માથ્થી 19 - પવિત્ર બાઇબલ C.L.અતૂટ લગ્નસંબંધ ( માર્ક. 10:1-12 ) 1 એ વાતો કહ્યા પછી ઈસુ ગાલીલના દેશમાંથી યર્દન નદીની પેલે પાર આવેલા યહૂદિયાના દેશમાં આવ્યા. 2 ઘણા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે તેમને સાજા કર્યા. 3 કેટલાક ફરોશીઓ આવ્યા. તેમણે ઈસુને સપડાવવા પ્રશ્ર્ન પૂછયો, પુરુષ પોતાની પત્નીને મે તે કારણસર લગ્નવિચ્છેદ આપી શકે? એ વિષે આપણું નિયમશાસ્ત્ર શું શીખવે છે? 4 ઈસુએ જવાબ આપ્યો, શું તમે આ શાસ્ત્રભાગ નથી વાંચ્યો? ’આરંભમાં સર્જનહારે નર અને નારી ઉત્પન્ન કર્યાં.’ 5 અને કહ્યું: ’આ કારણને લીધે માણસ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળી રહેશે અને તેઓ બંને એક દેહ થશે.’ 6 તેથી હવે તેઓ બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડયાં છે તેમને કોઈ માણસે કદી અલગ પાડવાં નહિ. 7 ફરોશીઓએ પૂછયું, તો પછી પતિ પોતાની પત્નીને લગ્નવિચ્છેદનું લખાણ આપી ત્યજી દઈ શકે એવી આજ્ઞા મોશેએ શા માટે આપી? 8 ઈસુએ જવાબ આપ્યો, તમારા હૃદયની જડતા લક્ષમાં લઈને મોશેએ પત્નીથી લગ્નવિચ્છેદ કરવાની પરવાની આપી. પણ આરંભમાં એવું ન હતું. 9 હું કહું છું: જો કોઈ પુરુષ તેની પત્નીએ વ્યભિચાર કર્યો ન હોવા છતાં તેનાથી લગ્નવિચ્છેદ કરે અને બીજી સ્ત્રીની સાથે લગ્ન કરે તો તે વ્યભિચાર કરે છે. 10 તેમના શિષ્યોએ તેમને કહ્યું, જો પત્ની સાથેના સંબંધ વિષે પતિની આવી દશા હોય તો પછી લગ્ન કરવું ન જોઈએ. 11 ઈસુએ જવાબ આપ્યો, આ વાતનો સ્વીકાર બધા કરી શક્તા નથી, પણ જેમને એનું ખાસ દાન હોય તેવા કેટલાકને જ એ લાગુ પડે છે. 12 કારણ, લગ્ન નહિ કરવાનાં જુદાં જુદાં કારણો હોય છે: કેટલાક જન્મથી જ લગ્ન માટે અયોગ્ય હોય છે; બીજા કેટલાકને માણસોએ એવા બનાવ્યા હોય છે; જ્યારે કેટલાક ઈશ્વરના રાજ માટે લગ્ન કરતા જ નથી. જેનાથી આ વાત પળાય તે પાળે. બાળકોને આશિષ ( માર્ક. 10:13-16 ; લૂક. 18:15-17 ) 13 કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા; જેથી ઈસુ તેમના માથા પર હાથ મૂકીને તેમને આશિષ આપે. પણ શિષ્યોએ લોકોને ધમકાવ્યા. 14 ઈસુએ કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકશો નહિ. કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે. 15 ઈસુએ બાળકોના માથા પર હાથ મૂકીને આશિષ આપી. પછી તે ત્યાંથી ગયા. શ્રીમંત યુવાન ( માર્ક. 10:17-31 ; લૂક. 18:18-30 ) 16 એવામાં એક યુવાન ઈસુની પાસે આવ્યો. તેણે પૂછયું, ગુરુજી, સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું સારું કરવું જોઈએ? 17 ઈસુએ જવાબ આપ્યો, સારું શું છે તે તું મને શા માટે પૂછે છે? એકલા ઈશ્વર જ સારા છે. જો તારે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવું હોય તો તેમની આજ્ઞાઓને આધીન રહે. 18 તેણે પૂછયું કઈ આજ્ઞાઓ? ઈસુએ જવાબ આપ્યો, ખૂન ન કરવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જુઠ્ઠી સાક્ષી ન પૂરવી, 19 પોતાનાં માતાપિતાનું સન્માન કરવું અને બીજા પર પોતાના જેવો જ પ્રેમ રાખવો. 20 યુવાને જવાબ આપ્યો, મેં આ બધી આજ્ઞાઓનું પાલન કરેલું જ છે. હવે મારે બીજું શું કરવાનું બાકી છે? 21 ઈસુએ જવાબ આપ્યો, જો તારે સંપૂર્ણ થવું હોય તો જા, તારું બધું ધન વેચીને ગરીબોને વહેંચી દે, એટલે તને આકાશમાં ધન મળશે. ત્યાર પછી મારી પાસે આવીને મને અનુસર. 22 એ વાત સાંભળીને તે યુવાન ખુબ દિલગીર થઈને ચાલ્યો ગયો, કારણ, તે ઘણો ધનવાન હતો. 23 ઈસુએ શિષ્યોને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે ઈશ્વરના રાજમાં પ્રવેશવું એ ધનવાનને માટે ખૂબ જ મુશ્કેલ છે. 24 ધનવાનને ઈશ્વરના રાજમાં પ્રવેશ કરવો તે કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલું છે. 25 એ સાંભળીને શિષ્યોને નવાઈ લાગી. તેમણે પૂછયું, તો પછી ઉદ્ધાર કોણ પામી શકે? 26 ઈસુએ તેમની તરફ જોઈને કહ્યું, માણસોને માટે એ અશકય છે, પણ ઈશ્વરને તો સર્વ શકય છે. 27 પિતર બોલી ઊઠયો, પ્રભુ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને તમારી પાછળ આવ્યા છીએ. અમને શું મળશે? 28 ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: પુન:ઉત્પતિમાં માનવપુત્ર પોતાના મહિમાવંત રાજ્યાસન પર બિરાજશે, ત્યારે તેમની સાથે તમે મારા બાર શિષ્યો પણ બેસશો અને ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરશો. 29 વળી, જેમણે મારા નામને લીધે પોતાનું ઘર, ભાઈઓ, બહેનો, માતા, પિતા કે બાળકો કે ખેતરો મૂકી દીધાં હશે, તેમને સોગણું પાછું મળશે અને તેમને સાર્વકાલિક જીવન મળશે. 30 પણ ઘણા જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે, અને જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide