માર્ક 5 - પવિત્ર બાઇબલ C.L.ઈસુ પાછા જાઓ! ( માથ. 8:28-34 ; લૂક. 8:26-39 ) 1 તેઓ ગાલીલ સરોવરને સામે કિનારે ગેરાસીનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા. 2 ઈસુ હોડીમાંથી ઊતર્યા કે તરત જ કબર તરીકે વપરાતી ગુફાઓમાંથી નીકળતો એક માણસ તેમને સામો મળ્યો. 3 એ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો, અને તે કબરોમાં વસતો હતો. કોઈ તેને સાંકળોથી પણ બાંધી શકતું ન હતું. 4 તેને ઘણીવાર હાથે સાંકળો અને પગે બેડીઓથી બાંધવામાં આવ્યો હતો. પણ તે સાંકળોની કડીએ કડી તોડી નાખતો અને બેડીઓના ભૂક્કા બોલાવતો. તેને વશ કરવાની કોઈની તાક્ત ન હતી. 5 તે કબરોમાં અને ડુંગરાઓમાં બૂમબરાડા પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો રાતદિવસ ભટક્યા કરતો. 6 ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડયો. 7 તેણે મોટે સાદે બૂમ પાડી, “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર, તમારે અને મારે શું લાગેવળગે છે? ઈશ્વરના સોગંદ દઈને હું તમને વિનવું છું કે મને પીડા દેશો નહિ.” 8 તેણે આમ કહ્યું, કારણ, ઈસુએ તેને કહ્યું હતું, “હે અશુદ્ધ આત્મા, આ માણસમાંથી બહાર નીકળ!” 9 ઈસુએ તેને પૂછયું, “તારું નામ શું છે?” માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે; કારણ, અમે ઘણા છીએ!” 10 તેણે તેમને એ પ્રદેશમાંથી કાઢી નહિ મૂકવા ઈસુને આજીજી કર્યા કરી. 11 નજીકમાં ટેકરીઓ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. 12 તેમણે ઈસુને આજીજી કરી, “અમને ભૂંડો પાસે મોકલો, અને તેમનામાં પ્રવેશવા દો.” 13 તેથી ઈસુએ તેમને જવાની રજા આપી. અશુદ્ધ આત્માઓ પેલા માણસમાંથી નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા. લગભગ બે હજાર ભૂંડોનું આખું ટોળું સીધા ઢોળાવ પરથી ઢસડાઈને સરોવરમાં ડૂબી ગયું. 14 ભૂંડો સાચવનારાઓ નાસી ગયા અને શહેરમાં તથા ખેતરોમાં એના સમાચાર ફેલાવ્યા. જે બન્યું હતું તે જોવા બધા લોકો નીકળી આવ્યા. 15 તેઓ ઈસુની પાસે આવ્યા અને જેનામાં અશુદ્ધ આત્માઓ રહેતા હતા તે માણસને જોયો. તે ત્યાં કપડાં પહેરેલો અને સ્વસ્થચિત્તે બેઠેલો હતો; અને તેઓ બધા ભયથી ચોંકી ઊઠયા. 16 બનાવ જોનારાઓએ અશુદ્ધ આત્મા વળગેલા માણસનું અને ભૂંડોનું શું થયું હતું તે લોકોને જણાવ્યું. 17 તેથી તેમણે ઈસુને તેમનો પ્રદેશ છોડીને જતા રહેવા આજીજી કરી. 18 ઈસુ હોડીમાં ચઢતા હતા ત્યારે જેને અગાઉ અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તે માણસે આજીજી કરી, “મને તમારી સાથે આવવા દો.” 19 પણ ઈસુએ તેને મના કરી, અને એને બદલે તેને કહ્યું, “તારે ઘેર જા અને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, અને તારા પર દયા દર્શાવી છે તે તારા કુટુંબીજનોને જણાવ.” 20 તેથી તે માણસ ગયો અને ઈસુએ તેને માટે જે કર્યું હતું તે દસનગરના પ્રદેશમાં કહેતો ફર્યો; અને જેમણે સાંભળ્યું તેઓ નવાઈ પામ્યા. યાઇરસની પુત્રી અને રક્તસ્રાવી સ્ત્રી ( માથ. 9:18-26 ; લૂક. 8:40-56 ) 21 ઈસુ સરોવરને બીજે કિનારે પાછા ગયા. ત્યાં એક મોટો જનસમુદાય તેમને ઘેરી વળ્યો. 22 તે સરોવર પાસે જ હતા એટલામાં યાઇરસ નામે યહૂદી ભજનસ્થાનનો એક અધિકારી આવ્યો. ઈસુને જોઈને તે તેમને પગે પડયો, અને તેણે તેમને ખૂબ જ આગ્રહપૂર્વક આજીજી કરી, 23 “મારી નાની દીકરી મરવાની અણી પર છે. કૃપા કરીને આવો અને તેના માથા પર તમારો હાથ મૂકો, જેથી તે સાજી થાય, અને જીવતી રહે.” 24 પછી ઈસુ તેની સાથે ચાલી નીકળ્યા. તેમની સાથે એટલા બધા લોકો ગયા કે ચારેબાજુથી તેમના પર પડાપડી થવા લાગી. 25 એક સ્ત્રી હતી. તેને બાર વર્ષથી રક્તસ્રાવનો રોગ થયો હતો, અને તે તેનાથી ભયંકર રીતે પીડાતી હતી. 26 જોકે ઘણા વૈદોએ તેની સારવાર કરી હતી અને તેણે પોતાના બધા પૈસા ખર્ચી નાખ્યા હતા; પણ સારું થવાને બદલે તેની હાલત વધારે અને વધારે બગડતી જતી હતી. 27 તેણે ઈસુ વિષે સાંભળ્યું હોવાથી ટોળામાં ઈસુની પછવાડેથી તે આવી, અને તેણે તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો; 28 કારણ, તેણે પોતાના મનમાં વિચાર્યું હતું કે, “જો હું માત્ર તેમના ઝભ્ભાને સ્પર્શ કરું તો હું સાજી થઈ શકીશ.” 29 તેણે તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો અને તરત જ તેનો રક્તસ્રાવ અટકી ગયો. તેને પોતાને પણ લાગ્યું કે તેના શરીરમાંનું દર્દ મટી ગયું છે. 30 ઈસુને તરત જ ખબર પડી કે તેમનામાંથી પરાક્રમ નીકળ્યું છે. એટલે તેમણે ટોળા તરફ ફરીને પૂછયું, “મારા ઝભ્ભાને કોણે સ્પર્શ કર્યો?” 31 તેમના શિષ્યોએ જવાબ આપ્યો, “લોકો તમારા પર કેવી પડાપડી કરે છે તે તો તમે જુઓ છો, અને છતાંયે તમે પૂછો છો કે તમને કોણે સ્પર્શ કર્યો?” 32 પણ કોણે સ્પર્શ કર્યો હતો તેને જોવા ઈસુએ આસપાસ નજર ફેરવી. 33 પોતાને જે થયું હતું તે બધું તે સ્ત્રી જાણતી હતી. તેથી તે બીકથી ધ્રૂજતી ધ્રૂજતી આવીને તેમને પગે પડી, અને તેણે તેમને બધી હકીક્ત કહી. 34 ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. શાંતિથી જા; તારું દર્દ તારાથી દૂર રહો.” 35 ઈસુ હજુ બોલતા હતા એવામાં જ ભજનસ્થાનના અધિકારીને ઘેરથી કેટલાક માણસોએ આવીને કહ્યું, “તમારી દીકરી મરણ પામી છે. હવે ગુરુજીને વધારે તકલીફ શા માટે આપો છો?” 36 ઈસુએ તેમની વાત પર કંઈ ધ્યાન આપ્યું નહિ, પણ ભજનસ્થાનના અધિકારીને કહ્યું, “ગભરાઈશ નહિ, ફક્ત વિશ્વાસ રાખ.” 37 પછી તેમણે પિતર, યાકોબ અને તેના ભાઈ યોહાન સિવાય બીજા કોઈને પોતાની સાથે આવવા દીધા નહિ. 38 તેઓ એ અધિકારીને ઘેર આવી પહોંચ્યા. ત્યાં ઈસુએ ઘોંઘાટ, રડારોળ તથા કલાપીટ સાંભળ્યાં. 39 તેમણે અંદર જઈને પૂછ્યું, “આ શાનો ઘોંઘાટ છે? તમે શા માટે રડો છો? છોકરી મરણ પામી નથી; તે તો ઊંઘે છે.” 40 પણ બધાએ ઈસુને હસી કાઢયા. તેથી તેમણે બધાને બહાર કાઢી મૂક્યા અને છોકરીનાં માતાપિતા અને પોતાના ત્રણ શિષ્યોને લઈને છોકરી જ્યાં સૂતી હતી તે ઓરડીમાં ગયા. 41 ઈસુએ તેનો હાથ પકડીને તેને કહ્યું, “તલીથા કૂમ,” જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું: ઊઠ!” 42 તે તરત જ ઊઠીને ચાલવા લાગી, કારણ, તે બાર વર્ષની હતી. એ જોઈને તેઓ ખૂબ જ આશ્ર્વર્ય પામ્યા. 43 પણ કોઈને કંઈપણ નહિ કહેવાની તાકીદ કરતાં ઈસુએ તેમને કહ્યું, “તેને કંઈક ખાવાનું આપો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide