Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

મીખાહ 2 - પવિત્ર બાઇબલ C.L.


અત્યાચારીઓનો અંજામ

1 પથારીમાં પડયા પડયા ભૂંડી યોજનાઓ ઘડનારની કેવી દુર્દશા થશે! સવાર પડે કે પોતાની ભૂંડી યોજનાઓ પાર પાડવાની તક તેઓ ઝડપી લે છે.

2 તેમને ખેતર જોઈતું હોય તો તે પચાવી પાડે છે; તેમને ઘર જોઈતું હોય તો તે છીનવી લે છે. કોઈનાય કુટુંબની કે મિલક્તની સલામતી નથી.

3 તે માટે પ્રભુ કહે છે, “હું તમારી પાયમાલી કરી દેવાની યોજના કરી રહ્યો છું અને તમે તેની ભીંસમાંથી છટકી શકશો નહિ; કારણ, તમે સંકટના સમયમાં સપડાયા હશો. પછી તમે આમ મગરૂરીથી ફરશો નહિ.

4 એ સમયે લોકો તમારી પાયમાલીની વાતોને ઉદાહરણ તરીકે વાપરશે અને તમારા પર જે વીત્યું છે તેનાં વિલાપગીત ગાશે: “અમે બિલકુલ પાયમાલ થઈ ગયા! પ્રભુએ અમારી ભૂમિ લઈ લીધી છે અને તે તેમણે બંડખોરોને વહેંચી આપી છે.”

5 એ માટે જ્યારે પ્રભુના લોકોને તેમનો પ્રદેશ પાછો સોંપવાનો સમય આવશે ત્યારે તેમાં તમારો કંઈ લાગભાગ હશે નહિ.

6 લોકો મને ઉપદેશ આપે છે, “તું અમને ઉપદેશ આપીશ નહિ અને એ બધી વાતોનો બોધ કરીશ નહિ. ઈશ્વર અમને લજ્જિત કરશે નહિ.

7 શું તું એમ ધારે છે કે ઇઝરાયલના લોકો શાપ તળે છે? શું ઈશ્વરે ધીરજ ગુમાવી છે? શું તે ખરેખર આવું કરશે? શું તે સદાચારી પ્રત્યે માયાળુપણે બોલતા નથી?”

8 પ્રભુ જવાબ આપે છે: “તમે મારા લોક પર દુશ્મનની જેમ હુમલો કરો છો. ઘેર સલામતી છે એમ માની પુરુષો યુદ્ધમાંથી પાછા આવે છે, પણ ત્યાં તો તમે તેમની પીઠ પરથી ઝભ્ભો ઉતારી લેવા હાજર હો છો.

9 મારા લોકની સ્ત્રીઓને તેમના રમણીય ઘરોમાંથી કાઢી મૂકો છો અને તેમનાં બાળકોને મારી આશિષથી હમેશાં વંચિત રાખો છો.

10 ઊઠો, ચાલ્યા જાઓ, અહીં હવે કોઈ સલામત નથી. તમારાં પાપને લીધે આ સ્થળનો વિનાશ નિર્માણ થઈ ચૂક્યો છે.

11 “આ લોકોને તો એવો સંદેશવાહક જોઈએ છે કે જે જૂઠ અને કપટથી ભરપૂર હોય અને કહેતો ફરે કે, ‘હું ભવિષ્ય ભાખું છું કે તમારે માટે દ્રાક્ષાસવ અને શરાબની રેલમછેલ થશે.’

12 “પરંતુ હે યાકોબના વંશજો, હું તમને જરૂર એકઠા કરીશ. હું ઇઝરાયલના બચી ગયેલા સૌને એકત્ર કરીશ. વાડામાં પાછાં ફરતાં ઘેટાંની જેમ હું તમને પાછા લાવીશ. ઘેટાંથી ભરાઈ ગયેલા વાડાની જેમ તમારો દેશ ફરી એકવાર લોકોથી ભરપૂર થશે.”

13 ઈશ્વર તેમને માટે માર્ગ ખોલશે અને તેમને દેશનિકાલીમાંથી બહાર દોરી જશે. તેઓ નગરના દરવાજાઓ તોડીને મુક્ત થશે. તેમના રાજા પ્રભુ પોતે જ તેમને બહાર દોરી જશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan