માથ્થી 4 - પવિત્ર બાઇબલ C.L.ઈસુનું પ્રલોભન ( માર્ક. 1:12-13 ; લૂક. 4:1-13 ) 1 ત્યાર પછી ઈસુ પવિત્ર આત્મા દ્વારા વેરાન દેશમાં જવા પ્રેરાયા; જેથી શેતાન તેમનું પ્રલોભન કરે. 2 ચાળીસ રાતદિવસ સુધી ઉપવાસ પછી ઈસુ ભૂખ્યા થયા. 3 શેતાન તેમની પાસે આવ્યો, અને કહ્યું, જો તું ઈશ્વરપુત્ર છે, તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી બની જાય. 4 ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, ’માનવી ફક્ત રોટલીથી જ નહિ, પણ ઈશ્વરના મુખે ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે’. 5 ત્યાર પછી શેતાન ઈસુને પવિત્ર શહેરમાં લઈ જાય છે અને મંદિરના સૌથી ઊંચા ભાગ પર બેસાડીને કહે છે, 6 જો તું ઈશ્વરપુત્ર છે, તો નીચે કૂદકો માર. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: ’ઈશ્વર પોતાના દૂતોને તારા સંબંધી હુકમ આપશે અને તેઓ તને તેમના હાથમાં ઝીલી લેશે; જેથી તારા પગને પણ પથ્થરથી ઈજા થાય નહિ’. 7 ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં એમ પણ લખેલું છે, ’તારે પ્રભુ તારા ઈશ્વરની પરીક્ષા કરવી ન જોઈએ.’ 8 ત્યાર પછી શેતાન ઈસુને એક ઊંચા પર્વત પર લઈ ગયો અને દુનિયાનાં બધાં રાજયો અને તેમનો વૈભવ બતાવ્યાં. 9 પછી શેતાને કહ્યું, જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધું હું તને આપીશ. 10 પણ ઈસુએ જવાબ આપ્યો, શેતાન, દૂર હટ! શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને માત્ર તેમની જ સેવા કર.’ 11 ત્યાર પછી શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી. ગાલીલમાં સેવાકાર્યની શરૂઆત ( માર્ક. 1:14-15 ; લૂક. 4:14-15 ) 12 યોહાનને કેદમાં પૂરવામાં આવ્યો છે તેવું ઈસુએ સાંભળ્યું, ત્યારે તે ગાલીલ દેશમાં ગયા. 13 તે નાઝારેથમાં ઠરીઠામ થયા નહિ, પણ ઝબૂલુન અને નાફતગાલીના દેશમાં ગાલીલ સરોવરને કિનારે આવેલા કાપરનાહૂમ શહેરમાં વસ્યા. 14 યશાયા સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય તે માટે એમ બન્યું: 15 ઓ ઝબૂલુન અને નાફતગાલીના દેશ, યર્દનની પેલે પાર સરોવરને કિનારે આવેલા બિનયહૂદીઓના ગાલીલ! 16 જે જા અંધકારમાં વસતી હતી તેને મહાન પ્રકાશ દેખાયો, અને જે જા મૃત્યુછાયાના દેશમાં વસતી હતી તેની સમક્ષ જ્યોતિનો ઉદય થયો. 17 આ સમયથી ઈસુએ પોતાનું પ્રચારકાર્ય શરૂ કર્યું: તમારાં પાપથી પાછા ફરો; કારણ, ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. ચાર માછીઓને આમત્રંણ ( માર્ક. 1:16-20 ; લૂક. 5:1-11 ) 18 ઈસુ ગાલીલ સરોવરને કિનારે ચાલતા હતા. તેમણે બે માછી ભાઈઓ, સિમોન પિતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા. 19 ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો, એટલે હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ. 20 તેઓ તરત જ પોતાની જાળો મૂકી દઈને ઈસુની પાછળ ચાલી નીકળ્યા. 21 તે આગળ ચાલ્યા, અને બીજા બે ભાઈઓ, ઝબદીના પુત્રો યાકોબ અને યોહાનને તેમણે જોયા. તેઓ હોડીમાં તેમના પિતા ઝબદીની સાથે જાળો સાંધતા હતા. ઈસુએ તેમને બોલાવ્યા. 22 તરત જ તેઓ હોડી તથા તેમના પિતાને મૂકીને ઈસુની પાછળ ચાલી નીકળ્યા. ઈસુનાં શિક્ષણ અને સેવાકાર્ય ( લૂક. 6:17-19 ) 23 ઈસુ સમગ્ર ગાલીલ દેશમાં તેમનાં ભજનસ્થાનોમાં ઈશ્વરના રાજનો શુભસંદેશ પ્રગટ કરતા અને દરેક પ્રકારની માંદગી અને બીમારીમાં સપડાયેલાંને સાજા કરતા ફર્યા. 24 તેમની કીર્તિ સમગ્ર સિરિયા દેશમાં ફેલાઈ ગઈ. તેથી લોકો જાતજાતના રોગથી પીડાતા અને બધા પ્રકારના પીડિતોને, એટલે દુષ્ટાત્મા વળગેલાઓ, વાઈના દર્દીઓ અને લકવાવાળાઓને ઈસુની પાસે લાવ્યા. ઈસુએ એ બધાને સાજા કર્યા. 25 ગાલીલ દેશમાંથી, દસનગરના દેશમાંથી તથા યરુશાલેમ, યહૂદિયા અને યર્દન નદીની સામે કિનારે આવેલા દેશમાંથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ જવા લાગ્યાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide