માથ્થી 27 - પવિત્ર બાઇબલ C.L.પિલાતની સમક્ષ ઈસુ ( માર્ક. 15:1 ; લૂક. 23:1-2 ; યોહા. 18:28-32 ) 1 વહેલી સવારમાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ ઈસુને મોતની સજા થાય તેવી યોજના ઘડી કાઢી. 2 તેઓ તેમને બાંધીને લઈ ગયા અને રોમન રાજ્યપાલ પિલાતને સોંપી દીધા. યહૂદાનો કારમો અંત ( પ્રે.કા. 1:18-19 ) 3 ઈસુની ધરપકડ કરાવનાર યહૂદાને જ્યારે ખબર પડી કે તેમને દોષિત ઠરાવવામાં આવ્યા છે ત્યારે તેને પોતાના પાપનું ભાન થયું અને ચાંદીના ત્રીસ સિક્કા લઈને તે મુખ્ય યજ્ઞકારો તથા આગેવાનો પાસે ગયો અને કહ્યું, 4 એક નિર્દોષ ખૂન કરાવવા દગો કરીને મેં પાપ કર્યું છે. તેમણે જવાબ આપ્યો, તેમાં અમારે શું? તારું પાપ તારે માથે! 5 યહૂદાએ મંદિરમાં જ પૈસા ફેંકી દીધા અને ત્યાંથી નીકળી જઈને ફાંસો ખાઈને આપઘાત કર્યો. 6 મુખ્ય યજ્ઞકારોએ પૈસા ઉઠાવી લીધા અને કહ્યું, આ તો લોહીના પૈસા છે અને તેને મંદિરમાં જમા કરવા એ આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે. 7 ત્યાર પછી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે કુંભારનું ખેતર ખરીદીને તેમાં પરદેશીઓ માટે કબ્રસ્તાન બનાવવું. 8 તેથી આજ સુધી તે ખેતરને હાકેલદામા એટલે, લોહીનું ખેતર કહેવામાં આવે છે. 9 ત્યારે સંદેશવાહક યર્મિયાએ જે કહ્યું હતું તે પરિપૂર્ણ થયું. 10 ઈશ્વરે મને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલ લોકો તેને માટે જે રકમ ચૂકવવા સંમત થયા હતા તે, એટલે કે ચાંદીના ત્રીસ સિક્કા લઈને તેમણે કુંભારનું ખેતર ખરીદયું. પિલાતે કરેલી ઊલટતપાસ ( માર્ક. 15:2-6 ; લૂક. 23:3-5 ; યોહા. 18:33-38 ) 11 ઈસુને રાજ્યપાલની સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને તેમણે સવાલ પૂછયો, શું તું યહૂદીઓનો રાજા છે? 12 ઈસુએ જવાબ આપ્યો, તમે જ તે પ્રમાણે કહો છો. મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોના આરોપ વિષે તેમણે મૌન સેવ્યું. 13 આથી પિલાતે ફરી પૂછયું, આ લોકો જે આરોપ મૂકે છે તે તું સાંભળતો નથી? 14 પણ ઈસુ જવાબમાં એકપણ શબ્દ બોલ્યા નહિ. આથી રાજ્યપાલને ભારે આશ્ચર્ય થયું. ઈસુને મૃત્યુદંડ ( માર્ક. 15:6-15 ; લૂક. 23:13-25 ; યોહા. 18:39—19:16 ) 15 પાસ્ખાના પ્રત્યેક પર્વ વખતે લોકો માગણી કરે તે કેદીને રાજ્યપાલ મુક્ત કરે એવી પ્રથા હતી. 16 આ વખતે પણ ઈસુ - બારાબાસ કરીને એક નામચીન કેદી હતો. 17 જ્યારે ટોળું એકઠું થયું ત્યારે પિલાતે તેમને પૂછયું, તમારી શી ઇચ્છા છે? તમારે માટે હું કોને મુક્ત કરું? ઈસુ જે બારાબાસ કહેવાય છે તેને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને? 18 તેને ખબર હતી કે અધિકારીઓ ઈર્ષાને લીધે જ ઈસુને પકડી લાવ્યા હતા. 19 જ્યારે પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો, તે નિર્દોષને તું કંઈ સજા કરીશ નહિ; કારણ, ગઈ રાત્રે સ્વપ્નમાં તેને લીધે મને ઘણું દુ:ખ થયું છે. 20 પિલાત બારાબાસને મુક્ત કરે અને ઈસુને મોતની સજા ફરમાવે તે માગણી ચાલુ રાખવા માટે મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ લોકોને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું. રાજ્યપાલે તેમને પૂછયું, 21 આ બેમાંથી તમારે માટે હું કોને મુક્ત કરું? તમારી શી ઇચ્છા છે? તેઓ બધા બોલી ઊઠયા, બારાબાસને! 22 પિલાતે પૂછયું, તો પછી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું? તેમણે જવાબ આપ્યો, તેને ક્રૂસે જડી દો. 23 પણ પિલાતે પૂછયું, સજા થાય તેવો કયો ગુનો તેણે કર્યો છે? ત્યારે તેમણે જોરથી ઘાંટા પાડયા, તેને ક્રૂસે જડી દો. 24 પિલાતે જોયું કે રાહ જોવાથી કશો ફાયદો થવાનો નથી, પણ કદાચ હુલ્લડ ફાટી નીકળે. આથી તેણે પાણી લીધું અને પોતાના હાથ ટોળાંની સમક્ષ ધોઈ નાખતાં કહ્યું, આ માણસના મોતને માટે હું જવાબદાર નથી! તમારું પાપ તમારે માથે. 25 ત્યારે ટોળાંએ જવાબ આપ્યો, એના ખૂનની જવાબદારી ભલે અમારા અને અમારાં સંતાનોને શિર આવે! 26 ત્યાર પછી પિલાતે તેમને માટે બારાબાસને છોડી મૂકાયો, જ્યારે ઈસુને ચાબખા મરાવીને ક્રૂસે જડવા માટે સોંપી દીધા. સૈનિકોએ કરેલી મશ્કરી ( માર્ક. 15:16-20 ; યોહા. 19:2-3 ) 27 ત્યાર પછી પિલાતના સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલમાં લઈ ગયા અને સૈનિકોની ટુકડી તેમની આસપાસ એકઠી થઈ. 28 તેમણે ઈસુનાં કપડાં ઉતારી લીધાં અને તેમને જાંબુડી રંગનો ઝભ્ભો પહેરાવ્યો. 29 કાંટાની ડાળીઓમાંથી મુગટ ગૂંથીને તેમના માથા પર મૂકાયો. તેમના જમણા હાથમાં લાકડી આપી અને તેમની આગળ ધૂંટણે પડીને તેમની મશ્કરી કરી. 30 તેમણે કહ્યું, યહૂદીઓના રાજા, અમર રહો! તેઓ તેમના પર થૂંક્યા અને લાકડી લઈને તેમના માથામાં ફટકારી. 31 મશ્કરી કરી રહ્યા પછી તેમણે ઝભ્ભો ઉતારી લીધો અને તેમનાં કપડાં પાછાં પહેરાવ્યાં. ત્યાર પછી તેમને ક્રૂસે જડવા માટે લઈ ગયા. ઈસુને ક્રૂસે જડયા ( માર્ક. 15:21-32 ; લૂક. 23:26-43 ; યોહા. 19:17-27 ) 32 તેઓ જઈ રહ્યા હતા ત્યારે કૂરેનીનો સિમોન મળ્યો. તેમણે બળજબરીથી ઈસુનો ક્રૂસ તેની પાસે ઊંચકાવ્યો. 33 તેઓ ગલગથા જેનો અર્થ ’ખોપરીની જગ્યા’ થાય છે ત્યાં આવ્યા. 34 ત્યાં તેમણે તેમને બોળ મિશ્રિત દ્રાક્ષરસ પીવા આપ્યો. પણ ચાખ્યા પછી ઈસુએ તે પીવાની ના પાડી. 35 તેમણે તેમને ક્રૂસે જડયા અને પાસાં નાખીને તેમનાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં. 36 ત્યાર પછી ત્યાં બેસીને તેમની ચોકી કરી. 37 તેમના માથાથી ઉપર ક્રૂસ ઉપર આરોપ દર્શાવતો લેખ મૂકેલો હતો: 38 આ ઈસુ યહૂદીઓનો રાજા છે. ત્યાર પછી ઈસુની સાથે બે લૂંટારાઓને, એકને તેમની જમણી તરફ અને બીજાને તેમની ડાબી તરફ ક્રૂસે જડયા. 39 ત્યાંથી પસાર થતા લોકોએ માથાં હલાવીને ઈસુની મશ્કરી કરતાં કહ્યું, 40 તું તો મંદિરને તોડી પાડીને ફક્ત ત્રણ જ દિવસમાં ફરી બાંધવાનો હતો ને! તો હવે પોતાને જ બચાવને! જો તું ઈશ્વરપુત્ર હોય તો ક્રૂસ પરથી નીચે ઊતરી આવ! 41 તે જ પ્રમાણે મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને આગેવાનોએ તેમની મશ્કરી કરીને કહ્યું, 42 તેણે બીજા ઘણાને બચાવ્યા પણ પોતાને બચાવી શક્તો નથી. શું તે ઇઝરાયલનો રાજા નથી? જો તે હાલ ક્રૂસ પરથી ઊતરી આવે તો અમે તેના પર વિશ્વાસ કરીશું. 43 તે ઈશ્વર પર ભરોસો રાખે છે અને પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરે છે. તો હવે ઈશ્વર તેને બચાવે છે કે નહિ તે જોઈએ. 44 તેમની સાથે ક્રૂસે જડવામાં આવેલા લૂંટારાઓએ પણ તેમની મશ્કરી કરી. ઈસુનું અવસાન ( માર્ક. 15:33-41 ; લૂક. 23:44-49 ; યોહા. 19:28-30 ) 45 બપોરના સમયે સમગ્ર દેશ પર ત્રણ કલાક સુધી અંધકાર છવાઈ ગયો. 46 લગભગ ત્રણ વાગે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી, એલી, એલી, લામા સાબાખ્થાની અર્થાત્ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ ત્યજી દીધો છે? 47 ત્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ એ સાંભળીને કહ્યું, તે એલિયાને બોલાવે છે. 48 તેમનામાંથી એક જણે દોડીને વાદળી લીધી અને તેને હલકી જાતના દારૂમાં બોળીને લાકડીની ટોચે મૂકીને ઈસુને ચૂસવા માટે આપી. 49 પણ બીજાઓએ કહ્યું, રહેવા દો, જોઈએ તો ખરા, એલિયા તેને બચાવવા આવે છે કે નહિ? 50 ઈસુએ ફરીથી મોટે ઘાંટે બૂમ પાડી અને પછી મરણ પામ્યા. 51 ત્યાર પછી મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો. ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા; 52 કબરો ખૂલી ઈ અને ઈશ્વરના ઘણા લોક મરણમાંથી સજીવન થયા. 53 ઈસુ મરણમાંથી સજીવન થયા પછી તે લોકો કબરમાંથી બહાર નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણા લોકોએ તેમને જોયા. 54 ઈસુની ચોકી કરતા સૂબેદાર તથા તેની સાથેના સૈનિકોને ધરતીકંપ તથા બીજા બનાવો જોઈને બીક લાગી. તેમણે કહ્યું, ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા. 55 ગાલીલમાંથી ઈસુની પાછળ આવેલી અને તેમને મદદ કરનારી ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. તેઓ થોડે દૂરથી બધું જોયા કરતી હતી. 56 તેમાં માગદાલાની મિર્યામ, યાકોબ અને યોસેફની માતા મિર્યામ અને ઝબદીના પુત્રોની માતા હતાં. ઈસુનું દફન ( માર્ક. 15:42-47 ; લૂક. 23:50-56 ; યોહા. 19:38-42 ) 57 સાંજ પડી ત્યારે આરીમથાઈથી એક ધનવાન માણસ ત્યાં આવ્યો. તેનું નામ યોસેફ હતું. તે ઈસુનો શિષ્ય હતો. 58 તે પિલાતની પાસે ગયો અને તેણે ઈસુના શબની માગણી કરી. પિલાતે શબ આપવાનો હુકમ કર્યો. 59 તેથી યોસેફે ઈસુનું શબ લઈને અળસીરેસાનાં શ્વેત નવાં વસ્ત્રોમાં વીંટાળ્યું 60 અને તેને લઈ જઈને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં મૂકાયું. પછી કબરના પ્રવેશદ્વાર આગળ એક મોટો પથ્થર બડાવીને તે ચાલ્યો ગયો. 61 માગદાલાની મિર્યામ અને બીજી મિર્યામ કબરની સામે બેઠેલાં હતાં. કબરની ચોકી 62 બીજે દિવસે એટલે શુક્રવાર પછીના દિવસે મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ પિલાતને મળીને કહ્યું, 63 સાહેબ, અમને યાદ છે કે, એ ઠગ જીવતો હતો ત્યારે આમ કહેતો હતો: ’ત્રણ દિવસ પછી મને સજીવન કરવામાં આવશે.’ 64 તેથી એવા હુકમો આપો કે ત્રીજા દિવસ સુધી કબરની બરાબર ચોકી કરવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને તેનું શબ ચોરી ન જાય અને લોકોને જાહેર ન કરે કે તે મરણમાંથી સજીવન થયા છે. નહિ તો આ છેલ્લી ઠાઈ પ્રથમના કરતાં પણ વધુ ખરાબ હશે. 65 પિલાતે તેમને કહ્યું, સૈનિકોને ચોકી કરવા લઈ જાઓ અને જઈને તમારાથી બને તેટલો જાપ્તો રાખો. 66 આથી તેમણે જઈને કબરના પથ્થરને સીલબંધ કરીને પહેરો ગોઠવી દીધો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide