Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 10 - પવિત્ર બાઇબલ C.L.


અતૂટ લગ્નસંબંધ
( માથ. 19:1-12 ; લૂક. 16:18 )

1 પછી ત્યાંથી નીકળીને ઈસુ યર્દન નદીની પેલે પાર આવેલા યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. લોકોનાં ટોળેટોળાં તેમની પાસે આવ્યાં અને તે તેમને હંમેશની માફક શીખવવા લાગ્યા.

2 કેટલાક ફરોશીઓ તેમની પાસે તેમની પરીક્ષા કરવા આવ્યા. તેમણે તેમને પૂછયું, “આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે પુરુષ તેની પત્નીથી લગ્નવિચ્છેદ કરી શકે કે કેમ તે અમને કહો.”

3 ઈસુએ તેમને સામો સવાલ કર્યો, “મોશેએ તમને કેવી આજ્ઞા આપી છે?”

4 તેમણે જવાબ આપ્યો, “મોશેએ તો પુરુષ પોતાની પત્નીને લગ્નવિચ્છેદનું લખાણ આપી મૂકી દે એવી છૂટ આપી છે.”

5 ઈસુએ તેમને જવાબ આપ્યો, “મોશેએ તો આ આજ્ઞા તમારાં મન કઠોર હોવાથી આપી.

6 પણ શરૂઆતમાં, એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે તો આવું કહેવામાં આવ્યું હતું: ‘ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.

7 અને એટલા જ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે;

8 અને તેઓ બન્‍ને એક દેહ થશે.’ તેથી હવે તેઓ બે નહિ, પણ એક છે.

9 એ માટે ઈશ્વરે જેમને જોડયાં છે તેમને કોઈ માણસે અલગ પાડવાં નહિ.”

10 તેઓ ઘરમાં ગયા, ત્યારે શિષ્યોએ ઈસુને આ બાબત અંગે પૂછયું.

11 તેમણે તેમને કહ્યું, “પોતાની પત્નીથી લગ્નવિચ્છેદ કરી બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ તેની પત્નીની વિરુદ્ધ વ્યભિચાર કરે છે;

12 એ જ પ્રમાણે પોતાના પતિથી લગ્નવિચ્છેદ કરી બીજા પુરુષ સાથે લગ્ન કરનાર સ્ત્રી પણ વ્યભિચાર કરે છે.”


બાળકોને ઈસુની આશિષ
( માથ. 19:13-15 ; લૂક. 18:15-17 )

13 કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા કે તે તેમને માથે હાથ મૂકે; પણ શિષ્યોએ લોકોને ધમકાવ્યા.

14 ઈસુ એ જોઈને ગુસ્સે ભરાયા અને તેમણે શિષ્યોને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે.

15 હું તમને સાચે જ કહું છું: જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજનો સ્વીકાર કરતું નથી, તે તેમાં કદી જ પ્રવેશ કરી શકશે નહિ.”

16 પછી તેમણે બાળકોને બાથમાં લીધાં અને પ્રત્યેક પર પોતાનો હાથ મૂકીને તેમને આશિષ આપી.


શ્રીમંત યુવાન
( માથ. 19:16-30 ; લૂક. 18:18-30 )

17 ઈસુ રસ્તે જઈ રહ્યા હતા, ત્યારે એક માણસ દોડતો આવ્યો અને તેણે તેમને પગે પડીને પૂછયું, “ઉત્તમ શિક્ષક, સાર્વકાલિક જીવન પામવા મારે શું કરવું જોઈએ?”

18 ઈસુએ તેને પૂછયું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એકમાત્ર ઈશ્વર વિના બીજું કોઈ ઉત્તમ નથી.

19 તું આજ્ઞાઓ તો જાણે છે: ‘ખૂન ન કર; વ્યભિચાર ન કર; ચોરી ન કર; જુઠ્ઠી સાક્ષી ન પૂર; છેતરપિંડી ન કર; તારાં માતાપિતાનું સન્માન કર.”

20 પેલા માણસે કહ્યું, “ગુરુજી, એ બધી આજ્ઞાઓ તો હું મારી જુવાનીથી પાળતો આવ્યો છું.”

21 ઈસુએ તેની સામે પ્રેમપૂર્વક જોઈને કહ્યું, “તારે એક વાતની જરૂર છે. જા, જઈને તારું સર્વ વેચી દે અને તારા પૈસા ગરીબોને આપી દે; તને સ્વર્ગમાં સમૃદ્ધિ મળશે. પછી આવીને મને અનુસર.”

22 એ માણસે જ્યારે તે સાંભળ્યું, ત્યારે તેનું મોં ઉદાસ થઈ ગયું, અને તે દુ:ખી થઈ ચાલ્યો ગયો; કારણ, તે ઘણો ધનવાન હતો.

23 ઈસુએ આજુબાજુ નજર ફેરવતાં પોતાના શિષ્યોને કહ્યું, “ધનવાન માણસો માટે ઈશ્વરના રાજમાં પ્રવેશ મેળવવાનું કેટલું મુશ્કેલ છે!”

24 શિષ્યો એ શબ્દો સાંભળી ચોંકી ઊઠયા, પણ ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, “મારાં બાળકો, ઈશ્વરના રાજમાં પેસવું એ કેટલું અઘરું છે!

25 ધનવાન માણસને ઈશ્વરના રાજમાં જવું તે કરતાં ઊંટને સોયના નાક્માં થઈને જવું સહેલું છે.”

26 એનાથી શિષ્યો ઘણું જ આશ્ર્વર્ય પામ્યા, અને એકબીજાને કહેવા લાગ્યા, “તો પછી કોણ ઉદ્ધાર પામી શકે?”

27 ઈસુએ તેમની સામું જોઈને કહ્યું, “માણસો માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વર માટે નહિ; ઈશ્વરને માટે તો બધું જ શકાય છે.”

28 પછી પિતર બોલી ઊઠયો, “જુઓ, અમે તો બધું મૂકી દઈને તમને અનુસરીએ છીએ.”

29 ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારે લીધે અને શુભસંદેશને લીધે ઘર, ભાઈઓ, બહેનો, માતા, પિતા, છોકરાં કે ખેતરોનો ત્યાગ કરે છે,

30 તેને આ વર્તમાન યુગમાં ઘણું મળશે. તેને સોગણાં ઘર, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરો, વળી, સાથે સતાવણીઓ પણ મળશે; અને આવનાર યુગમાં તે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરશે.

31 પણ ઘણા જેઓ હમણાં પ્રથમ છે તેઓ છેલ્લા થશે, અને જેઓ હમણાં છેલ્લા છે તેઓ પ્રથમ થશે.”


ઈસુના મરણની ત્રીજી આગાહી
( માથ. 20:17-19 ; લૂક. 18:31-34 )

32 હવે તેઓ યરુશાલેમને માર્ગે હતા. ઈસુ શિષ્યોની આગળ ચાલતા હતા. શિષ્યો સ્તબ્ધ થઈ ગયા હતા; પાછળ ચાલનાર લોકો ભયભીત હતા. ફરીવાર ઈસુએ બાર શિષ્યોને બાજુએ લઈ જઈને પોતા પર જે વીતવાનું હતું તે અંગે કહ્યું.

33 તેમણે તેમને કહ્યું, “જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ. ત્યાં માનવપુત્ર મુખ્ય યજ્ઞકારો, અને નિયમશાસ્ત્રના શિક્ષકોના હાથમાં સોંપાશે. તેઓ તેને મોતની સજા ફટકારશે; અને તેને પરદેશી સત્તાધીશોના હાથમાં સોંપી દેશે.

34 પછી તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને મારી નાખશે. પણ ત્રીજે દિવસે તે પાછો સજીવન કરાશે.”


યાકોબ અને યોહાનની માગણી
( માથ. 20:20-28 )

35 પછી ઝબદીના દીકરાઓ યાકોબ અને યોહાન ઈસુની પાસે આવ્યા. તેમણે કહ્યું, “ગુરુજી, તમે અમારી એક ઇચ્છા પૂરી કરો એવી અમારી માંગણી છે.”

36 ઈસુએ તેમને પૂછયું, “હું તમારે માટે શું કરું? તમારી શી માંગણી છે?”

37 તેમણે જવાબ આપ્યો, “મહિમાવંત રાજ્યમાં તમે રાજ્યાસન પર બેસો, ત્યારે તમે અમને, એકને તમારે જમણે હાથે અને બીજાને તમારે ડાબે હાથે બેસવા દો એવું અમે ચાહીએ છીએ.”

38 ઈસુએ તેમને કહ્યું, “તમે શું માગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે શું તમે પી શકો છો? મારે જે રીતે બાપ્તિસ્મા પામવાનું છે તે રીતે શું તમે બાપ્તિસ્મા પામી શકો છો?”

39 તેમણે જવાબ આપ્યો, “હા, અમે તેમ કરી શકીએ છીએ.” ઈસુએ તેમને કહ્યું, “જે પ્યાલો મારે પીવો જોઈએ, તે તમે પીશો ખરા, અને જે બાપ્તિસ્મા મારે લેવું જોઈએ તે બાપ્તિસ્મા તમે લેશો ખરા,

40 પણ મારે જમણે અથવા ડાબે હાથે કોણ બેસશે તે નક્કી કરવાનું ક્મ મારું નથી. એ તો ઈશ્વરે જેમને માટે એ સ્થાન તૈયાર કરેલાં છે તેમને જ તે આપશે.”

41 બાકીના દસ શિષ્યોએ એ સાંભળ્યું, ત્યારે તેઓ યાકોબ અને યોહાન પર ગુસ્સે થઈ ગયા.

42 તેથી ઈસુએ બધાને પોતાની પાસે બોલાવીને કહ્યું, “જેમને પરદેશીઓ પર સત્તા ચલાવવાની હોય છે, તેઓ લોકો પર દમન ગુજારે છે, અને સત્તાધીશો તેમની પર અધિકાર ચલાવે છે.

43 પણ તમારામાં એવું ન થવું જોઈએ. જો તમારામાંનો કોઈ આગેવાન બનવા માગે, તો તેણે બાકીનાના સેવક બનવું જોઈએ.

44 વળી, જો કોઈ પ્રથમ થવા ચાહે, તો તેણે બધાના ગુલામ બનવું જોઈએ.

45 કારણ, માનવપુત્ર સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે.”


અંધ બાર્તિમાયને દૃષ્ટિદાન
( માથ. 20:29-34 ; લૂક. 18:35-43 )

46 તેઓ યરીખોમાં આવ્યા. ઈસુ પોતાના શિષ્યો તથા મોટા ટોળા સાથે યરીખોથી નીકળતા હતા, ત્યારે તિમાયનો દીકરો અંધ બાર્તિમાય રસ્તે ભીખ માગતો બેઠો હતો.

47 જ્યારે તેને ખબર પડી કે એ તો નાઝારેથના ઈસુ છે ત્યારે તે બૂમો પાડવા લાગ્યો, “ઈસુ, દાવિદના પુત્ર, મારા પર દયા કરો!” ઘણાએ તેને ધમકાવ્યો અને શાંત રહેવા કહ્યું.

48 પણ તે તો એથી પણ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો, “દાવિદના પુત્ર, મારા પર દયા કરો!”

49 ઈસુએ ઊભા રહીને કહ્યું, “તેને બોલાવો.” તેથી તેમણે એ આંધળા માણસને બોલાવીને કહ્યું, “હિંમત રાખ; ઊભો થા; ઈસુ તને બોલાવે છે.”

50 તેણે પોતાનો ઝભ્ભો ફેંકી દીધો, તે કૂદીને ઊઠયો અને ઈસુ પાસે આવ્યો.

51 ઈસુએ તેને પૂછયું, “તારી શી ઇચ્છા છે? તારે માટે હું શું કરું?” અંધજને જવાબ આપ્યો, “ગુરુજી, મારે દેખતા થવું છે.”

52 ઈસુએ તેને કહ્યું, “જા, તારા વિશ્વાસે તને દેખતો કર્યો છે.” તે તરત જ દેખતો થયો, અને માર્ગમાં ઈસુની પાછળ ચાલવા લાગ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan