Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

મીખાહ 3 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલના નેતાઓની ઝાટકણી

1 હે યાકોબના આગેવાનો, ઇઝરાયલના શાસકો, સાંભળો; અદલ ન્યાય આપવો એ શું તમારી ફરજ નથી?

2 પણ તમે તો ભલાને ધિક્કારો છો અને ભૂંડાને ચાહો છો! તમે મારા લોકની ચામડી ઉતરડો છો અને તેમનાં હાડકાં પરથી માંસ ઉખાડી નાખો છો.

3 તમે મારા લોકનો ભક્ષ કરો છો: તેમની ચામડી ઉતરડીને, હાડકાં ભાંગીને અને ટુકડા કરીને તમે તેમને માંસની જેમ બાફવા તૈયાર કરો છો.

4 એવો સમય આવશે જ્યારે તમે પ્રભુને પોકાર કરશો, પણ તે તમને જવાબ આપશે નહિ. તે તમારી પ્રાર્થનાઓ સાંભળશે નહિ, કારણ, તમે દુષ્ટતા આચરી છે.

5 મારા લોકો જૂઠા સંદેશવાહકોથી છેતરાઈ જાય છે. જેઓ તેમને ખવડાવે તેમને તેઓ “શાંતિ રહેશે” એવો સંદેશ આપે છે; જેઓ તેમને ખવડાવતા નથી તેમને “યુદ્ધ થશે” એવી ધમકી આપે છે. એવા સંદેશવાહકોને પ્રભુ કહે છે,

6 “તમારો દિવસ પૂરો થવા આવ્યો છે. તમારો સૂર્ય આથમી રહ્યો છે. તમે મારા લોકને ગેરમાર્ગે દોર્યા છે એટલે તમને હવે સંદેશવાહક તરીકે કંઈ દર્શન થશે નહિ અને તમે કોઈ ભવિષ્યકથન કરી શકશો નહિ.

7 સંદર્શકો લજ્જિત થશે અને જોશ જોનારાની ફજેતી થશે. તેમણે શરમથી પોતાનું મોં સંતાડવું પડશે. કારણ, ઈશ્વર તરફથી તેમને કંઈ જવાબ મળશે નહિ.

8 પરંતુ ઇઝરાયલના લોકોને તેમનાં પાપ કહી દેખાડવા માટે પ્રભુનો આત્મા મને સામર્થ્ય, વિવેકબુદ્ધિ અને હિંમતથી ભરપૂર કરે છે.

9 હે ઇઝરાયલના શાસકો અને તેમના આગેવાનો, મારું સાંભળો. તમે ન્યાયનો તિરસ્કાર કરો છો અને સત્યને જૂઠમાં ફેરવી નાખો છો.

10 ઈશ્વરના શહેર યરુશાલેમને તમે રક્તપાત અને અન્યાયના પાયા પર બાંધો છો.

11 શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”

12 એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan