Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 14 - પવિત્ર બાઇબલ C.L.


ઈસુની વિરુદ્ધ કાવતરું
( માથ. 26:1-5 ; લૂક. 22:1-2 ; યોહા. 11:45-53 )

1 બે દિવસ પછી પાસ્ખા અને ખમીર વગરની રોટલીનું પર્વ હતું. મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો છળકપટથી ઈસુની ધરપકડ કરવાનો અને તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા.

2 તેમણે કહ્યું, “આપણે પર્વ દરમિયાન એ કરવું નથી, કદાચ લોકોનું દંગલ થાય.”


ઈસુનો બેથાનિયામાં અભિષેક
( માથ. 26:6-13 ; યોહા. 12:1-8 )

3 ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીના ઘરમાં હતા. તે જમવા બેઠા હતા તેવામાં એક સ્ત્રી આરસપાણની શીશીમાં જટામાંસીનું ખૂબ કીમતી અસલ અત્તર લઈને આવી. તેણે શીશી ભાંગીને અત્તર ઈસુના માથા પર રેડયું.

4 કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, “શા માટે આ અત્તરનો બગાડ?

5 એના ત્રણસો કરતાં પણ વધારે રૂપિયા ઊપજ્યા હોત, અને એ ગરીબોને આપી શક્યા હોત!” તેમણે તેની આકરી ટીકા કરી.

6 પણ ઈસુએ તેમને કહ્યું, “તેને કરવું હોય તેમ કરવા દો. તેને હેરાન શા માટે કરો છો? તેણે મારે માટે ઉમદા ક્મ કર્યું છે.

7 ગરીબો તો હંમેશાં તમારી સાથે છે જ. તમે ચાહો ત્યારે તેમને મદદ કરી શકો છો. પણ હું હંમેશાં તમારી સાથે નથી.

8 તેણે તેનાથી બની શકે તે કર્યું છે; તેણે મારા શરીરને અગાઉથી અત્તર રેડીને દફનને માટે તૈયાર કર્યું છે.

9 હું તમને સાચે જ કહું છું: આખી દુનિયામાં જ્યાં જ્યાં શુભસંદેશનો પ્રચાર કરાશે, ત્યાં ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે તેની યાદગીરી માટે કહેવામાં આવશે.”


ઈસુને પકડાવી દેવા યહૂદાની સંમતિ
( માથ. 26:14-16 ; લૂક. 22:3-6 )

10 પછી બાર શિષ્યોમાંનો યહૂદા ઈશ્કારિયોત ઈસુને મુખ્ય યજ્ઞકારોના હાથમાં સોંપી દેવાના ઇરાદાથી તેમની પાસે ગયો.

11 તેઓ તેનું સાંભળીને રાજીરાજી થઈ ગયા, અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી યહૂદા ઈસુને પકડાવી દેવાનો લાગ શોધવા લાગ્યો.


છેલ્લું ભોજન
( માથ. 26:17-25 ; લૂક. 22:7-14 , 21-23 ; યોહા. 13:21-30 )

12 ખમીર વગરની રોટલીના પર્વને પહેલે દિવસે, એટલે કે પાસ્ખાભોજન માટે યજ્ઞપશુ અર્પણ કરવાને દિવસે ઈસુના શિષ્યોએ તેમને પૂછયું, “અમે તમારે માટે પાસ્ખાભોજનની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?” ત્યારે ઈસુએ તેઓમાંના બેને આવી સૂચના આપી મોકલ્યા:

13 “શહેરમાં જાઓ, અને પાણીની ગાગર લઈને જતો એક માણસ તમને મળશે. જે ઘરમાં તે જાય ત્યાં તમે તેની પાછળ પાછળ જજો,

14 અને તે ઘરના માલિકને કહેજો, ‘ગુરુજી પુછાવે છે કે, મારા શિષ્યો સાથે પાસ્ખાભોજન લેવા માટે ઉતારો કરવાનો ઓરડો ક્યાં છે?’

15 પછી તે તમને ઉપલે માળે સજાવેલો એક મોટો ઓરડો બતાવશે. ત્યાં તમે આપણે માટે તૈયારી કરજો.” શિષ્યો ચાલી નીકળ્યા અને શહેરમાં આવ્યા તો ઈસુએ તેમને કહ્યું હતું તે જ પ્રમાણે તેમને મળ્યું;

16 અને તેમણે ત્યાં પાસ્ખાનું ભોજન તૈયાર કર્યું.

17 સાંજ પડી ત્યારે ઈસુ બાર શિષ્યોની સાથે ત્યાં આવી પહોંચ્યા.

18 તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ જણાવ્યું, “હું તમને સાચે જ કહું છું: તમારામાંનો એક, જે મારી સાથે જમે છે તે, મને બીજાના હાથમાં પકડાવી દેશે.”

19 શિષ્યો ગમગીન થઈ ગયા, અને તેમને એક પછી એક પૂછવા લાગ્યા, “એ હું તો નથી ને?”

20 ઈસુએ જવાબ આપ્યો, “એ તો તમારા બારમાંનો એક, જે મારી થાળીમાં રોટલી બોળીને ખાય છે તે જ તે છે.

21 ધર્મશાસ્ત્ર કહે છે તેમ માનવપુત્ર મરણ પામશે, પણ માનવપુત્રને બીજાના હાથમાં પકડાવી દેનારને ધિક્કાર છે! એ માણસ જન્મ્યો જ ન હોત તો એને માટે સારું થાત!”


પ્રભુભોજનની સ્થાપના
( માથ. 26:26-30 ; લૂક. 22:14-20 ; ૧ કોરીં. 11:23-25 )

22 તેઓ જમતા હતા ત્યારે ઈસુએ રોટલી લીધી, ઈશ્વરની સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપીને કહ્યું, “લો, આ મારું શરીર છે.”

23 પછી તેમણે પ્યાલો લીધો, ઈશ્વરની સ્તુતિ કરીને તેમને આપ્યો; અને તેમણે બધાએ એમાંથી પીધું.

24 ઈસુએ કહ્યું, “ઈશ્વરના કરારને મંજૂર કરનારું આ મારું રક્ત છે. તે ઘણાને માટે વહેવડાવવામાં આવે છે.

25 હું તમને સાચે જ કહું છું: ઈશ્વરના રાજમાં નવો દ્રાક્ષારસ ન પીઉં ત્યાં સુધી હું કદી દ્રાક્ષારસ પીવાનો નથી.”

26 પછી તેમણે ગીત ગાયું અને બહાર નીકળીને તેઓ ઓલિવ પર્વત તરફ ગયા.


પિતરના નકારની આગાહી
( માથ. 26:31-35 ; લૂક. 22:31-34 ; યોહા. 13:36-38 )

27 ઈસુએ તેમને કહ્યું, “તમારા બધાનો મારા પરનો વિશ્વાસ ડગી જશે; કારણ, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે, ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ એટલે બધાં ઘેટાં વિખેરાઈ જશે.’

28 પણ સજીવન કરાયા પછી હું તમારી પહેલાં ગાલીલમાં જઈશ.”

29 પિતરે જવાબ આપ્યો, “બીજા બધાનો વિશ્વાસ કદાચ ડગી જાય, પણ મારો વિશ્વાસ તો નહિ જ ડગે.”

30 ઈસુએ પિતરને કહ્યું, “હું તને સાચે જ કહું છું: આજ રાત્રે કૂકડો બે વાર બોલે તે પહેલાં તું ત્રણ વાર કહેશે કે તું મને ઓળખતો નથી.”

31 પિતરે બહુ ભારપૂર્વક જવાબ આપ્યો, “મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમને ઓળખતો નથી એવું કદી નહિ કહું.” બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.


ગેથસેમાનેમાં ઈસુ
( માથ. 26:36-46 ; લૂક. 22:39-46 )

32 તેઓ ગેથસેમાને નામની વાડીમાં આવ્યા ત્યારે ઈસુ પોતાના શિષ્યોને કહે છે, “હું પ્રાર્થના કરીને આવું ત્યાં સુધી તમે અહીં બેસો.”

33 પછી તેમણે પિતર, યાકોબ અને યોહાનને પોતાની સાથે લીધા. તે બહુ જ દુ:ખી અને શોક્તુર થવા લાગ્યા,

34 અને તેમણે તેમને કહ્યું, “હું આત્મામાં ભારે વેદના અનુભવી રહ્યો છું; જાણે મારું મોત નજીક આવી પહોંચ્યું ન હોય! અહીં થોભો અને જાગતા રહો.”

35 તે થોડેક દૂર ગયા, અને જમીન પર ઊંધે મુખે ઢળીને પ્રાર્થના કરી કે શકાય હોય તો તેમના પર એ દુ:ખની ઘડી આવે નહિ,

36 તેમણે કહ્યું, “આબ્બા, પિતા, તમારે માટે બધું શકાય છે. આ પ્યાલો મારી આગળથી દૂર કરો. છતાં મારી નહિ, પણ તમારી ઇચ્છા પૂરી થાઓ.”

37 પછી તે પાછા ફર્યા અને ત્રણ શિષ્યોને ઊંઘતા જોઈને પિતરને કહ્યું, “સિમોન, ઊંઘે છે?

38 તું એક ઘડી પણ જાગતો રહી શક્યો નહિ?” અને તેમણે તેમને કહ્યું, “જાગતા રહો અને પ્રાર્થના કરો, જેથી તમે પ્રલોભનમાં ફસાઓ નહિ. આત્મા તત્પર છે, પણ દેહ નિર્બળ છે.”

39 તેમણે ફરીથી જઈને એના એ જ શબ્દોમાં પ્રાર્થના કરી.

40 પછી તેમણે પાછા આવીને શિષ્યોને ઊંઘતા જોયા. કારણ, શિષ્યોની આંખો ઊંઘથી ઘેરાઈ ગઈ હતી અને ઈસુને શો જવાબ આપવો તે તેમને સૂઝયું નહિ.

41 જ્યારે તે ત્રીજી વાર પાછા આવ્યા ત્યારે તેમણે તેમને કહ્યું, “શું તમે હજુયે ઊંઘો છો અને આરામ કરો છો? બસ, બહુ થયું. સમય આવી ચૂક્યો છે! જુઓ, માનવપુત્રને પાપીઓના હાથમાં સોંપી દેવામાં આવે છે.

42 ઊઠો, આપણે જઈએ. જુઓ, મને પકડાવી દેનાર આવી પહોંચ્યો છે!”


ઈસુની ધરપકડ
( માથ. 26:47-56 ; લૂક. 22:47-53 ; યોહા. 18:3-12 )

43 હજુ તો ઈસુ બોલતા હતા એટલામાં જ બાર શિષ્યોમાંનો એક એટલે યહૂદા આવી પહોંચ્યો. તેની સાથે મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને આગેવાનોએ મોકલેલા, તલવાર અને લાઠીઓ લઈને આવેલા માણસોનું ટોળું હતું.

44 દગાખોરે ટોળાને નિશાની આપી હતી: “જે માણસને હું ચુંબન કરું તે જ તે માણસ હશે. તેને પકડી લેજો અને ચોક્સાઈથી લઈ જજો.”

45 યહૂદા આવતાંની સાથે જ ઈસુ પાસે ગયો અને કહ્યું, “ગુરુજી!”

46 અને પછી તેમને ચુંબન કર્યું. તેથી તેમણે ઈસુને પકડી લીધા.

47 પણ પાસે ઊભેલાઓમાંના એકે પોતાની તલવાર તાણીને મુખ્ય યજ્ઞકારના નોકર પર ઘા કર્યો અને તેનો કાન કાપી નાખ્યો.

48 ત્યારે ઈસુ બોલી ઊઠયા, “હું જાણે કે બળવાખોર હોઉં તેમ તમે મને તલવાર અને લાઠીઓ લઈ પકડવા આવ્યા છો?

49 દિનપ્રતિદિન મંદિરમાં હું તમને બોધ આપતો હતો, પણ તમે મને પકડયો નહીં, પણ ધર્મશાસ્ત્રમાં જે લખેલું છે તે પરિપૂર્ણ થાય માટે આ બધું બન્યું.”

50 પછી બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.

51 એક જુવાન પોતાના ઉઘાડા શરીરે અળસીરેસાની ચાદર ઓઢીને ઈસુની પાછળ પાછળ ચાલતો હતો.

52 તેમણે તેને પકડવા પ્રયત્ન કર્યો, પણ તે ચાદર પડતી મૂકીને ઉઘાડા શરીરે નાસી ગયો.


ન્યાયસભા સમક્ષ ઈસુ
( માથ. 26:57-68 ; લૂક. 22:54-55 , 63-71 ; યોહા. 18:13-14 , 19-24 )

53 પછી તેઓ ઈસુને પ્રમુખ યજ્ઞકારને ઘેર લઈ ગયા, ત્યાં બધા મુખ્ય યજ્ઞકારો, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો એકઠા થયા હતા. પિતર થોડે અંતરે રહી પાછળ ચાલતો હતો.

54 અને તે પ્રમુખ યજ્ઞકારના ઘરના આંગણામાં પ્રવેશ્યો. ત્યાં તે સંરક્ષકો સાથે તાપણે તાપતો હતો.

55 મુખ્ય યજ્ઞકારો અને આખી ન્યાયસભાએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધની સાક્ષી શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તેમને કંઈ પુરાવો મળ્યો નહિ.

56 ઘણા સાક્ષીઓએ ઈસુ વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરી, પણ તેમની જુબાની મળતી આવતી ન હતી.

57 પછી કેટલાંક માણસોએ ઊભા થઈને ઈસુની વિરુદ્ધ આવી જુઠ્ઠી જુબાની આપી:

58 “અમે એને એવું કહેતાં સાંભળ્યો કે, ‘માણસોએ બનાવેલું આ મંદિર હું તોડી પાડીશ, અને ત્રણ દિવસમાં માણસોએ નહિ બનાવેલું એવું મંદિર હું બાંધીશ.”

59 પણ તેમની જુબાની મળતી આવી નહિ.

60 પ્રમુખ યજ્ઞકારે બધાની સમક્ષ ઊભા થઈને પૂછયું, “તારી વિરુદ્ધના આક્ષેપોનો તારી પાસે કોઈ બચાવ છે?”

61 પણ ઈસુ ચૂપ રહ્યા અને એક પણ શબ્દ બોલ્યા નહિ. પ્રમુખ યજ્ઞકારે ફરીથી તેમને પ્રશ્ર્ન પૂછયો, “શું તું મસીહ, સ્તુત્ય ઈશ્વરનો પુત્ર છે?”

62 ઈસુએ જવાબ આપ્યો, “હા, હું છું; અને તમે માનવપુત્રને સર્વસમર્થ ઈશ્વરની જમણી બાજુએ બિરાજેલો તથા આકાશનાં વાદળો સહિત આવતો જોશો!”

63 પ્રમુખ યજ્ઞકારે પોતાનો ઝભ્ભો ફાડયો અને કહ્યું, “આપણે હવે બીજા કોઈ સાક્ષીઓની જરૂર નથી.

64 તમે તેણે કરેલી ઈશ્વરનિંદા સાંભળી છે. તમારો શો અભિપ્રાય છે?” બધાએ તેમની વિરુદ્ધ અભિપ્રાય આપ્યો: “તે દોષિત છે, અને તેને મારી નાખવો જોઈએ.”

65 કેટલાક ઈસુ પર થૂંકવા લાગ્યા, અને તેમણે તેમનું મુખ ઢાંકીને માર માર્યો, અને પૂછયું, “તું સંદેશવાહક હોય તો શોધી કાઢ કે તને કોણે માર્યો?” સંરક્ષકો પણ તેમના પર તમાચા મારતાં તૂટી પડયા.


પિતરનો નકાર
( માથ. 26:69-75 ; લૂક. 22:56-62 ; યોહા. 18:15-18 , 25-27 )

66 પિતર હજુ આંગણામાં જ હતો, ત્યારે પ્રમુખ યજ્ઞકારની એક નોકરડી આવી.

67 તેણે પિતરને તાપતો જોઈને તેની સામે નિહાળીને કહ્યું, “તું પણ નાઝારેથના ઈસુની સાથે હતો.”

68 પણ તેણે તેની ના પાડી. તેણે જવાબ આપ્યો, “મને ખબર નથી. તું શું કહે છે તેની જ મને સમજ પડતી નથી.” એમ કહી તે બહાર દરવાજા આગળ ચાલ્યો ગયો; બસ, એ જ વખતે કૂકડો બોલ્યો.

69 નોકરડીએ તેને ત્યાં જોયો અને પાસે ઊભેલાઓને તે એ જ વાત કહેવા લાગી, “તે તેમનામાંનો જ છે!”

70 પણ પિતરે ફરીથી નકાર કર્યો. થોડીવાર પછી પાસે ઊભેલાઓએ ફરી પિતર પર આક્ષેપ મૂક્યો, “તું તેમનામાંનો નથી એવું કહી શકે જ નહિ; કારણ, તું પણ ગાલીલમાંનો છે!”

71 પછી પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો: “જો હું સત્ય કહેતો ન હોઉં, તો ઈશ્વર મને શિક્ષા કરો! જે માણસ વિષે તમે વાત કરો છો તેને હું ઓળખતો જ નથી.”

72 બરાબર એ જ સમયે કૂકડો બીજીવાર બોલ્યો, એટલે પિતરને ઈસુના કહેલા શબ્દો યાદ આવ્યા: “કૂકડો બે વાર બોલે તે પહેલાં તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી તે હૈયાફાટ રડી પડયો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan