નહેમ્યા 1 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમ માટે નહેમ્યાની ફિકર 1 હખાલ્યાના પુત્ર નહેમ્યાનું આ વૃત્તાંત છે. આર્તાશાસ્તા રાજાના વીસમા વર્ષે કિસ્લેવ માસમાં હું નહેમ્યા, પાટનગર સૂસામાં હતો. 2 યહૂદિયાથી મારો એક ભાઈ હનાની અને બીજા કેટલાક માણસો ત્યાં આવ્યા. મેં તેમને યરુશાલેમ તથા દેશનિકાલમાંથી પાછા ફરેલા શેષ લોકોના સમાચાર પૂછયા. 3 તેમણે કહ્યું, “જેઓ દેશનિકાલમાંથી બચી જઈ પ્રાંતમાં જીવતા રહ્યા છે તેઓ ભારે મુશ્કેલીમાં અને અપમાનજનક સ્થિતિમાં છે. યરુશાલેમનો કોટ હજી તૂટેલી હાલતમાં જ છે અને દરવાજાઓ બાળી નાખ્યા પછી સમારવામાં આવ્યા નથી.” 4 એ સાંભળીને હું બેસી પડયો અને રડવા લાગ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને ઉપવાસસહિત ઈશ્વરને પ્રાર્થના કરી. 5 “હે આકાશના ઈશ્વર યાહવે, તમે મહાન અને આદરણીય છો. તમારા પર પ્રેમ રાખનારાઓ અને તમારી આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે તમે વિશ્વાસુ રહીને તમારા કરારનું વચન પાળો છો. 6 હે પ્રભુ, મારા તરફ જુઓ અને મારી પ્રાર્થના સાંભળો. કારણ, તમારા સેવકો એટલે ઇઝરાયલી પ્રજા માટે હું રાતદિવસ પ્રાર્થના કરું છું. હું કબૂલ કરું છું કે અમે ઇઝરાયલી લોકોએ પાપ કર્યું છે; મારા પૂર્વજોએ અને મેં પાપ કર્યું છે. 7 અમે તમારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે. અમે તમારી આપેલી આજ્ઞાઓ પાળી નથી. તમારા સેવક મોશેની મારફતે તમે જે નિયમો અને આદેશો અમને આપ્યા તેનું અમે પાલન કર્યું નથી. 8 તમે મોશેને આપેલ સંદેશ યાદ કરો: “હે ઇઝરાયલ લોકો, જો તમે બેવફા નીવડશો તો હું તમને બીજા દેશોમાં વિખેરી નાખીશ. 9 પણ જો તમે મારી તરફ પાછા ફરશો અને મારી આપેલી આજ્ઞાઓ પ્રમાણે વર્તશો તો તમે પૃથ્વીના છેડાઓ સુધી વિખેરાયેલા હશો તો પણ જે સ્થાન મેં મારે નામે ભજન કરવા માટે પસંદ કર્યું છે ત્યાં હું તમને પાછા લાવીશ. 10 “હે પ્રભુ, આ લોકો તો તમારા સેવકો છે અને તમારી પોતાની પ્રજા છે. તમે જ તમારા સામર્થ્યથી અને તમારા બાહુબળથી તેમને મુક્ત કર્યા છે. 11 હે પ્રભુ, હવે તમે મારી પ્રાર્થના તથા તમારાથી ડરીને અદબ રાખનારા તમારા અન્ય સેવકોની પ્રાર્થના સાંભળો. આજે મને એવી સફળતા આપો કે જેથી મારા પર રાજાની કૃપા થાય.” એ સમયે હું રાજાને પીણું પીરસનાર હતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide