માથ્થી 25 - પવિત્ર બાઇબલ C.L.દસ કન્યાઓનું ઉદાહરણ 1 ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દસ કન્યાઓ પોતાના દીવા સળગાવીને વરરાજાને મળવા ગઈ. 2 તેઓમાં પાંચ મૂર્ખ હતી અને પાંચ સમજુ હતી. 3 મૂર્ખ કન્યાઓએ પોતાના દીવા તો સાથે લીધા, પણ સાથે તેલ લીધું નહિ. 4 જ્યારે સમજુ કન્યાઓએ પોતાના દીવાઓની સાથે પૂરતું તેલ કુપ્પીઓમાં લઈ લીધું. 5 વરરાજાને આવતાં મોડું થઈ ગયું. તેથી કન્યાઓ ઝોકા ખાવા લાગી અને છેવટે ઊંઘી ગઈ. 6 મધરાતે પોકાર પડયો, ’વરરાજા આવી ગયા છે; તેમને મળવા માટે આવો.’ 7 દસે કન્યાઓ જાગી ગઈ અને પોતાના દીવા સળાવ્યા. 8 ત્યાર પછી મૂર્ખ કન્યાઓએ સમજુ કન્યાઓને કહ્યું, ’તમારી પાસે જે તેલ છે તેમાંથી થોડું અમને આપો. કારણ, અમારા દીવા હોલવાઈ જાય છે.’ 9 સમજુ કન્યાઓએ જવાબ આપ્યો, ’ના, આપણ બધાંને પૂરતું થઈ રહે તેટલું તેલ નથી. બજારમાં જાઓ અને તમારે માટે વેચાતું લઈ આવો.’ 10 તેથી મૂર્ખ કન્યાઓ બજારમાં તેલ ખરીદવા ગઈ. તેવામાં વરરાજા આવ્યા. જે પાંચ કન્યાઓ તૈયાર હતી તે વરરાજા સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરી દેવામાં આવ્યું. 11 પાછળથી બીજી કન્યાઓ પણ આવી પહોંચી. તેમણે બૂમ પાડી, ’પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો!’ 12 પણ વરરાજાએ જવાબ આપ્યો, ’ના રે ના, હું તમને ઓળખતો જ નથી.’ 13 ઈસુએ સાર આપતાં કહ્યું, સાવધ રહો, કારણ, તે દિવસ કે ઘડીની તમને ખબર નથી. ત્રણ સેવકોનું ઉદાહરણ ( લૂક. 19:11-27 ) 14 ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસ ઘર છોડીને લાંબી મુસાફરીએ જવાનો હતો. તેણે પોતાના સેવકોને બોલાવ્યા અને તેમને મિલક્તનો વહીવટ સોંપ્યો. 15 દરેકને પોતાની આવડતના પ્રમાણમાં આપવામાં આવ્યું. એકને તેણે પાંચ હજાર સિક્કા આપ્યા, બીજાને બે હજાર અને ત્રીજાને એક હજાર. ત્યાર પછી તે મુસાફરીએ ગયો. 16 જે સેવકને પાંચ હજાર મળ્યા હતા તેણે વેપારમાં પૈસા રોકીને બીજા પાંચ હજારનો નફો કર્યો. 17 એ જ પ્રમાણે જે સેવકને બે હજાર મળ્યા હતા તેણે બીજા બે હજારનો નફો કર્યો. 18 પણ જે સેવકને એક હજાર મળ્યા હતા તેણે જઈને જમીનમાં ખાડો ખોદીને પોતાના માલિકના પૈસા સંતાડી રાખ્યા. 19 ઘણા લાંબા સમય પછી એ સેવકોનો માલિક ઘેર પાછો આવ્યો અને તેમની પાસે હિસાબ માગ્યો. 20 જે સેવકને પાંચ હજાર સિક્કા મળ્યા હતા તેણે આવીને બીજા પાંચ હજાર પણ આપ્યા. તેણે કહ્યું, ’સાહેબ, તમે મને પાંચ હજાર સિક્કા આપ્યા હતા, પણ તેમાંથી મેં બીજા પાંચ હજારનો નફો કર્યો છે.’ 21 માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે. તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’ 22 ત્યાર પછી જે સેવકને બે હજાર સિક્કા આપવામાં આવ્યા હતા તે આવ્યો અને કહ્યું, ’સાહેબ, તમે મને બે હજાર સિક્કા આપ્યા હતા, પણ તેમાંથી મેં બીજા બે હજારનો નફો કર્યો છે.’ 23 માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’ 24 ત્યાર પછી જે સેવકને એક હજાર સિક્કા આપવામાં આવ્યા હતા તે આવ્યો અને કહ્યું, ’સાહેબ, મને ખબર છે કે તમે કડક માણસ છો. જ્યાં તમે વાવ્યું નથી ત્યાંથી કાપણી કરો છો અને જ્યાં ઊપણ્યું નથી ત્યાંથી અનાજ એકઠું કરો છો. 25 તેથી મને બીક લાગી અને મેં જમીનમાં ખાડો ખોદીને તમારા પૈસા સંતાડી દીધા હતા. લો, તમારા પૈસા!’ 26 માલિકે કહ્યું, ’અરે દુષ્ટ, આળસુ નોકર! તને ખબર હતી કે જ્યાં મેં વાવ્યું નથી ત્યાંથી હું કાપણી કરું છું અને જ્યાં મેં ઊપણ્યું નથી ત્યાંથી હું અનાજ એકઠું કરું છું, 27 તો પછી તારે મારા પૈસા શરાફને ત્યાં વ્યાજે તો મૂકવા જોઈતા હતા! તેથી જ્યારે હું પાછો આવ્યો, ત્યારે વ્યાજ સાથે તો તે મને પાછા મળ્યા હોત ને! 28 તો હવે તેની પાસે જે સિક્કા છે તે લઈ લો અને જેની પાસે દસ હજાર સિક્કા છે તેને આપો. 29 કારણ, જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે કંઈ નફો નથી, તેની પાસે જે થોડું છે તે પણ લઈ લેવામાં આવશે. 30 આ આળસુ નોકરને બહારના અંધકારમાં નાખી દો. ત્યાં તે વિલાપ કરશે ને દાંત કટકટાવશે. અંતિમ ન્યાયનો દિવસ 31 જ્યારે માનવપુત્ર રાજા તરીકે પોતાના બધા દૂતોની સાથે ગૌરવસહિત આવશે ત્યારે તે પોતાના રાજ્યાસન પર બિરાજશે. 32 અને બધી પ્રજાઓ તેમની પાસે એકઠી થશે. ત્યારે, જેમ ભરવાડ ઘેટાંને બકરાંથી જુદાં કરે છે, તેમ તે લોકોને બે ભાગમાં વહેંચી નાખશે. 33 ઘેટાંને પોતાની જમણી તરફ અને બકરાંને ડાબી તરફ રાખશે. 34 ત્યાર પછી જમણી તરફના લોકોને રાજા કહેશે, ’મારા પિતાથી આશિષ પામેલાઓ, આવો, આ સૃષ્ટિના સર્જન પહેલાં જે રાજ તમારે માટે તૈયાર કરવામાં આવેલું છે તેનો વારસો પામો. 35 હું ભૂખ્યો હતો અને તમે મને ખોરાક આપ્યો. હું તરસ્યો હતો અને તમે મને પાણી પાયું. હું અજાણ્યો હતો ત્યારે તમે તમારાં ઘરોમાં મને આવકાર આપ્યો. 36 હું નિર્વસ્ત્ર હતો અને તમે મને વસ્ત્ર આપ્યાં. હું બીમાર હતો ત્યારે તમે મારી ખબર કાઢી અને જેલમાં હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી. 37 એ સમયે ન્યાયીઓ જવાબ આપશે, ’પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા કે તરસ્યા જોયા અને ખોરાક કે પાણી આપ્યાં? 38 ક્યારે અમે તમને અજાણી વ્યક્તિ તરીકે જોયા ને અમારાં ઘરોમાં આવકાર આપ્યો કે નિર્વસ્ત્ર જોઈને વસ્ત્રો આપ્યાં? 39 ક્યારે તમે બીમાર કે જેલમાં હતા ને અમે તમારી મુલાકાત લીધી?’ 40 રાજા વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ મારા નાના ભાઈઓમાંના એકને તમે એ મદદ કરી ત્યારે તે તમે મારે માટે કર્યું.’ 41 ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો. 42 મને ભૂખ લાગી હતી, પણ તમે મને ખોરાક આપ્યો નહિ. મને તરસ લાગી હતી, પણ તમે મને પાણી પાયું નહિ. 43 હું અજાણી વ્યક્તિ હતો, પણ તમે મને તમારાં ઘરોમાં આવકાર આપ્યો નહિ, નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્રો પહેરાવ્યાં નહિ, હું બીમાર હતો અને જેલમાં હતો તો પણ તમે મારી મુલાકાત લીધી નહિ.’ 44 ત્યારે તેઓ જવાબ આપશે, ’પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા કે તરસ્યા કે અજાણી વ્યક્તિ કે નગ્ન કે બીમાર કે જેલમાં જોયા અને તમને મદદ કરી નહિ?’ 45 રાજા તેમને વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ નાનાઓમાં એકને મદદ કરવાનો તમે ઇનકાર કર્યો ત્યારે તે તમે મારે માટે કર્યું નહિ.’ 46 એ લોકોને સાર્વકાલિક સજાને માટે મોકલી આપવામાં આવશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવન મેળવશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide