નહેમ્યા 2 - પવિત્ર બાઇબલ C.L.નહેમ્યાનું યરુશાલેમ પ્રતિ પ્રયાણ 1 આર્તાશાસ્તા રાજાના વીસમા વર્ષે નિસાન માસમાં, એક વાર તે મદિરાપાન કરી રહ્યો હતો અને મેં તેમને દ્રાક્ષાસવનો પ્યાલો આપ્યો. તેમણે મને અગાઉ ક્યારેય ગમગીન જોયો નહોતો. 2 તેથી તેમણે પૂછયું, “તું ઉદાસ કેમ છે? તું બીમાર નથી તો પછી શાને કારણે દુ:ખી છે?” એ સાંભળીને હું ચમકી ગયો. 3 મેં જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો. જ્યાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તે શહેર આજે ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ બાળી નાખવામાં આવ્યા છે. તો પછી મને દુ:ખ ન થાય?” 4 રાજાએ મને પૂછયું, “તારી શી માગણી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી. 5 પછી મેં રાજાને કહ્યું, “નામદાર, મારા પર આપની કૃપા હોય અને આપ મારી વિનંતી માન્ય રાખો તો મને યહૂદિયા દેશમાં જવાની રજા આપો અને જે શહેરમાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તેનો પુનરોદ્ધાર કરવા જવા દો.” 6 રાજાની પાસે રાણી પણ બેઠી હતી. રાજાએ મને પૂછયું, “તું ત્યાં કેટલો સમય રહેશે અને ક્યારે પાછો આવીશ?” મેં તે જણાવ્યું અને તેમણે મારી માગણી માન્ય રાખી. 7 તે પછી મેં રાજા પાસે એવી વિનંતી કરી કે તે મને પશ્ર્વિમ-યુફ્રેટિસ પ્રાંતોના રાજ્યપાલો પર પત્રો લખી આપે કે જેથી તેઓ મને યહૂદિયા તરફ મુસાફરી કરવા દે. 8 મેં તેમને રાજાના વનસંરક્ષક આસાફ પર પણ પત્ર લખી આપવા જણાવ્યું કે જેથી તે મને મંદિરના કિલ્લાના દરવાજાઓ માટે, શહેરના કોટ માટે અને મારા નિવાસસ્થાન માટે ઇમારતી લાકડાં આપે. ઈશ્વર મારી સાથે હતા અને તેથી રાજા પાસે મેં જે કંઈ માગ્યું તે બધું તેમણે મંજૂર કર્યું. 9 રાજાએ મારી સાથે કેટલાક લશ્કરી અમલદારો તથા ઘોડેસવારોની ટુકડી મોકલી અને મેં પશ્ર્વિમ-યુફ્રેટિસના પ્રદેશ તરફ જવા મુસાફરી શરૂ કરી. ત્યાંના રાજ્યપાલોને મેં પત્રો આપ્યા. 10 પણ હોરોનવાસી સાનબાલ્લાટ અને આમ્મોની અધિકારી ટોબિયાએ જ્યારે જાણ્યું કે ઇઝરાયલ લોકોનું ભલું કરવા કોઈ આવ્યું છે ત્યારે તેઓ અત્યંત નારાજ થઈ ગયા. 11 હું યરુશાલેમ પહોંચ્યો અને ત્યાં ત્રણ દિવસ પસાર કર્યા. 12 ઈશ્વરે મને યરુશાલેમના કલ્યાણનું કામ સોંપ્યું છે તે વાત મેં કોઈને કરી નહિ. પછી હું મધરાતે ઊઠયો અને મારી સાથે થોડાએક સાથીદારો લીધા. અમે સાથે એક જ ગધેડું લીધું, જેના પર હું સવાર થયો અને એ સિવાય સાથે બીજું એકેય પ્રાણી લીધું નહિ. 13 પશ્ર્વિમ તરફ “ખીણના દરવાજે” શહેર બહાર નીકળીને દક્ષિણ તરફ “અજગર કુંડ” થઈને હું “કચરાના દરવાજા” સુધી ગયો. ફરતાં ફરતાં મેં શહેરના તૂટેલા કોટનું અને અગ્નિથી બાળી નાખેલા દરવાજાઓનું નિરીક્ષણ કર્યું. 14 ત્યાર પછી હું ઉત્તર તરફ ગયો અને “ઝરાના દરવાજા” સુધી તથા “રાજાના તળાવ” સુધી ગયો. મારા ગધેડાને ચાલવા જેટલો માર્ગ પણ મળતો નહોતો. 15 તેથી હું ખીણ તરફ ગયો અને મેં કોટનું અવલોકન કર્યું. ત્યાર પછી જે માર્ગે હું નીકળ્યો હતો ત્યાં ગયો અને “ખીણના દરવાજા” થઈ શહેરમાં પાછો ગયો. 16 હું ક્યાં ગયો હતો અને મેં શું કર્યું તેની શહેરના કોઈ સ્થાનિક અધિકારીને ખબર પડી નહિ. હજી સુધી મેં કોઈ યહૂદીને એટલે યજ્ઞકારો, આગેવાનો, અધિકારીઓ અથવા કામમાં ભાગ લે તેવા બીજા કોઈને કંઈ કહ્યું નહોતું. 17 પણ હવે મેં તેમને કહ્યું, “આપણે કેવા ભારે સંકટમાં છીએ તે તમે જાણો છો; એટલે કે યરુશાલેમ ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ અગ્નિથી બાળી નાખવામાં આવ્યા છે. ચાલો, આપણે શહેરનો કોટ ફરીથી બાંધીએ અને આપણી નામોશી દૂર કરીએ. 18 વળી, ઈશ્વર મારી સાથે છે અને તેમણે મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને જે જે કહ્યું હતું તે બધું મેં તેમને જણાવ્યું. તેમણે જવાબ આપ્યો, “ચાલો, પુનરોદ્ધારનું કાર્ય શરૂ કરીએ.” એમ તેઓ એ ઉમદા કાર્ય શરૂ કરવાને તૈયાર થઈ ગયા. 19 પણ સાનબાલ્લાટ, ટોબિયા અને અરબી ગેશેમને અમે જે કરીએ છીએ તેની ખબર પડી ત્યારે તેમણે અમારી મજાકમશ્કરી કરી. તેમણે કહ્યું, “તમે આ શું કરી રહ્યા છો? શું તમે રાજાની વિરુદ્ધ બળવો કરવાના છો?” 20 મેં જવાબ આપ્યો, “આકાશના ઈશ્વર અમને સફળતા અપાવશે. અમે તેમના સેવકો છીએ અને અમે પુનરોદ્ધારનું કાર્ય શરૂ કરીશું. પણ યરુશાલેમમાં તમારો કોઈ ભાગ, હક્ક કે દાવો નથી તે જાણી લેજો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide