માર્ક 15 - પવિત્ર બાઇબલ C.L.અંતિમ ચુક્દો ( માથ. 27:1-2 , 11-14 ; લૂક. 23:1-5 ; યોહા. 18:28-38 ) 1 વહેલી સવારે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને ન્યાયસભાના બાકીના સભ્યો ઉતાવળે મળ્યા અને તેમની યોજના ઘડી કાઢી. તેઓ ઈસુને સાંકળે બાંધી લઈ ગયા અને તેમને પિલાતને સોંપી દીધા. 2 પિલાતે તેમને પ્રશ્ર્ન કર્યો, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તમે જ તે પ્રમાણે કહો છો.” 3 મુખ્ય યજ્ઞકારોએ ઘણી બાબતો અંગે ઈસુની સામે આરોપ મૂક્યા. 4 તેથી પિલાતે ફરીથી તેમને પ્રશ્ર્ન પૂછયો, “શું તું કંઈ જવાબ દેતો નથી? તેઓ તારા પર કેટલા બધા આરોપ મૂકે છે!” 5 ઈસુએ બચાવમા કંઈ કહ્યું નહિ, અને તેથી પિલાતને આશ્ર્વર્ય થયું. ઈસુને મૃત્યુદંડ ( માથ. 27:15-26 ; લૂક. 23:13-25 ; યોહા. 18:39—19:16 ) 6 પ્રત્યેક પાસ્ખા પર્વ વખતે લોકો જેની માગણી કરે તેવા એક કેદીને પિલાત મુક્ત કરતો. 7 તે સમયે બળવા દરમિયાન ખૂની બળવાખોરો સાથે બારાબાસ નામનો એક માણસ જેલમાં હતો. 8 લોકોનું ટોળું ભેગું થઈ આવ્યું અને વર્ષના આ સમયે તેમને માટે તે જે કરતો હતો તે કરવા માગણી કરી. 9 ત્યારે તેણે પૂછયું, “તમારે માટે યહૂદીઓના રાજાને છોડી મૂકું એમ તમે ઇચ્છો છો?” 10 તેને બરાબર ખબર હતી કે મુખ્ય યજ્ઞકારોએ તેમની અદેખાઈને લીધે જ ઈસુને સોંપ્યા હતા. 11 પણ મુખ્ય યજ્ઞકારોએ ઈસુને બદલે બારાબાસને છોડી મૂકવાની માગણી કરવા ટોળાને ઉશ્કેર્યું. 12 પિલાતે ફરીથી ટોળાને કહ્યું, “તો પછી તમે જેને યહૂદીઓનો રાજા કહો છો તેને હું શું કરું?” 13 તેમણે બૂમો પાડી, “તેને ક્રૂસે જડી દો.” 14 પિલાતે પૂછયું, “પણ એણે શો ગુનો કર્યો છે?” પરંતુ તેમણે વધારે બૂમ પાડી, “તેને ક્રૂસે જડી દો.” 15 પિલાત લોકોના ટોળાને ખુશ કરવા માગતો હતો, તેથી તેણે બારાબાસને છોડી મૂક્યો. પછી ઈસુને કોરડાનો સખત માર મરાવ્યો, અને તેમને ક્રૂસે જડવા સોંપણી કરી. સૈનિકોએ કરેલી મશ્કરી ( માથ. 27:27-31 ; યોહા. 19:2-3 ) 16 સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલના ચોકમાં લઈ ગયા અને ટુકડીના બાકીનાઓને પણ બોલાવ્યા. 17 તેમણે ઈસુને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો, કાંટાળી ડાળીઓનો મુગટ ગૂંથીને તેમને માથે મૂક્યો. 18 પછી તેમણે તેમને સલામ કરી; અને મશ્કરીમાં કહ્યું, “યહૂદીઓના રાજા, અમર રહો!” 19 તેમણે તેમના માથા પર સોટી ફટકારી, તેમના પર થૂંક્યા અને ધૂંટણે પડી તેમને નમન કર્યું. 20 તેઓ તેમની મશ્કરી કરી રહ્યા પછી તેમણે જાંબલી ઝભ્ભો ઉતારી લઈ તેમનાં પોતાનાં કપડાં પાછાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને ક્રૂસે જડવા માટે બહાર લઈ ગયા. ઈસુને ક્રૂસે જડયા ( માથ. 27:32-44 ; લૂક. 23:26-43 ; યોહા. 19:17-27 ) 21 રસ્તે જતાં જતાં ગામડેથી શહેરમાં આવતો સિમોન નામનો એક માણસ તેમને મળ્યો, અને તેમણે તેની પાસે ઈસુનો ક્રૂસ બળજબરીથી ઊંચકાવ્યો. (આ સિમોન તો કુરેનીનો વતની હતો અને એલેકઝાંડર તથા રૂફસનો પિતા હતો). 22 તેઓ ઈસુને ‘ગલગથા’ અર્થાત્ ‘ખોપરીની જગા’એ લાવ્યા. 23 ત્યાં તેમણે તેમને બોળમિશ્રિત દારૂ પીવા આપ્યો. પણ ઈસુએ તે પીવાનો ઇનકાર કર્યો. 24 તેથી તેમણે તેમને ક્રૂસે જડયા અને કોને ભાગે શું આવે તે માટે ચિઠ્ઠી નાખીને તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં. 25 તેમણે તેમને ક્રૂસે જડયા ત્યારે સવારના નવ વાગ્યા હતા. 26 “યહૂદીઓનો રાજા” એવો તેમના વિરુદ્ધનો આરોપ ક્રૂસ પર લખેલો હતો. 27 તેમણે ઈસુની સાથે બે લૂંટારાઓને પણ ક્રૂસે જડયા. એકને તેમની જમણી તરફ અને બીજાને તેમની ડાબી તરફ. 28 તેમની ગણના ગુનેગારોમાં થઈ એવું શાસ્ત્રવચન આ રીતે પૂર્ણ થયું. 29 ત્યાં થઈને પસાર થનારાઓ પોતાના માથાં હલાવી ઈસુને મહેણાં મારવા લાગ્યા, “અહો, તું તો મંદિરને પાડી નાખીને તેને ત્રણ દિવસમાં ફરી બાંધવાનું કહેતો હતો ને! 30 હવે ક્રૂસ પરથી ઊતરી આવ અને પોતાને બચાવ!” 31 મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ પણ એ જ પ્રમાણે ઈસુની મશ્કરી કરતાં એકબીજાને કહ્યું, “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શક્તો નથી! 32 ઇઝરાયલના રાજા મસીહને આપણે અત્યારે ક્રૂસ પરથી ઊતરી આવતો જોઈએ, એટલે આપણે તેના પર વિશ્વાસ કરીશું!” તેમની સાથે ક્રૂસે જડવામાં આવેલા લૂંટારાઓએ પણ તેમની નિંદા કરી. ઈસુનું અવસાન ( માથ. 27:45-56 ; લૂક. 23:44-49 ; યોહા. 19:28-30 ) 33 આશરે બાર વાગે આખા દેશ પર અંધકાર છવાઈ ગયો, અને તે લગભગ ત્રણ કલાક સુધી રહ્યો. 34 ત્રણ વાગે ઈસુએ મોટી બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લામા સાબાખ્થાની?” અર્થાત્ “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?” 35 ત્યાં ઊભેલા કેટલાક લોકોએ કહ્યું, “સાંભળો, સાંભળો, તે એલિયાને બોલાવે છે!” 36 એક જણ વાદળી લઈ દોડયો ને તેને સરક્માં બોળીને લાકડીને એક છેડે ચોંટાડીને ઈસુને ચૂસવા આપીને કહ્યું, “જોઈએ તો ખરા, એલિયા તેને ક્રૂસ પરથી ઉતારવા આવે છે કે નહિ.” 37 પછી ઈસુએ મોટી બૂમ પાડી અને પ્રાણ છોડયો. 38 મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો. 39 ઈસુએ કેવી રીતે બૂમ પાડીને પ્રાણ છોડયો તે જોઈને ક્રૂસની પાસે ઊભેલા સૂબેદારે કહ્યું, “ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા!” 40 કેટલીક સ્ત્રીઓ દૂરથી જોયા કરતી ત્યાં ઊભી હતી. તેમાં માગદાલાની મિર્યામ, નાના યાકોબ અને યોસેની મા મિર્યામ અને શાલોમી હતાં. 41 ઈસુ ગાલીલમાં હતા ત્યારથી તેઓ તેમને અનુસરતી હતી અને તેમની સેવા કરતી હતી. ઈસુની સાથે યરુશાલેમ આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. ઈસુનું દફન ( માથ. 27:57-61 ; લૂક. 23:50-56 ; યોહા. 19:38-42 ) 42 સાંજ પડવા આવી ત્યારે આરીમથાઈનો યોસેફ આવ્યો. 43 તે તો ન્યાયસભાનો માનવંત સભાસદ હતો, અને ઈશ્વરનું રાજ આવવાની રાહ જોતો હતો. એ તો તૈયારીનો દિવસ એટલે કે, વિશ્રામવારની અગાઉનો દિવસ હતો; તેથી યોસેફ હિંમત કરીને પિલાત પાસે ગયો અને તેણે તેની પાસે ઈસુનું શબ માગ્યું. 44 ઈસુ મરણ પામ્યા છે એવું જાણીને પિલાતને આશ્ર્વર્ય થયું. તેણે સૂબેદારને બોલાવ્યો અને તેને પૂછયું કે શું ઈસુને મરણ પામ્યાને ઘણો સમય થઈ ગયો છે? 45 સૂબેદારનો હેવાલ સાંભળ્યા પછી પિલાતે યોસેફને શબ લઈ જવા પરવાનગી આપી. 46 યોસેફે અળસી રેસાનું કપડું ખરીદ્યું, શબ નીચે ઉતાર્યું અને તેને કપડામાં લપેટીને ખડકમાં કોરી કાઢેલી કબરમાં મૂકાયું. પછી તેણે કબરના પ્રવેશદ્વાર આગળ મોટો પથ્થર ગબડાવી મૂક્યો. 47 માગદલાની મિર્યામ અને યોસેની મા મિર્યામ આ બધું નિહાળતાં હતાં, અને ઈસુને ક્યાં મૂક્યા તે તેમણે જોયું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide