Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 9 - પવિત્ર બાઇબલ C.L.


લકવાવાળાને સાજાપણું
( માર્ક. 2:1-12 ; લૂક. 5:17-26 )

1 ઈસુ હોડીમાં બેસીને સરોવરને પેલે પાર પોતાના નગરમાં ગયા.

2 કેટલાક લોકો લકવાવાળા માણસને પથારી સાથે જ ઉપાડી લાવ્યા. તેઓનો વિશ્વાસ લક્ષમાં લઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું, દીકરા, હિંમત રાખ, તારાં પાપ માફ કરવામાં આવે છે.

3 નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો ત્યાં હતા. તેઓ મનોમન બબડયા, આ માણસ ઈશ્વરની નિંદા કરે છે!

4 તેઓ જે વિચાર કરતા હતા તે ઈસુ જાણી ગયા. તેથી તેમણે કહ્યું, શા માટે તમે આવી દુષ્ટ વાત વિચારો છો?

5 શું કહેવું વધારે સરળ છે? ’તારાં પાપ તને માફ કરવામાં આવે છે’ તે કે, ’ઊભો થઈને ચાલ’ તે?

6 હું એ સાબિત કરી બતાવીશ કે માનવપુત્રને પૃથ્વી પર પાપ માફ કરવાની સત્તા છે. તેથી તેમણે પેલા લકવાવાળાને કહ્યું, ઊભો થા, તારી પથારી ઊંચકીને તારે ઘેર જા.

7 તે માણસ ઊભો થયો અને પોતાને ઘેર ગયો.

8 એ જોઈને લોકો ડઘાઈ ગયા અને માણસોને આવો અધિકાર આપનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા.


માથ્થીને આમંત્રણ
( માર્ક. 2:13-17 ; લૂક. 5:27-32 )

9 ઈસુ એ સ્થળેથી થોડે આગળ ચાલ્યા. તેમણે માથ્થી નામે એક નાકાદારને જકાતનાકા પર બેઠેલો જોયો. ઈસુએ તેને કહ્યું, મને અનુસર. માથ્થી ઊભો થયો અને ઈસુની પાછળ ચાલવા લાગ્યો.

10 ઈસુ ભોજન માટે ઘરમાંગયા. ત્યાં ઘણા નાકાદારો, સમાજમાંથી બહિકૃત થયેલાઓ તથા ઈસુના શિષ્યો ભોજન લઈ રહ્યા હતા.

11 કેટલાક ફરોશીપંથના લોકોએ એ જોઈને ઈસુના શિષ્યોને કહ્યું, તમારા ગુરુ આવા લોકો સાથે ભોજન કેમ લે છે?

12 એ સાંભળીને ઈસુએ જવાબ આપ્યો, જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી, પણ ફક્ત જેઓ બીમાર છે તેમને જ છે.

13 જાઓ, અને આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય તે તમે જાતે જ શોધી કાઢો: ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ હું સદાચારી ગણાતા લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.


ઉપવાસ વિષે પ્રશ્ર્ન
( માર્ક. 2:18-22 ; લૂક. 5:33-39 )

14 ત્યાર પછી યોહાનના શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો તો ઉપવાસ કરતા જ નથી. એવું કેમ?

15 ઈસુએ જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા સાથે છે ત્યાં સુધી લગ્નસમારંભમાં આવેલા મહેમાનો દુ:ખી બને એવું શું તમે વિચારી શકો છો? ના, એમ ન બને. પણ એવો સમય આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે.

16 જૂના વસ્ત્ર પર થીંડું મારવા માટે નવા કાપડનો ઉપયોગ કોઈ કરતું નથી, કારણ, એવું થીંડું તો સંકોચાઈને પેલા વસ્ત્રને ફાડશે અને એમ તે વધારે ફાટશે.

17 તે જ પ્રમાણે જૂની મશકોમાં કોઈ નવો દારૂ ભરતું નથી. જો તેમ કરવામાં આવે તો મશક ફાટી જશે, દારૂ ઢળી જશે અને મશકનો નાશ થશે. એને બદલે, નવો દારૂ નવી મશકોમાં ભરવામાં આવે છે; જેથી બંને સચવાય છે.


અધિકારીની પુત્રી અને રક્તસ્રાવી સ્ત્રી
( માર્ક. 5:21-43 ; લૂક. 8:40-56 )

18 જ્યારે ઈસુ તેમને એ કહી રહ્યા હતા ત્યારે એક યહૂદી અધિકારીએ આવીને તેમના ચરણોમાં ઢળી પડીને કહ્યું, મારી પુત્રી હમણાં જ મરણ પામી છે; પણ તમે આવીને તેના પર તમારો હાથ મૂકો કે તે જીવતી થાય.

19 તેથી ઈસુ તેની સાથે ગયા. શિષ્યો પણ સાથે હતા.

20 એક સ્ત્રીને બાર વરસથી રક્તસ્રાવનો રોગ થયો હતો. તેણે ઈસુની પાસે આવીને તેમના ઝભ્ભાની કિનારને સ્પર્શ કર્યો.

21 તેણે મનમાં વિચાર્યું હતું કે જો હું ફક્ત તેમના ઝભ્ભાને સ્પર્શ કરીશ તો પણ સાજી થઈ જઈશ.

22 ઈસુએ પાછા ફરીને તેને જોઈને કહ્યું, દીકરી, હિંમત રાખ! તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. એ જ ક્ષણે તે સ્ત્રી સાજી થઈ.

23 ઈસુ અધિકારીના ઘરમાં ગયા. તેમણે શોકીત ગાનારાઓને અને રોકકળ કરતા લોકોને જોયા,

24 ત્યારે તેમણે કહ્યું, બધા બહાર નીકળી જાઓ. છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.

25 બધાએ ઈસુને હસી કાઢયા. લોકોને બહાર કાઢી મૂકીને ઈસુ તરત જ છોકરીના ઓરડામાં ગયા, અને તેનો હાથ પકડીને તેને બેઠી કરી.

26 આ સમાચાર આખા દેશમાં સરી ગયા.


બે અંધજનોને દૃષ્ટિદાન

27 ઈસુ એ સ્થળેથી આગળ ચાલ્યા. બે અંધજનો પણ તેમની પાછળ પાછળ ગયા. તેમણે બૂમ પાડી, હે દાવિદપુત્ર, અમારા પર દયા કરો.

28 ઈસુ ઘરમાં ગયા એટલે બંને અંધજનો તેમની પાસે આવ્યા. ઈસુએ તેમને પૂછયું, હું તમને દેખતા કરી શકું એવો તમને વિશ્વાસ છે? તેમણે જવાબ આપ્યો, હા, પ્રભુ.

29 પછી ઈસુએ તેમની આંખોને સ્પર્શ કર્યો અને કહ્યું, તમારા વિશ્વાસ પ્રમાણે થાઓ.

30 અને તેમને દૃષ્ટિ પાછી મળી. ઈસુએ તેમને સખત આજ્ઞા આપી, જોજો, આ વાત કોઈને જણાવશો નહિ.

31 પણ તેમણે બહાર જઈને દેશમાં તેમની કીર્તિ ચોમેર ફેલાવી દીધી.


મૂગાં માણસનું સાજા કરાવું

32 તેઓ બહાર નીકળતા હતા તેવામાં જ એક મૂગાં માણસને ઈસુની પાસે લાવવામાં આવ્યો. તેને અશુદ્ધ આત્મા વળેલો હોવાથી તે બોલી શક્તો નહોતો.

33 જેવો અશુદ્ધ આત્મા હાંકી કાઢવામાં આવ્યો કે તરત જ તે માણસ બોલવા લાગ્યો. જનસમુદાયે આશ્ચર્યચકિત થઈને કહ્યું, ઇઝરાયલમાં આવું કદી અમે જોયું નથી.

34 પણ ફરોશીઓએ કહ્યું, એ તો ભૂતોનો સરદાર તેમને ભૂત કાઢવાની શક્તિ આપે છે.


દયાવંત ઈસુ

35 ઈસુ બધાં નગરો અને ગામડાંઓની મુલાકાત લેતા ફર્યા. તેમણે તેમનાં ભજનસ્થાનમાં શિક્ષણ આપ્યું, ઈશ્વરના રાજનો શુભસંદેશપ્રગટ કર્યો અને બધા પ્રકારના રોગ અને માંદગીમાં પીડાતા માણસોને સાજા કર્યા.

36 લોકોનાં ટોળાં જોતાં જ તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. કારણ, લોકો કચડાયેલા, નિરાધાર અને પાલક વરનાં ઘેટાં જેવા હતા.

37 તેથી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ફસલ પુષ્કળ છે, પણ તે એકઠી કરવા માટે મજૂરો બહુ જ થોડા છે.

38 તેથી તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે તેમની ફસલ લણવાને માટે મજૂરો મોકલી આપે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan