માથ્થી 5 - પવિત્ર બાઇબલ C.L.ગિરિપ્રવચન 1 ઈસુ ટોળાંને લીધે એક ટેકરી પર ચઢીને ત્યાં બેસી ગયા. તેમના શિષ્યો તેમની પાસે આવ્યા, 2 અને તેમણે તેમને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ધન્ય કોને? ( લૂક. 6:20-23 ) 3 અંતરાત્માથી દીનતા ધરાવનાર લોકોને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે. 4 શોક કરનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને સાંત્વન આપશે. 5 નમ્રજનોને ધન્ય છે, કારણ, તેઓ ઈશ્વરના વરદાન પ્રમાણે ભૌતિક આશિષ પામશે. 6 ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા ધરાવનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને તૃપ્તિ પમાડશે. 7 બીજા પ્રત્યે દયા દાખવનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેઓ પર દયા રાખશે. 8 હૃદયની શુદ્ધતા જાળવનારને ધન્ય છે; કારણ, તેઓ ઈશ્વરનું દર્શન પામશે. 9 માણસોમાં શાંતિ સ્થાપનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને પોતાના પુત્રો કહેશે. 10 ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાને લીધે જેમને સતાવવામાં આવે છે તેમને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે. 11 મારા અનુયાયી હોવાને લીધે માણસો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને તમારી વિરુદ્ધ જાતજાતની જુઠ્ઠી વાતો બોલે ત્યારે તમને ધન્ય છે. 12 આનંદીત થાઓ અને ઉલ્લાસી રહો; કારણ, તમારે માટે આકાશમાં મહાન બદલો રાખવામાં આવ્યો છે. તમારી પહેલાં થઈ ગયેલા ઈશ્વરના સંદેશવાહકોને પણ તેમણે એ જ રીતે સતાવ્યા હતા. મીઠું અને પ્રકાશ ( માર્ક. 9:50 ; લૂક. 14:34-35 ) 13 સમગ્ર માનવજાતમાં તમે મીઠા સમાન છો. પણ જો મીઠું પોતાનો સ્વાદ ગુમાવે, તો તે શાથી ખારું કરાશે? પછી તો તે બિનઉપયોગી બન્યું હોવાથી તેને નાખી દેવામાં આવે છે અને તે લોકોના પગ તળે કચડાય છે. 14 સમગ્ર દુનિયામાં તમે પ્રકાશરૂપ છો. પર્વત પર વસાવેલું શહેર છૂપું રહી શકે નહિ. 15 કોઈ દીવાને સળગાવીને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકશે; જ્યાંથી તે સમગ્ર ઘરને પ્રકાશિત કરે છે. 16 તે જ પ્રમાણે તમારો પ્રકાશ લોકો સમક્ષ પ્રકાશવો જોઈએ, જેથી જે સારાં કાર્યો તમે કરો છો તે જોઈને તેઓ આકાશમાંના તમારા ઈશ્વરપિતાની સ્તુતિ કરે. નિયમશાસ્ત્રની પરિપૂર્ણતા 17 એમ ન માનશો કે હું મોશેના નિયમશાસ્ત્રને અને સંદેશવાહકોના શિક્ષણને નષ્ટ કરવા આવ્યો છું. હું નષ્ટ કરવા તો નહિ, પણ તેમના શિક્ષણને પરિપૂર્ણ કરવા આવ્યો છું. 18 હું તમને સાચે જ કહું છું: આકાશ અને પૃથ્વીની હયાતી ભલે મટી જાય, પણ બધું જ નિયમશાસ્ત્ર પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાંની નાનામાં નાની વાત કે ઝીણામાં ઝીણી વિગત નાબૂદ થવાની નથી. 19 આથી જે કોઈ નાનામાં નાની આજ્ઞા પણ તોડશે અને બીજાઓને એવું કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં સૌથી નાનો કહેવાશે. એથી ઊલટું, જે નિયમશાસ્ત્ર પાળશે અને બીજાઓને પણ તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં મોટો કહેવાશે. 20 ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવામાં તમે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ કરતાં ચડિયાતા માલૂમ પડો તો જ તમે ઈશ્વરના રાજમાં પ્રવેશ પામવાને યોગ્ય બનશો. સમાધાનનું મહત્ત્વ 21 ભૂતકાળમાં લોકોને જે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’ખૂન ન કર.’ જો કોઈ ખૂન કરે તો તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવે. 22 પણ હવે હું તમને કહું છું: જે કોઈ પોતાના ભાઈ પર વિનાકારણ ગુસ્સે થાય છે તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવશે. જે કોઈ પોતાના ભાઈને ’મૂર્ખ!’ કહેશે, તેને ન્યાયસભાની સમક્ષ રજૂ કરવામાં આવશે અને જે કોઈ પોતાના ભાઈને ’બેવકૂફ’ કહેશે તે નર્કના અગ્નિમાં જવાના જોખમમાં આવશે. 23 તેથી જો તું વેદી પર તારું અર્પણ ઈશ્વરને અર્પવા લાવે અને તને યાદ આવે કે, તારા ભાઈને તારી વિરુદ્ધ કંઈ ફરિયાદ છે; 24 તો ત્યાં વેદી આગળ જ તારું અર્પણ મૂકી દે. પ્રથમ તારા ભાઈ સાથે સમાધાન કર અને પછી પાછા આવીને ઈશ્વરને તારું અર્પણ ચઢાવ. 25 જો કોઈ માણસ તારી વિરુદ્ધ ફરિયાદ કરે અને તને કોર્ટમાં ઘસડી જાય, તો કોર્ટમાં હાજર થવાનું થાય ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી લે. કારણ, એકવાર ત્યાં ગયા પછી તે તને ન્યાયાધીશને સોંપી દેશે. ન્યાયાધીશ તને પોલીસને સોંપી દેશે અને પોલીસ તને જેલમાં ધકેલી દેશે. 26 જ્યાં સુધી તું પૂરેપૂરો દંડ ન ભરે ત્યાં સુધી તારે જેલમાં રહેવું પડશે. વ્યભિચાર અને લગ્નવિચ્છેદ ( માથ. 19:9 ; માર્ક. 10:11-12 ; લૂક. 16:18 ) 27 આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’વ્યભિચાર ન કર.’ 28 પણ હવે હું તમને કહું છું: જો કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજરે જુએ છે તો તે તેની સાથે મનમાં વ્યભિચાર કરે છે. 29 તેથી જો તારી જમણી આંખ તારી પાસે પાપ કરાવે તો તેને કાઢી નાખીને ફેંકી દે! તારે તારા એક અંગને ગુમાવવું તે તારું સમગ્ર શરીર નર્કમાં નાખી દેવાય તે કરતાં સારું છે. 30 જો તારો જમણો હાથ તારી પાસે પાપ કરાવે તો તેને કાપીને ફેંકી દે! તારે તારા એક અંગને ગુમાવવું તે તારું સમગ્ર શરીર નર્કમાં નાખી દેવાય એ કરતાં સારું છે. 31 આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું: ’જો કોઈ પોતાની પત્નીથી લગ્નવિચ્છેદ કરે તો તેણે તેને લગ્નવિચ્છેદનું લખાણ આપવું.’ 32 પણ હવે હું તમને કહું છું: જો કોઈ માણસ પોતાની પત્ની વ્યભિચારી ન હોય છતાં તેનાથી લગ્નવિચ્છેદ કરે અને તે સ્ત્રી બીજા પુરુષ સાથે ફરી લગ્ન કરે તો પહેલો પતિ પત્નીની પાસે વ્યભિચાર કરાવવા બદલ દોષિત છે. વળી, જે પુરુષ એવી લગ્નવિચ્છેદ પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે. સોંગદ ન ખાઓ 33 ભૂતકાળમાં માણસોને જે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’પ્રભુ સમક્ષ લીધેલી માનતા તારે તોડવી નહિ; પણ તે પાળવી.’ 34 પણ હવે હું તમને કહું છું: જ્યારે તમે માનતા લો ત્યારે સોંગદ ખાશો નહિ. આકાશના સોંગદ નહિ, કારણ, તે ઈશ્વરનું રાજ્યાસન છે; 35 પૃથ્વીના નહિ, કારણ, તે તેમનું પાયાસન છે. યરુશાલેમના નહિ, કારણ, તે મહાન રાજા દાવિદનું શહેર છે. 36 તમારા માથાના પણ સોંગદ ખાવા નહિ, કારણ, તમે પોતાની જાતે માથાનો એક વાળ પણ ધોળો કે કાળો કરી શક્તા નથી. 37 તેથી તમે ’હા’ કહો તો ’હા’ અને ’ના’ કહો તો ’ના’; એ સિવાય બીજો કંઈ પણ જવાબ તમે આપો તો તે શેતાન તરફથી છે. વેર ન વાળો ( લૂક. 6:29-30 ) 38 આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત.’ 39 પણ હવે હું તમને કહું છું: જો કોઈ તમને નુક્સાન કરે તો વેર વાળશો નહિ. જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેને ડાબો ગાલ પણ ધરો. 40 અને જો કોઈ તમારો કોટ પડાવી લેવા તમને કોર્ટમાં લઈ જાય તો તેને તમારું ખમીસ પણ ઉતારીને આપી દો. 41 જો કોઈ તમને તેનો સામાન એક કિલોમીટર સુધી ઊંચકી લેવાની ફરજ પાડે તો તેની સાથે બે કિલોમીટર સુધી ઊંચકીને જાઓ. 42 જો કોઈ તમારી પાસે માગે તો તેને આપો અને જો કોઈ ઉછીનું લેવા આવે તો ના પાડશો નહિ. દુશ્મનો પ્રત્યે પ્રેમ ( લૂક. 6:27-28 , 32-36 ) 43 આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’તમારા મિત્રો પર પ્રેમ રાખો અને દુશ્મનોનો ધિક્કાર કરો.’ 44 પણ હવે હું તમને કહું છું: તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તમને સતાવનારા માટે પ્રાર્થના કરો, 45 જેથી તમે આકાશમાંના ઈશ્વરપિતાના પુત્રો બની રહો. કારણ, તે ભલા તથા ભૂંડા બંને પર સૂર્યને ઉગાવે છે. તેમ જ સારું કરનાર તથા ખરાબ કરનાર બંને પર વરસાદ વરસાવે છે. 46 જેઓ તમારા પર પ્રેમ કરે, તેમના પર જ તમે પ્રેમ કરો તેમાં ઈશ્વર તમને શો બદલો આપે? તેવું તો નાકાદારો પણ કરે છે! 47 જો તમે તમારા મિત્રોને જ શુભેચ્છા પાઠવો તો તેમાં તમે વિશેષ શું કરો છો? બિનયહૂદીઓ પણ તેવું કરે છે! 48 પણ તમારે તો જેમ આકાશમાંના તમારા ઈશ્વર પિતા સંપૂર્ણ છે તેમ સંપૂર્ણ બનવું જોઈએ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide