માથ્થી 6 - પવિત્ર બાઇબલ C.L.દાનધર્મ ખાનગીમાં કરો 1 લોકો તમને જુએ એ હેતુથી તમારાં ધર્મકાર્યો જાહેરમાં કરવા વિષે સાવધ રહો. જો તમે તમારાં ધર્મકાર્યો જાહેરમાં કરો તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા તમને કંઈ બદલો આપશે નહિ. 2 આથી જો તમે દાન કરો તો દંભીઓ જેમ ભજનસ્થાનોમાં અને રસ્તામાં કરે છે તેમ બહુ મોટો દેખાવ કરશો નહિ. લોકો તેમનાં વખાણ કરે માટે તેઓ એવું કરે છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂક્યો છે! 3 પણ તમે દાન કરો ત્યારે એવી રીતે કરો કે તમારો જમણો હાથ શું આપે છે તે તમારો ડાબો હાથ પણ ન જાણે. 4 પણ તે ગુપ્ત બાબત રહે. તમે જે દાન કરો છો તે ગુપ્તમાં પણ જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે. પ્રાર્થના વિષે શિક્ષણ ( લૂક. 11:2-4 ) 5 જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે દંભીઓની માફક દેખાવ ન કરો. તેમને ભજનસ્થાનમાં અને ધોરી રસ્તાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂકયો છે! 6 પણ જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ, તેનું બારણું બંધ કરો અને તમારા અદૃશ્ય ઈશ્વરપિતાને પ્રાર્થના કરો. તમે એકાંતમાં જે પ્રાર્થના કરો છો તે ગુપ્તમાં પણ જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે. 7 તમારી પ્રાર્થનામાં નિરર્થક બકવાટ ન કરો. તેવું તો વિધર્મીઓ કરે છે, અને તેઓ માને છે કે લાંબી પ્રાર્થના કરવાથી ઈશ્વર તેમનું સાંભળશે. 8 તમે તેમના જેવા ન થાઓ. કારણ, તમે પ્રાર્થના કરો તે પહેલાં તમારા ઈશ્વરપિતાને ખબર છે કે તમને કઈ કઈ વસ્તુઓની જરૂર છે. 9 માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના અમારા ઈશ્વરપિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ. 10 તમારું રાજ આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ. 11 અમારો જરૂરી ખોરાક આજે અમને આપો. 12 અમે જેમ બીજાઓના અપરાધ માફ કરીએ છીએ, તે જ પ્રમાણે તમે અમારા અપરાધોની માફી આપો. 13 અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.] 14 જો તમે બીજાઓના અપરાધ માફ કરશો તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા પણ તમને માફ કરશે. 15 પણ જો તમે બીજાઓના અપરાધ માફ નહિ કરો, તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા પણ તમને માફ નહિ કરે. ઉપવાસ વિશે શિક્ષણ 16 જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો ઉદાસ ન લો. એવું તો ઢોગીંઓ કરે છે. તેઓ બધે ઉદાસ ચહેરે ફરે છે, જેથી જેઓ તેમને જુએ તેમને ખબર પડે કે તેઓ ઉપવાસ પર છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂક્યો છે. 17 જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો ધોઈ નાખો, અને તેલ ચોળી તમારા વાળ હોળવો. 18 જેથી તમે ઉપવાસ પર છો તેની ખબર બીજાઓને નહિ, પણ તમારા અદૃશ્ય ઈશ્વરપિતાને પડે. તમે જે ઉપવાસ કરો છો તે ગુપ્તમાં જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે. આકાશમાં ધન એકઠું કરો! ( લૂક. 12:33-34 ) 19 આ પૃથ્વી પર તમે ધન એકઠું ન કરો; જ્યાં કીડા અને કાટ તેનો નાશ કરે છે, અને લૂંટારાઓ લૂંટી જાય છે. 20 પણ તમે આકાશમાં ધન એકઠું કરો કે જ્યાં કીડા કે કાટ નાશ કરી શક્તા નથી અને લૂંટારાઓ લૂંટી શક્તા નથી. 21 કારણ, જ્યાં તમારું ધન હશે ત્યાં જ તમારું મન રહેશે. શરીરનો પ્રકાશ ( લૂક. 11:34-36 ) 22 આંખ શરીરને માટે પ્રકાશરૂપ છે. જો તમારી આંખ નિર્મળ હોય તો તમારું સમગ્ર શરીર પ્રકાશમય રહેશે. 23 પણ જો તમારી આંખ મલિન હોય તો તમારું સમગ્ર શરીર અંધકારરૂપ રહેશે. તેથી તમારામાં જે પ્રકાશ છે તે અંધકારમય હોય તો તે કેવો ઘોર અંધકાર હશે! ચિંતા ન કરો ( લૂક. 16:13 ; 12:22-31 ) 24 કોઈપણ વ્યક્તિ બે શેઠની નોકરી કરી શકે નહિ. એકના પર તે પ્રેમ કરશે ને બીજાને ધિક્કારશે. એકને તે વફાદાર રહેશે ને બીજાને વફાદાર નહીં રહે. એ જ પ્રમાણે ઈશ્વર અને પૈસાની પૂજા તમારાથી કરી શકાય નહિ. 25 એ માટે હું કહું છું: જીવવા માટે ખાવાપીવાની અને શરીર માટે વસ્ત્રોની ચિંતા ન કરો. શું જીવન ખોરાક કરતાં વધુ કીમતી નથી? અને શરીર વસ્ત્રો કરતાં વધુ મૂલ્યવાન નથી? 26 આકાશમાં ઊડતાં પંખીઓ જુઓ! તેઓ બી વાવતાં નથી કે કાપણી કરીને કોઠાર ભરતાં નથી; છતાં આકાશમાંના તમારા ઈશ્વરપિતા તેમની કાળજી રાખે છે. શું તમે પંખીઓ કરતાં વધુ મૂલ્યવાન નથી? 27 ચિંતા કર્યા કરવાથી તમારામાંનો કોણ પોતાના આયુષ્યમાં થોડીક વધુ ક્ષણો ઉમેરી શકે છે? 28 વળી, તમે વસ્ત્રોની ચિંતા કેમ કરો છો? વનવડાનાં ફૂલો કેવાં ખીલે છે તે જુઓ! તેઓ શ્રમ કરતાં નથી કે પોતાને માટે કપડાં સીવતાં નથી. 29 હું તમને કહું છું કે શલોમોન રાજા ઘણો ધનવાન હોવા છતાં તેની પાસે આ ફૂલો જેવાં સુંદર કપડાં નહોતાં! 30 આ જંગલી ઘાસ જે આજે છે, કાલે સુકાઈ જવાનું ને પછી બાળી નંખાવાનું છે તેને ઈશ્વર આટલું સજાવે છે, તો શું તે તમને વસ્ત્રો નહીં પહેરાવશે? 31 તેથી ’મને ખાવાપીવાનું અને પહેરવાનું ક્યાંથી મળશે?’ એમ કહીને ચિંતા કરશો નહિ. 32 આ બાબતોની ચિંતા નિષ્ઠાહીનો જ કર્યા કરે છે. તમારા આકાશમાંના ઈશ્વરપિતાને ખબર છે કે તમને આ બધાની જરૂર છે. 33 એટલે આ બધા કરતાં ઈશ્વરના રાજની અને તેમની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા રાખો, એટલે તે ઉપરાંત તમને આ બધી બાબતો અપાશે. 34 આથી આવતી કાલની ચિંતા ન કરો. આવતી કાલને પોતાની ચિંતા હશે. પ્રત્યેક દિવસની જે મુશ્કેલીઓ છે તેમાં વધારો કરવાની જરૂર નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide