નાહૂમ 2 - પવિત્ર બાઇબલ C.L.નિનવેનું પતન 1 નિનવે, તારા પર આક્રમણ થાય છે. તને તોડીફોડીને તારા ભૂક્કા બોલાવી દેનાર વિનાશક આવી ચૂક્યો છે. તારી સંરક્ષણ હરોળો સંભાળ! રસ્તાઓ પર ચોકીપહેરો ગોઠવ! યુદ્ધ માટે સજ્જ થા! 2 (ઇઝરાયલને તેના દુશ્મનોએ લૂંટી લીધું તે પહેલાંની તેની જાહોજલાલી પ્રભુ ફરીથી સ્થાપવાની પેરવીમાં છે.) 3 દુશ્મનના સૈનિકોએ કિરમજી ગણવેશ ધારણ કર્યો છે, અને તેમની પાસે લાલ ઢાલો છે. તેઓ આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે! તેમના રથ અગ્નિની જેમ ઝગારા મારે છે. તેમના ઘોડા આગળ વધવા અધીરા બન્યા છે. 4 તેમના રથો ઝંઝાવાતી ગતિથી શેરીઓમાં થઈને પસાર થાય છે. તેઓ શહેરનાં ચોકચૌટાઓમાં આમતેમ ઝડપથી ફરી રહ્યા છે. તેઓ મશાલોની પેઠે ઝળહળી રહ્યા છે અને વીજળીવેગે ધસી રહ્યા છે. 5 સેનાનાયકોને યુદ્ધે ચઢવાનું ફરમાન થયું છે; પણ તેઓ આગેકૂચ કરતાં ઠોકર ખાય છે. હલ્લો કરનારા કોટ ઉપર ધસારો કરે છે અને કોટભંજક યંત્રો માટે આડશ ઊભી કરે છે. 6 નદીઓ પરના દરવાજા જોરથી ખૂલી ગયા છે અને મહેલમાં ગભરાટ ફેલાઈ ગયો છે. 7 મહારાણીને બંદીવાન તરીકે પકડી લેવામાં આવી છે અને તેની દાસીઓ હોલાની જેમ કલ્પાંત કરતાં કરતાં છાતી કૂટે છે. 8 બંધની પાળ તૂટતાં પાણી બહાર ધસી જાય તેમ લોકો નિનવે નગરમાંથી બહાર નાસી રહ્યા છે. “થોભો! થોભો!” પોકારો થાય છે. પણ કોઈ પાછું ફરતું નથી. 9 રૂપું લૂંટો! સોનું લૂંટો! અરે, શહેર તો કીમતી ખજાનાથી ભરપૂર છે. 10 નિનવેનો નાશ થયો છે. તે નિર્જન અને ઉજ્જડ બની ગયું છે. હૃદયો બીકથી પીગળી ગયાં છે, ધૂંટણો થરથર ધ્રૂજે છે, શક્તિ ઓસરી ગઈ છે, ચહેરાઓ ફિક્કા પડી ગયા છે. 11 સિંહની બોડ સમાન એ શહેર હવે ક્યાં છે? ત્યાં સિંહનાં બચ્ચાંને ખવડાવવામાં આવતાં. સિંહ અને સિંહણ બીજે જાય તો પણ તેમનાં બચ્ચાં ત્યાં સલામત રહેતાં. 12 સિંહ શિકાર મારી લાવતો અને સિંહણ તથા બચ્ચાં માટે શિકારના ફાડીને ટુકડેટુકડા કરતો. ફાડી નાખેલા માંસથી તે પોતાની બોડ ભરી દેતો. 13 સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “હું તારો દુશ્મન છું! હું તારા રથો બાળી નાખીશ. તારા સૈનિકો યુદ્ધમાં ખપી જશે. તેં જે બીજાઓ પાસેથી પચાવી પાડયું છે, તે બધું હું તારી પાસેથી લઈ લઈશ. તારા રાજદૂતોની માગણી કોઈ સાંભળશે નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide