નાહૂમ 3 - પવિત્ર બાઇબલ C.L.1 જૂઠી અને ખૂની નગરી! તું લૂંટાઈ જવાની છે. 2 ચાબુકોના સાટકા, પૈડાંનો ગડગડાટ, ઘોડાઓના દાબલા, સખત આંચકા સાથે દોડતા રથો - એ બધું સાંભળો. 3 ઘોડેસવારો ધસી જાય છે. તલવારો ઝગારા મારે છે, ભાલાઓ ચમકે છે. અસંખ્ય માનવી માર્યા જાય છે, મુડદાંના ઢગ ખડક્ય છે. માણસો તેમાં ઠોકર ખાય છે. 4 વેશ્યા જેવી નિનવે નગરીને શિક્ષા થઈ રહી છે. એ આકર્ષક અને નખરાંબાજે પ્રજાઓને મોહિત કરીને વશ કરી દીધી. 5 સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “હે નિનવે, હું તને શિક્ષા કરીશ. હું તને નિર્વસ્ત્ર કરી દઈશ અને પ્રજાઓ તારી નગ્નતા જોશે. 6 હું તને તુચ્છકારથી જોઈશ અને ગંદકીથી ભરી દઈશ. લોકો તને જોઈને ભયભીત થઈ જશે. 7 તને જોઈને સૌ પાછાં હઠી જશે અને સ્તબ્ધ થઈ જઈ કહેશે, ‘નિનવે ખંડિયેર બની ગયું. તેના પ્રત્યે કોણ સહાનુભૂતિ દાખવશે અથવા તેને કોણ દિલાસો આપશે?” 8 ઇજિપ્તની રાજધાનીના નગર કરતાં શું તું ચડિયાતું છે? નાઈલ નદી તેના ગઢ અને કિલ્લા સમાન હતી. 9 તે કુશ અને ઇજિપ્ત ઉપર રાજ્ય કરતું હતું અને તેની સત્તા અસીમ હતી. લુદ તેનું મિત્ર-રાજ્ય હતું. 10 છતાં નો નગરના લોકો દેશનિકાલમાં લઈ જવાયા. તેના દરેક નાકે તેનાં બાળકોને ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યાં. તેના અગ્રણીઓ સાંકળે બાંધીને લઈ જવાયા અને તેમને પકડનારાઓએ તેમને વહેંચી લીધા. 11 નિનવે, તું પણ ઘેનભરી ઘેરી નિદ્રામાં પડશે. તું પણ તારા દુશ્મનોના હાથમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરશે. 12 તારા બધા કિલ્લાઓ પાકાં અંજીરોથી છવાયેલી અંજીરી જેવા થશે. એવી અંજીરી ખંખેરતાં જેમ અંજીરો સીધાં મોંમાં પડે તેમ કિલ્લાના કાંગરા ખરી પડશે! 13 તારા સૈનિકો નામર્દ અને તારો દેશ શત્રુઓની આગળ રક્ષણવિહોણો છે. તારા દરવાજાઓ પરના લાકડાના પાટડા અગ્નિથી બાળી નંખાશે. 14 ઘેરા માટે પાણી ભર અને તારા કિલ્લાઓ સંગીન બનાવ. ઈંટો પાડવા ગારો ગૂંદ અને બીબાં તૈયાર કર. 15 તું ગમે તે કરે છતાં કાં તો તું બાળી નંખાશે અથવા બડાઈમાં માર્યું જશે. તીડો જેમ પાકને ખાઈ જાય છે તેમ તને ખતમ કરી નાખવામાં આવશે. તું ય તીડોની માફક વધ્યો છે. 16 આકાશમાં જેટલા તારા છે તેનાં કરતાં તેં વધુ વેપારીઓ પેદા કર્યા છે! પણ જેમ તીડો પાંખો પ્રસારીને ઊડી જાય તેમ તેઓ પણ જતા રહ્યા છે. 17 ઠંડા દિવસે દીવાલની બખોલોમાં તીડો ભરાઈ રહે, પણ સૂર્ય ઊગતાંની સાથે જ જેમ તેઓ ઊડી જાય છે અને તેમનો પત્તો લાગતો નથી, તેમ તારા સેનાનાયકો લાપતા બન્યા છે. 18 હે આશ્શૂરના સમ્રાટ, તારા રાજ્યપાલો મૃત્યુ પામ્યા છે અને તારા અમીર ઉમરાવો સદાને માટે પોઢી ગયા છે! તારા લોકો પર્વતો ઉપર વિખેરાઈ ગયા છે અને તેમને ઘેર પાછા લાવનાર કોઈ રહ્યું નથી. 19 તને પડેલા ઘાનો કોઈ ઇલાજ નથી અને તારા ઘા રૂઝાય તેવા નથી. તારા વિનાશના સમાચાર સાંભળનાર સૌ કોઈ હર્ષથી તાળીઓ પાડે છે. શું કોઈ તારી અનહદ ક્રૂરતાથી બચ્યું હતું? |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide