Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નાહૂમ 1 - પવિત્ર બાઇબલ C.L.

1 આ નિનવે વિષેનો સંદેશો છે. એમાં એલ્કોશ નગરના નાહૂમને થયેલ સંદર્શનનું વર્ણન છે.


નિનવે સામે પ્રભુનો રોષ

2 પ્રભુ પ્રતિસ્પર્ધીઓને સાંખી લેતા નથી. તે તેમના વિરોધીઓને સજા કરે છે અને તેમના રોષમાં તે તેમને બદલો વાળી આપે છે.

3 પ્રભુ સહેજમાં ગુસ્સે થતા નથી, પણ તે શક્તિશાળી છે, અને દોષિતને શિક્ષા કર્યા વગર રહેતા નથી. જ્યાં જ્યાં પ્રભુ ચાલે છે ત્યાં ત્યાં ઝંઝાવાત ઊઠે છે. વાદળો તો તેમના ચાલવાથી ઊડતી ડમરીઓ છે.

4 તે સમુદ્રને આજ્ઞા કરે છે એટલે તે સુકાઈ જાય છે! તે નદીઓને સૂકવી નાખે છે. બાશાનનાં ખેતરો સુકાઈ જાય છે. ર્ક્મેલ પર્વત વેરાન થઈ જાય છે અને લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે.

5 પ્રભુની સમક્ષ પર્વતો ધ્રૂજે છે; તેમની સમક્ષ ટેકરીઓ પીગળી જાય છે. પ્રભુ પ્રગટ થાય છે ત્યારે પૃથ્વી કાંપે છે, અને દુનિયા તથા તેના લોકો ધ્રૂજે છે.

6 તે રોષે ભરાય ત્યારે કોણ બચી શકે? તે પોતાનો જ્વાળામય રોષ ઠાલવે છે, તેમની સમક્ષ ખડકોના ચૂરેચૂરા બોલી જાય છે.

7 પ્રભુ ભલા છે, તે પોતાના લોકોને માટે સંકટ સમયે આશ્રયદાતા છે. જેઓ તેમને શરણે જાય છે તેમની તે સંભાળ લે છે.

8 ધસમસતાં પૂરની જેમ તે પોતાના દુશ્મનોનો નાશ કરે છે. તે તેમના વિરોધીઓને મારી નાખે છે.

9 તમે પ્રભુની વિરુદ્ધ તરકટ રચો છો? તે તમારો નાશ કરી નાખશે. કોઈ તેમનો એકથી વધુ વખત વિરોધ કરી શકતું નથી.

10 ભેગાં કરેલાં ઝાંખરા અને ખૂંપરાની જેમ તેમને બાળી નાખવામાં આવશે.

11 હે નિનવે, તારામાંથી પાકેલા એક કપટી અને દુષ્ટ પુરુષે પ્રભુની વિરુદ્ધ કાવતરું ઘડયું છે.

12 પ્રભુ પોતાની ઇઝરાયલી પ્રજાને આમ કહે છે: “જો કે આશ્શૂરીઓ સંખ્યાબંધ અને શક્તિશાળી છે, છતાં તેમનો સમૂળગો નાશ કરવામાં આવશે અને તેમનું નામનિશાન નહિ રહે. હે મારી પ્રજા, મેં તને તેઓ દ્વારા દુ:ખ આપ્યું પણ હવેથી હું તને દુ:ખી કરીશ નહિ.

13 હવે હું તારા પરથી આશ્શૂરની સત્તાનો અંત લાવીશ અને તારાં બંધનો તોડી નાખીશ.”

14 આશ્શૂરીઓ માટે તો પ્રભુએ આવું નિર્માણ કર્યું છે: “તેમનું નામ ચાલુ રાખનાર તેમનો કોઈ વંશજ રહેશે નહિ. તેમનાં દેવમંદિરમાં સ્થાપેલી મૂર્તિઓનું હું ખંડન કરીશ. આશ્શૂરીઓ માટે હું ઘોર ખોદી રહ્યો છું. કારણ, તેઓ હવે જીવવાને લાયક રહ્યા નથી!”

15 જુઓ, પર્વતો પરથી શુભસંદેશ લાવનાર આવી રહ્યો છે! તે પ્રભુના વિજયને જાહેર કરવા રવાના થઈ રહ્યો છે. યહૂદિયાના લોકો, તમારાં પર્વો ઊજવો અને પ્રભુની સમક્ષ લીધેલી તમારી ગંભીર માનતાઓ પૂરી કરો. દુષ્ટો તમારા દેશ પર ફરી કદી ચઢાઈ કરશે નહિ. કારણ, તેમનો સમૂળગો નાશ કરવામાં આવ્યો છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan