોટની મરામત કરતો હતો. 24 હેનાદાદનો પુત્ર બિન્નુઈ અઝાર્યાના ઘરથી કોટના ખાંચા સુધીના ભાગમાં મરામત કરતો હતો. 25-26 ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચાથી માંડીને સંરક્ષકોના ચોક નજીક રાજાના ઉપલા મહેલના બુરજ સુધીના બીજા ભાગમાં મરામત કરતો હતો. પારોશનો પુત્ર પદાયા તે પછીના ભાગમાં “પાણી દરવાજા” અને મંદિરના ચોકીના બુરજ પાસે પૂર્વમાં આવેલા સ્થાન સુધી મરામત કરતો હતો. (એ સ્થાન તો ઓફેલ નામે ઓળખાતા શહેરના એક ભાગમાં હતું અને ત્યાં મંદિરના સેવકો રહેતા હતા.) મરામતકામમાં અન્ય લોકોની કામગીરી 27 તકોઆના માણસો તે પછીના તેમના બીજા એક ભાગમાં એટલે મંદિરના મોટા ચોકી બુરજની સામેથી શરૂ કરીને છેક ઓફેલ નજીકના કોટ સુધી મરામત કરતા હતા. 28 “અશ્વદરવાજા” શરૂ થતા પછીના ભાગમાં કેટલાક યજ્ઞકારો પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. 29 પછીના ભાગમાં ઇમ્મેરનો પુત્ર સાદોક તેના ઘરની સામેના ભાગમાં મરામત કરતો હતો. “પૂર્વના દરવાજા” દરવાન, શખાન્યાનો પુત્ર શમાયા પછીના ભાગમાં મરામત કરતો હતો. 30 તે પછીના ભાગમાં શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન તેમના બીજા ભાગનું મરામતકામ કરતા હતા. પછીના ભાગમાં બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ તેના ઘરની સામે મરામત કામ કરતો હતો. 31 એના પછી સોની માલકિયા ઈશાન ખૂણામાં કોટની ઉપર આવેલી ઓરડી નજીક મંદિરના “મિફક્દ દરવાજા” પાસે આવેલ મંદિરના સેવકો અને વેપારીઓનાં મકાન સુધીના ભાગની મરામતકામ કરતો હતો. 32 સોનીઓ અને વેપારીઓ ખૂણામાં આવેલી ઓરડીથી માંડીને “ઘેટાંના દરવાજા” સુધીના આખરી ભાગનું મરામત કરતા હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide