Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

મીખાહ 1 - પવિત્ર બાઇબલ C.L.

1 યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના અમલ દરમ્યાન પ્રભુએ આ સંદેશ મોરેશેથ નગરના મિખાને જણાવ્યો હતો. સમરૂન અને યરુશાલેમ વિષેના દર્શનમાં પ્રભુએ તેને આ બાબતો પ્રગટ કરી હતી.


સમરૂન અને યરુશાલેમ માટે શોક

2 હે સર્વ પ્રજાઓ, સાંભળો, પૃથ્વીના સર્વ રહેવાસીઓ આ વાત પર કાન દો. પ્રભુ પરમેશ્વર તમારી વિરુદ્ધ જુબાની આપશે. સાંભળો, તે પોતાના પવિત્ર મંદિરમાંથી બોલે છે.

3 પ્રભુ પોતાના પવિત્રસ્થાનમાંથી આવે છે. તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર વિચરે છે.

4 ત્યારે, જેમ આગમાં મીણ પીગળી જાય તેમ પર્વતો તેમના પગ તળે પીગળી જશે અને કરાડો પરથી ધસી પડતા ધોધની જેમ ખીણોમાં રેડાઈ જશે.

5 ઇઝરાયલના લોકોએ ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે અને બંડ પોકાર્યું છે તે માટે એ બધું થશે. ઇઝરાયલના પાપ માટે કોણ જવાબદાર છે? એ માટે રાજધાની સમરૂન જ જવાબદાર નથી? યહૂદિયામાં પૂજાનાં ઉચ્ચસ્થાનો પર મૂર્તિપૂજા માટે કોણ દોષિત છે? એ માટે યરુશાલેમ જ દોષિત નથી?

6 તેથી પ્રભુ કહે છે, “હું સમરૂનને ખુલ્લાં મેદાનોમાં ખડક્યેલાં ખંડિયેરોના જેવું અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું બનાવી દઈશ. હું તેના પથ્થરોને ખીણમાં ગબડાવી દઈશ. તેના સર્વ પાયા ઉઘાડા કરી નાખીશ.

7 તેની સર્વ મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી દેવાશે અને તેના મંદિરમાં આવેલી બધી ભેટો આગમાં બાળી નંખાશે. હું તેની બધી મૂર્તિઓનો વિનાશ કરીશ. એ બધી વેશ્યાના વેતનથી મેળવવામાં આવી હતી અને વેશ્યાના વેતન તરીકે જ તે ખતમ થશે.

8 પછી મિખાએ કહ્યું, “એને લીધે હું પોક મૂકીને રડીશ. મારો શોક પ્રગટ કરવા હું ઉઘાડે પગે અને નિર્વસ્ત્ર ફરતો ફરીશ. હું શિયાળની જેમ રુદન કરીશ અને શાહમૃગની જેમ કકળીશ.

9 સમરૂનને પડેલા ઘા અસાય છે. યહૂદિયા પર પણ એવું જ દુ:ખ પડશે; મારા લોકની વસાહત સુધી, અને છેક યરુશાલેમના દરવાજાઓ સુધી વિનાશ આવી પહોંચ્યો છે.”


શત્રુનું યરુશાલેમ પર આક્રમણ

10 ગાથમાંના આપણા શત્રુઓને આપણા પરાજય વિષે જણાવશો નહિ. તેઓ તમને વિલાપ કરતા જુએ એવું થવા દેશો નહિ. બેથ-લાફ્રાહ (અર્થાત્ ધૂળનાં ઘર)ના લોકો, તમે ધૂળમાં આળોટીને તમારી હતાશા પ્રગટ કરો.

11 ઓ શાફિરના રહેવાસીઓ, નગ્ન અને લજ્જિત થઈને દેશનિકાલ થાઓ. હે સાઅનાનના નિવાસીઓ, તમે પોતાના શહેર બહાર જઈ શકશો નહિ. બેથ એસેલના લોકોનો વિલાપ સાંભળીને તમને ખબર પડી જશે કે ત્યાં પણ સંતાવાનું કોઈ સ્થાન રહ્યું નથી.

12 મારોથના લોકો વેદનામાં કષ્ટાય છે અને કળ વળે તેની આતુરતાથી આશા સેવી રહ્યા છે. કારણ, પ્રભુએ છેક યરુશાલેમના દરવાજા સુધી વિનાશ લાવી મૂક્યો છે.

13 હે લાખીશના રહેવાસીઓ, રથે ઘોડા જોડો. તમે ઇઝરાયલનાં પાપનું અનુકરણ કર્યું અને એમ કરીને યરુશાલેમને પણ પાપમાં પાડયું.

14 હે યહૂદિયાના લોકો, તમે હવે મોરેશેથ-ગાથ નગરની આખરી વિદાય લઈ લો. ઇઝરાયલના રાજાઓને હવે આખ્ઝીબના નગર તરફથી કોઈ મદદ મળવાની નથી.

15 હે મારેશાના નિવાસીઓ, પ્રભુ તમને એક શત્રુના હાથમાં સોંપી દેશે; જે તમારું નગર સર કરશે. ઇઝરાયલનો રાજા અદુલ્લામની ગુફામાં સંતાઈ જશે.

16 હે યહૂદિયાના લોકો, તમારાં પ્રિય બાળકોના શોકમાં વાળ કપાવી નાખો અને માથું મુંડાવીને બોડા ગીધ જેવા બની જાઓ. કારણ, તમારાં બાળકોને તમારી પાસેથી કેદ કરી લઈ જવામાં આવશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan