માર્ક 6 - પવિત્ર બાઇબલ C.L.વતનમાં ઈસુનો નકાર ( માથ. 13:53-58 ; લૂક. 4:16-30 ) 1 પછી ત્યાંથી ઈસુ પોતાના શિષ્યોની સાથે પોતાના વતનમાં પાછા ફર્યા. 2 પછીના વિશ્રામવારે તે ભજનસ્થાનમાં શિક્ષણ આપવા લાગ્યા. ત્યાં ઘણા લોકો હતા, અને તેઓ તેમનું સાંભળીને આશ્ર્વર્યચકિત થઈ કહેવા લાગ્યા, “એણે આ બધું ક્યાંથી મેળવ્યું? એને કેવું જ્ઞાન અપાયું છે! તે કેવા મહાન ચમત્કારો કરે છે! 3 શું એ તો સુથાર, મિર્યામનો પુત્ર તથા યાકોબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો અહીં રહેતી નથી?” એમ તેમણે તેમનો ઇનકાર કર્યો. 4 ઈસુએ તેમને કહ્યું, “પોતાનું વતન, સગાંવહાલાં અને કુટુંબ સિવાય સંદેશવાહકને બીજી બધી જગ્યાએ માન મળે છે.” 5 થોડાંએક બીમારોને તેમના માથા પર હાથ મૂકીને સાજાં કર્યાં એ સિવાય બીજા કોઈ ચમત્કાર તેઓ ત્યાં કરી શક્યા નહિ. 6 લોકોમાં વિશ્વાસનો અભાવ જોઈને તેમને ઘણું જ આશ્ર્વર્ય થયું. પછી ઈસુ આજુબાજુનાં ગામોમાં લોકોને ઉપદેશ આપતા ફર્યા. પ્રેષિતોનું સેવાકાર્ય ( માથ. 10:5-15 ; લૂક. 9:1-6 ) 7 તેમણે બાર શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને તેમને બબ્બેની જોડીમાં મોકલ્યા. તેમણે તેમને અશુદ્ધ આત્માઓ ઉપર અધિકાર આપ્યો, 8 અને તેમને ફરમાવ્યું, “લાકડી સિવાય તમારી મુસાફરીમાં સાથે બીજું કંઈ લેતા નહિ; ખોરાક નહિ, થેલી નહિ કે ખિસ્સામાં પૈસા પણ નહિ. 9 ચંપલ પહેરજો, પણ વધારાનો ઝભ્ભો પહેરતા નહિ.” 10 તેમણે તેમને આમ પણ કહ્યું, “જે ઘરમાં તમારો સત્કાર કરવામાં આવે તે જ ઘરમાં તે શહેર મૂકીને બીજે જાઓ ત્યાં સુધી રહેજો. 11 કોઈ જગ્યાએ લોકો તમને આવકાર ન આપે, અથવા તમારું ન સાંભળે, તો ત્યાંથી જતા રહેજો અને તમારા પગની ધૂળ ખંખેરી નાખજો. એ તેમની વિરુદ્ધ સાક્ષી બની રહેશે.” 12 તેથી બાર શિષ્યોએ જઈને લોકોને પોતાનાં પાપથી પાછા ફરવાનો ઉપદેશ આપ્યો. 13 તેમણે ઘણા દુષ્ટાત્માઓ કાઢયા, અને ઘણા બીમાર લોકોને તેમના માથા પર તેલ ચોળીને સાજા કર્યા. બાપ્તિસ્મા કરનાર યોહાનની શહાદત ( માથ. 14:1-12 ; લૂક. 9:7-9 ) 14 હવે હેરોદ રાજાએ આ બધી વાત સાંભળી; કારણ, ઈસુની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી. કેટલાક લોકો કહેતા હતા, “બાપ્તિસ્મા કરનાર યોહાન મરેલાંઓમાંથી સજીવન થયો છે. તેથી જ તેનામાં આ બધું સામર્થ્ય કાર્ય કરી રહેલું છે.” 15 પણ બીજાઓએ કહ્યું, “તે એલિયા છે.” વળી, બીજા કેટલાકે કહ્યું, “ઈશ્વરના પ્રાચીન સંદેશવાહકો જેવો તે સંદેશવાહક છે.” 16 હેરોદે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “એ તો બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે! મેં તેનું માથું કપાવી નાખ્યું હતું, પણ હવે તે પાછો સજીવન થયો છે!” 17 હેરોદે પોતે જ યોહાનની ધરપકડ કરાવી હતી અને તેને જેલમાં નંખાવ્યો હતો. કારણ, હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હોવાથી 18 બાપ્તિસ્મા કરનાર યોહાન હેરોદને કહ્યા કરતો હતો, “તમારા ભાઈની પત્ની સાથે લગ્ન કરવું એ તમારે માટે ઉચિત નથી.” 19 તેથી હેરોદિયાસને યોહાન પર વેરભાવ હતો, અને તે તેને મારી નંખાવવા ચાહતી હતી, પણ હેરોદને લીધે તે તેમ કરી શક્તી નહોતી. 20 હેરોદ યોહાનનું માન રાખતો હતો; કારણ, તે જાણતો હતો કે યોહાન ધર્મનિષ્ઠ અને પવિત્ર માણસ છે; અને તેથી તેણે તેને સલામત રાખ્યો હતો. તેનું સાંભળવાનું હેરોદને ગમતું; જોકે દરેક વખતે તે તેનું સાંભળીને અસ્વસ્થ બની જતો. 21 છેવટે હેરોદિયાસને લાગ મળી ગયો. હેરોદે પોતાના જન્મદિવસે બધા ઉચ્ચ અધિકારીઓ, લશ્કરી અફસરો અને ગાલીલના અગ્રગણ્ય નાગરિકો માટે ભોજનસમારંભ યોજ્યો હતો. 22 હેરોદિયાસની પુત્રીએ આવીને નૃત્ય કર્યું, અને હેરોદ તથા આમંત્રિત મહેમાનોને ખુશ કરી દીધા. તેથી રાજાએ છોકરીને પૂછયું, “તારે શું જોઈએ છે? તું જે કંઈ માગીશ, તે હું તને આપીશ.” 23 અને તેણે સોગંદ ખાઈને કહ્યું, “મારું વચન છે કે તું જે કંઈ માગીશ તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ.” 24 તેથી તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું, “હું શું માગું?” હેરોદિયાસે જવાબ આપ્યો, “બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું.” 25 છોકરી તરત જ રાજાની પાસે ઉતાવળે પાછી ગઈ અને તેણે માગણી કરી, “મને એક થાળમાં બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું અત્યારે જ લાવી આપો!” 26 એનાથી રાજાને પારાવાર દુ:ખ થયું; પણ તેના બધા મહેમાનો આગળ સોગંદથી બંધાયો હોવાથી તે ના પાડી શક્યો નહિ. 27 તેથી તેણે એક અંગરક્ષકને યોહાનનું માથું તરત લાવવાનો હુકમ કર્યો. અંગરક્ષકે જેલમાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું, 28 અને થાળમાં લાવીને છોકરીને આપ્યું; તેણે તે લઈને પોતાની માને આપ્યું. 29 યોહાનના શિષ્યોએ એ જાણ્યું એટલે તેમણે આવીને તેનું શબ મેળવ્યું અને કબરમાં દફનાવ્યું. પાંચ રોટલી, બે માછલી ( માથ. 14:13-21 ; લૂક. 9:10-17 ; યોહા. 6:1-14 ) 30 પ્રેષિતો ઈસુની પાસે એકત્ર થયા અને તેમણે જે જે કર્યું હતું અને શીખવ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. 31 લોકોની અવરજવર એટલી બધી હતી કે ઈસુ તથા તેમના શિષ્યોને ખાવાનો પણ સમય મળતો ન હતો. તેથી ઈસુએ તેમને કહ્યું, “મારી સાથે એક્ંતમાં ચાલો, અને ત્યાં આરામ કરો.” 32 તેથી તેઓ એક્ંત જગ્યાએ જવા હોડીમાં બેસી ઊપડયા. 33 પણ ઘણા લોકોએ તેમને જતા જોયા અને તેમને તરત ઓળખી કાઢયા. તેથી નગરોમાંથી નીકળીને તેઓ બધા ઈસુ તથા તેમના શિષ્યોની અગાઉ તે જગ્યાએ જમીનમાર્ગે દોડી ગયા. 34 ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે વિશાળ જનસમુદાયને જોઈને તેમનું હૃદય અનુકંપાથી ભરાઈ આવ્યું; કારણ, તેઓ ભરવાડ વગરનાં ઘેટાં જેવા હતા. તેથી તેમણે તેમને ઘણી વાતો શીખવવા માંડી. 35 સાંજ પડવા આવી ત્યારે તેમના શિષ્યોએ આવીને કહ્યું, “હવે બહુ મોડું થયું છે, અને આ જગ્યા ઉજ્જડ છે. 36 લોકોને વિદાય કરો; જેથી તેઓ આસપાસનાં પરાં અને ગામોમાં જઈને પોતાને માટે કંઈક ખાવાનું ખરીદે.” 37 ઈસુએ જવાબ આપ્યો, “તમે પોતે જ તેમને ખાવાનું આપો.” તેમણે તેમને કહ્યું, “શું તમારી ઇચ્છા એવી છે કે અમે બસો દીનારની રોટલી લાવીને તેમને ખવડાવીએ?” 38 તેથી ઈસુએ તેમને કહ્યું, “જાઓ, જઈને તપાસ કરો કે તમારી પાસે કેટલી રોટલી છે.” તપાસ કર્યા પછી તેમણે કહ્યું, “પાંચ રોટલી અને બે માછલી પણ છે.” 39 પછી ઈસુએ તેમના શિષ્યોને આજ્ઞા કરી કે, બધા લોકોને જૂથમાં વહેંચી નાખીને તેમને લીલા ઘાસ પર બેસાડો. 40 તેથી લોકો સો સો અને પચાસ પચાસના વ્યવસ્થિત જૂથમાં બેસી ગયા. 41 પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો. તેમણે રોટલીઓ લીધી, ભાંગી અને લોકોને વહેંચવા માટે પોતાના શિષ્યોને આપી. બે માછલીને પણ તેમણે બધા વચ્ચે વહેંચી. 42 બધાંએ ધરાઈને ખાધું. 43 પછી શિષ્યોએ રોટલી અને માછલીના વધેલા ટુકડાઓથી બાર ટોપલીઓ ભરી. 44 જમનારાઓમાં પાંચ હજાર તો પુરુષો હતા. ઈસુ પાણી પર ચાલે છે ( માથ. 14:22-33 ; યોહા. 6:15-21 ) 45 ઈસુએ તરત જ પોતાના શિષ્યોને હોડીમાં આગ્રહ કરી બેસાડયા અને પોતાની અગાઉ સરોવરને સામે કિનારે બેથસૈદા મોકલ્યા; જ્યારે પોતે જનસમુદાયને વિદાય આપી. 46 તેમને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા પર્વત પર ગયા. 47 રાત પડી ત્યારે હોડી સરોવર મયે હતી; જ્યારે ઈસુ જમીન પર એકલા હતા. 48 ઈસુને ખબર પડી કે તેમના શિષ્યોને સામા પવનને કારણે હોડી હંકારવામાં મુશ્કેલી પડે છે; તેથી સવારના ત્રણથી છ સુધીના સમયમાં તે પાણી પર ચાલીને તેમની પાસે ગયા. 49 પણ તેમણે તેમને પાણી પર ચાલતા જોયા ત્યારે એ તો ભૂત છે એવું ધારીને તેઓએ બૂમ પાડી. 50 કારણ, બધા તેમને જોતાં જ ગભરાઈ ગયા. ઈસુએ તેમને તરત જ કહ્યું, “હિંમત રાખો, એ તો હું છું; બીશો નહિ.” 51 પછી તે તેમની સાથે હોડીમાં ચઢી ગયા અને પવન બંધ થઈ ગયો. શિષ્યો તો અતિ વિસ્મય પામ્યા. 52 કારણ, રોટલીનો પ્રસંગ તેઓ સમજ્યા નહિ. એથી ઊલટું, તેમનાં મન જડ થયાં. ગેન્નેસારેતમાં માંદાઓ સાજા થયા ( માથ. 14:34-36 ) 53 સરોવર ઓળંગીને તેઓ ગેન્નેસારેત પ્રદેશમાં આવ્યા, અને તેમણે હોડીને કિનારે લાંગરી. 54 તેઓ હોડીમાંથી ઊતર્યા કે તરત જ લોકોએ ઈસુને ઓળખી કાઢયા. 55 તેથી તેઓ આખા પ્રદેશમાં ફરી વળ્યા, અને જ્યાં ઈસુ જતા હોય ત્યાં બીમાર માણસોને તેમની પથારીમાં લાવવા લાગ્યા. 56 ગામડાંઓમાં, શહેરોમાં કે પરાંઓમાં જ્યાં જ્યાં ઈસુ ગયા ત્યાં ત્યાં લોકો તેમનાં માંદાઓને ચોકમાં લાવતા, અને ઈસુના ઝભ્ભાની કોરને સ્પર્શ કરવા દેવા આજીજી કરતા. જેટલા ઝભ્ભાની કોરને સ્પર્શ કરતા તે બધા જ સાજા થઈ જતા હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide