માથ્થી 23 - પવિત્ર બાઇબલ C.L.ચેતવણીનો સૂર ( માર્ક. 12:38-39 ; લૂક. 11:43 , 46 ; 20:45-46 ) 1 ઈસુએ જનસમુદાયને તથા પોતાના શિષ્યોને કહ્યું, 2 નિયમશાસ્ત્રના શિક્ષકો તથા ફરોશીઓ મોશેના નિયમશાસ્ત્રનું સાચું અર્થઘટન કરવાનો અધિકાર ધરાવે છે. 3 તેથી તેઓ તમને જે કંઈ ફરમાવે તેનું તમારે પાલન કરવું જોઈએ. પણ તેમના વર્તનનું અનુકરણ કરવું નહિ. કારણ, તેઓ જે સંદેશો આપે છે તે પ્રમાણે તેઓ વર્તતા નથી. 4 તેઓ માણસોની પીઠ પર ભારે બોજ લાદે છે, પણ લોકોને તે બોજ ઊંચકાવવામાં આંગળી સરખીયે અડકાડતા નથી. 5 તેઓ બધું દેખાવ પૂરતું જ કરે છે. તેમના કપાળ અને હાથ પર શાસ્ત્રવચનો ચર્મનાં મોટાં માદળિયાંમાં મૂકીને બાંધેલાં હોય છે, અને તેમના ઝભ્ભાની ઝૂલ કેટલી લાંબી હોય છે! 6 ભોજનસમારંભોમાં તેમને મહત્ત્વનાં સ્થાન જોઈએ છે, અને ભજનસ્થાનમાં તેમને ખાસ મુખ્ય બેઠકો જોઈએ છે. 7 જાહેર માર્ગો પર લોકો તેમને સલામ ભરે અને તેમને ગુરુ કહે તેમ તેઓ ઇચ્છે છે. 8 તમે પોતાને ગુરુ તરીકે ઓળખાવો નહિ. કારણ, તમે એકબીજાના ભાઈઓ છો અને તમારે ફક્ત એક જ ગુરુ છે. 9 વળી, પૃથ્વી પર તમે કોઈને પિતા કહેશો નહિ. કારણ, તમારે એક જ પિતા છે, જે આકાશમાં છે. 10 વળી, કોઈ તમને પ્રભુ ન કહે, કારણ, તમારે એકમાત્ર પ્રભુ એટલે ખ્રિસ્ત છે. 11 તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક થાય. 12 જે કોઈ પોતાને મહાન બનાવવા માગે છે, તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે. દંભીઓને ચેતવણી ( માર્ક. 12:40 ; લૂક. 11:39-42 , 44 , 52 ; 20:47 ) 13 ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે લોકોને માટે આકાશના રાજનું પ્રવેશદ્વાર બંધ કરો છો. તમે પોતે તેમાં પ્રવેશ કરતા નથી અને જેઓ પ્રવેશ કરવા ઇચ્છે છે તેમને જવા દેતા નથી. 14 ચઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે વિધવાઓનાં ઘર લૂંટી લો છો અને પછી લાંબી લાંબી પ્રાર્થનાઓ દ્વારા દેખાવ કરો છો. આ બધાને લીધે તમને સખત સજા થશે.] 15 ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે એક વ્યક્તિનું પરિવર્તન કરવા માટે સમુદ્ર અને પૃથ્વીને ખૂંદી વળો છો. પણ તમે સફળ થાઓ છો, ત્યારે તેને તમારા કરતાં બમણો નરકને પાત્ર બનાવો છો. 16 ઓ આંધળા માર્ગદર્શકો, તમારી કેવી દુર્દશા થશે! તમે શીખવો છો કે જો કોઈ મંદિરના સમ ખાય તો તે સમથી બંધાતો નથી, પણ જો તે મંદિરમાંના સોનાના સમ ખાય તો તે સમથી બંધાય છે. 17 ઓ મૂર્ખ આંધળાઓ! કઈ બાબત વધુ મહત્ત્વની છે? સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર? 18 તમે એવું પણ શીખવો છો કે જો કોઈ વેદીના સમ ખાય તો તે સમથી બંધાતો નથી, પણ જો તે વેદી પરના અર્પણના સોગન ખાય તો તે તેથી બંધાય છે. 19 તમે કેવા આંધળા છો! કઈ બાબત વધુ મહત્ત્વની છે? અર્પણ કે અર્પણને પવિત્ર કરનાર વેદી? 20 તેથી વેદીના સમ ખાનાર વેદી અને તેના પરના અર્પણના સમ ખાય છે. 21 તે જ પ્રમાણે મંદિરના સમ ખાનાર મંદિરના અને મંદિરમાં વાસો કરનાર જીવંત ઈશ્વરના સોગન ખાય છે. 22 અને આકાશના સમ ખાનાર ઈશ્વરના રાજ્યાસનના અને તેના ઉપર બિરાજનારના સમ ખાય છે. 23 ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! મોસમની ઊપજમાંથી ફૂદીનો, કોથમીર અને જીરાનો પણ દસમો ભાગ તમે ધર્મદાનમાં આપો છો, પણ તમારામાં નિયમશાસ્ત્રની મહત્ત્વની બાબતો એટલે ન્યાય, દયા અને નિષ્ઠા નથી. આ બાબતો તમારે કરવી જોઈતી હતી, અને પેલી બાબતો પડતી મૂકવાની ન હતી. 24 ઓ આંધળા માર્ગદર્શકો! તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો! 25 ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે થાળી વાટકાને બહારથી સ્વચ્છ કરો છો. પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલાં છે. 26 ઓ અંધ ફરોશી, થાળી વાટકાની અંદરની બાજુ પ્રથમ સાફ કર, એટલે બહારની બાજુ પણ સાફ થઈ જશે. 27 ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે તો ધોળેલી કબર જેવા છો. જે બહારથી સુંદર દેખાય છે, પણ અંદર તો મરેલા માણસનાં હાડકાં અને દુર્ગંધ છે. 28 તે જ પ્રમાણે બાહ્ય રીતે તમે લોકોની સમક્ષ ધાર્મિક દેખાઓ છો, પણ અંદરથી તો તમે દંભ અને પાપથી ભરેલા છો. દંભીઓને થનારી સજા ( લૂક. 11:47-51 ) 29 ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે સંદેશવાહકોને માટે સુંદર કબરો ચણાવો છો અને તિઠિત લોકોનાં સ્મારકો શણારો છો. 30 અને તમે જાહેર કરો છો કે, ’જો અમે અમારા પૂર્વજોના સમયમાં જીવતા હોત તો અમે તેમની માફક સંદેશવાહકોનાં ખૂન કર્યાં ન હોત.’ 31 આમ, તમે પોતે જ કબૂલ કરો છો કે તમે સંદેશવાહકોના ખૂનીઓના વંશજો છો! 32 તો પછી તમારા પૂર્વજોએ જેની શરૂઆત કરી તેને પૂરું કરો. 33 ઓ સર્પો, ઓ સર્પોના સંતાનો! નર્કની સજામાંથી તમે કેવી રીતે છટકી શકશો? 34 તેથી હું તમારી મધ્યે સંદેશવાહકો, જ્ઞાનીઓ અને શિક્ષકો મોકલીશ. તેમાંના કેટલાકનું તમે ખૂન કરશો, કેટલાકને ક્રૂસે જડાવશો, જ્યારે કેટલાકને ભજનસ્થાનોમાં ચાબખા મરાવશો અને તેમને સતાવી સતાવીને એક ામથી બીજે ામ રઝળાવશો. 35 પરિણામે, હાબેલના ખૂનથી માંડીને બારાખ્યાનો પુત્ર ઝખાર્યા, જેને મંદિર અને યજ્ઞવેદી વચ્ચે તમે મારી નાખ્યો તેના સુધીની બધી નિર્દોષ વ્યક્તિઓનું લોહી તમારે માથે આવશે. 36 હું તમને સાચે જ કહું છું કે એ બધાં ખૂનોની સજા આ પેઢીએ ભોવવી પડશે. યરુશાલેમ માટે ઈસુનો પ્રેમ ( લૂક. 13:34-35 ) 37 ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ. 38 જુઓ, તમારું ઘર ત્યજી દેવાયેલું અને ઉજ્જડ છે. 39 હવે પછી, ’પ્રભુને નામે જે આવે છે તેને ઈશ્વર આશિષ આપો,’ એમ તમે મને નહિ કહો, ત્યાં સુધી તમે મને જોવાના નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide