Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

મીખાહ 4 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુનું શાંતિનું સામ્રાજ્ય
( યશા. 2:1-4 )

1 પણ ભવિષ્યમાં એવા દિવસો આવે છે જ્યારે પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતો કરતાં ઊંચો કરાશે. ત્યાં ઘણી પ્રજાઓનાં ટોળેટોળાં ચાલ્યાં આવશે.

2 અને તેઓ કહેશે, “ચાલો આપણે પ્રભુના પર્વત પર ચઢીએ અને ઇઝરાયલના ઈશ્વરના મંદિરમાં જઈએ. તે આપણને તેમના સાચા માર્ગોનું શિક્ષણ આપશે અને આપણે તેમના પસંદ કરેલા માર્ગમાં ચાલીશું. પ્રભુના નિયમનું શિક્ષણ સિયોનમાંથી મળે છે અને પ્રભુ પોતાના લોક સાથે યરુશાલેમમાં બોલે છે.”

3 તે પ્રજા પ્રજા વચ્ચેના ઝઘડાનું નિરાકરણ કરશે અને દૂરની તથા નજીકની મહાસત્તાઓનો ઇન્સાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેનાં હળ બનાવશે અને તેમના ભાલાનાં દાતરડાં બનાવશે. ત્યારે પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ યુદ્ધે ચઢશે નહિ અને લડાઈની તૈયારી સુદ્ધાં કરશે નહિ.

4 પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.

5 પ્રત્યેક પ્રજા પોતપોતાના દેવ પર આધાર રાખીને તેમને અનુસરે છે, પરંતુ અમે તો સદાસર્વદા ઈશ્વર ‘યાહવે’ પર આધાર રાખીને તેમને અનુસરીશું.


દેશનિકાલમાંથી છૂટકાની આશા

6 પ્રભુ કહે છે, “એવો સમય આવે છે જ્યારે હું અપંગોને, એટલે જેમને મેં દેશનિકાલીમાંથી હાંકી કાઢી દુ:ખી કર્યા છે તેમને ભેગા કરીશ.

7 તેઓ અપંગ થઈ ગયા છે અને ઘરથી બહુ દૂર છે, પણ હું તેમની સાથે નવેસરથી શરૂઆત કરીશ અને તેઓ એક મહાન પ્રજા બનશે. પછી સિયોન પર્વત પરથી હું તેમના પર સદાસર્વદા રાજ કરીશ.”

8 હે યરુશાલેમ, તું તો ઘેટાંપાળકના બુરજ જેવું છે, અને તારામાં રહીને ઈશ્વર પોતાના લોકની સંભાળ રાખે છે. તું ફરી એકવાર અગાઉની જેમ તમારા રાજ્યની રાજધાની બની રહેશે.

9 તું મોટેથી કેમ રડે છે? તું પ્રસૂતાની જેમ કેમ પીડાઈ રહી છે? તારે કોઈ રાજા નથી અને તારા સલાહકારો મરણ પામ્યા છે તેથી?

10 હે યરુશાલેમના લોકો, પ્રસૂતાની જેમ મરડાઓ અને ઊંહકારા ભરો. કારણ, તમારે આ શહેર છોડીને ખુલ્લા પ્રદેશમાં રહેવું પડશે. તમારે બેબિલોનમાં દેશનિકાલ થવું પડશે; પણ ત્યાંથી તમે છોડાવી લેવાશો અને પ્રભુ તમારા શત્રુઓથી તમને બચાવી લેશે.

11 ઘણી પ્રજાઓ તમારા પર હુમલો કરવા એકઠી થઈ છે. તેઓ કહે છે, “યરુશાલેમનું નિકંદન કાઢી નાખવું જોઈએ. અમે આ શહેરને ખંડિયેર થઈ ગયેલું જોવા માગીએ છીએ.”

12 પરંતુ આ પ્રજાઓને પ્રભુના મનસૂબાની કે તેમની યોજનાની ખબર નથી કે ઝૂડવા માટે દાણા એકઠા કર્યા હોય તેમ પ્રભુએ તેમને સજા કરવા માટે એકઠા કર્યા છે.

13 પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, જાઓ અને તમારા શત્રુઓને સજા કરો! હું તમને લોખંડી શિંગડાં અને તાંબાની ખરીવાળા આખલા જેવા બળવાન બનાવીશ. તમે ઘણી પ્રજાઓને કચડી નાખશો અને તમે મને, એટલે, સમગ્ર પૃથ્વીના પ્રભુને એ પ્રજાઓએ હિંસાથી મેળવેલી સંપત્તિનું સમર્પણ કરશો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan