માથ્થી 18 - પવિત્ર બાઇબલ C.L.નમ્રતાનો નમૂનો ( માર્ક. 9:33-37 ; લૂક. 9:46-48 ) 1 આ સમયે શિષ્યો ઈસુની પાસે આવ્યા અને પૂછયું, ઈશ્વરના રાજમાં સૌથી મહાન કોણ છે? 2 ઈસુએ એક બાળકને બોલાવીને તેમની સમક્ષ ઊભું રાખીને કહ્યું, 3 હું તમને સાચે જ કહું છું: જ્યાં સુધી તમે બદલાઓ નહિ, અને બાળકોના જેવા બનો નહિ, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજમાં પ્રવેશ પામશો નહિ. 4 જે કોઈ પોતાને આ બાળકના જેવું નમ્ર બનાવે છે તે જ ઈશ્વરના રાજમાં મહાન છે. 5 વળી, જે કોઈ મારે નામે આવા બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે. પાપમાં પાડનાર પ્રલોભનો ( માર્ક. 9:42-48 ; લૂક. 17:1-2 ) 6 આ નાનાઓમાંના કોઈને મારા પરના વિશ્વાસમાંથી કોઈ ડગાવી દે તો તેને ગળે ઘંટીનો મોટો પથ્થર બંધાય અને તેને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દેવાય તે તેને માટે વધારે સારું છે. 7 કેટલીક વસ્તુઓ માણસોને પ્રલોભનમાં નાખનારી હોય છે. દુનિયાને માટે તે કેવી અફસોસની વાત છે! પ્રલોભન તો સદા આવ્યાં કરવાનાં, પણ જેની મારફતે તે આવે છે તેને અફસોસ! 8 જો તમારો હાથ કે પગ તમને મારા પરના વિશ્વાસથી ડગાવી દે તો તેને કાપી નાખીને ફેંકી દો! બે હાથ ને બે પગ સાથે સાર્વકાલિક અગ્નિમાં બળ્યા કરવું તેના કરતાં એક હાથ અને એક પગ લઈને જીવનમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે. 9 અને જો તમારી આંખ તમને મારા પરના વિશ્વાસથી ડગાવી દે તો તેને કાઢીને ફેંકી દો. બંને આંખ સાથે નર્કના અગ્નિમાં જવું તેના કરતાં એક આંખ લઈને જીવનમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે. ખોવાયેલા ઘેટાનું ઉદાહરણ ( લૂક. 15:3-7 ) 10 તમે આ નાનાઓમાંથી કોઈને તુચ્છ ગણવા વિષે સાવધ રહેજો! તેમના દિવ્ય દૂતો હંમેશાં આકાશમાંના મારા ઈશ્વરપિતાની રૂબરૂ સતત તહેનાતમાં હોય છે. 11 માનવપુત્ર ખોવાયેલાંઓને બચાવવા આવ્યો છે. 12 તમને શું લો છે? ધારો કે એક માણસ પાસે સો ઘેટાં છે અને તેમાંનું એક ખોવાઈ જાય તો તે શું કરશે? તે બાકીનાં નવ્વાણુંને ટેકરી પર ચરતાં મૂકીને પેલા ખોવાયેલાની તપાસ કરશે. 13 જ્યારે તે તેને મળશે ત્યારે નવ્વાણુંના કરતાં આ એક ખોવાયેલું ઘેટું પાછું મળ્યું છે એને લીધે તેને વધુ આનંદ થશે. 14 તે જ પ્રમાણે તમારા આકાશમાંના ઈશ્વરપિતા આ નાનાઓમાંથી એક પણ ખોવાઈ જાય તેવું ઇચ્છતા નથી. ભાઈ માટેની કાળજી 15 જો તારો ભાઈ તારી વિરુદ્ધ* પાપ કરે, તો તેની પાસે જા અને ખાનગીમાં તેને તેની ભૂલ સમજાવ. જો તે તારું માને તો તેં તારા ભાઈને પાછો જીતી લીધો છે. 16 પણ જો તે તારું સાંભળે જ નહિ, તો તારી સાથે બીજી એક કે બે વ્યક્તિને લઈને તેની પાસે જા. જેથી શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક આક્ષેપ બે કે ત્રણ વ્યક્તિની સાક્ષીથી પુરવાર થાય. 17 હવે જો તે તેમનું પણ ન માને તો એ વાત મંડળીને જણાવ અને ત્યાર પછી જો તે મંડળીનું પણ ન માને તો તેને વિધર્મી કે નાકાદાર જેવો ગણ. મનાઈ કે પરવાની? 18 હું તમને સાચે જ કહું છું: તમે પૃથ્વી પર જેને બાંધશો તે આકાશમાં બાંધી દેવાશે અને તમે પૃથ્વી પર જેને મુક્ત કરશો તે આકાશમાં મુક્ત કરવામાં આવશે. 19 વળી, હું તમને કહું છું કે પૃથ્વી પર તમારામાંના કોઈપણ બે એકમતે પ્રાર્થનાની વિનંતી કરશે તો તે પ્રમાણે આકાશમાંના મારા ઈશ્વરપિતા તમારે માટે કરશે. 20 કારણ, જ્યાં બે કે ત્રણ મારે નામે એકત્ર થાય છે ત્યાં હું તેમની વચમાં છું. ક્ષમાશીલતા 21 ત્યાર પછી પિતરે ઈસુની પાસે આવીને પૂછયું, પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કરે તો મારે તેને કેટલી વાર માફ કરવું? શું સાત વાર? 22 ઈસુએ જવાબ આપ્યો, ના, સાત વાર નહિ, પણ સિત્તેર ઘણી સાત વાર માફ કર. 23 કારણ, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક રાજા પોતાના સેવકોનો હિસાબ તપાસવા માંગતો હતો. 24 તેના એક સેવકને લાખોનું દેવું હતું. તેને રાજા સમક્ષ લાવવામાં આવ્યો. 25 હવે આ દેવાદાર સેવક પાસે તેનું દેવું ભરપાઈ કરવા માટે પૂરતા પૈસા ન હતા. આથી રાજાએ હુકમ કર્યો કે તું, તારી પત્ની, બાળકો તથા તારી પાસે જે કંઈ છે તે બધું લઈને ગુલામ તરીકે વેચાઈ જા અને તારું દેવું ભરી દે. 26 આ સેવક રાજા આગળ નમી પડયો અને કરગરવા લાગ્યો, ’મારા પર દયા રાખો ને હું તમારું બધું દેવું ભરી આપીશ.’ 27 રાજાને તેના પર દયા આવી, તેથી તેણે તેનું દેવું માફ કર્યું અને તેને છોડી મૂકવામાં આવ્યો. 28 આ માણસ બહાર જઈને તેના એક સાથી સેવકને મળ્યો. હવે તેની પાસે તે થોડા રૂપિયા માગતો હતો. તેણે તેને ગળેથી પકડયો ને મારવા લાગ્યો અને કહ્યું, ’મારા પૈસા આપી દે.’ 29 પેલો માણસ તેના પગે પડયો અને કરગરવા લાગ્યો, ’સાહેબ, જરા ધીરજ રાખો, હું તમારું બધું દેવું ભરી આપીશ.’ 30 પણ તેણે તેનું માન્યું નહિ અને ઉપરથી તેનું દેવું ન ભરે ત્યાં સુધી તેને જેલમાં પુરાવ્યો. 31 જે બન્યું તે બીજા સેવકોએ જોયું ને તેમને બહુ દુ:ખ થયું. તેમણે રાજા પાસે જઈને બધી હકીક્ત જણાવી દીધી. 32 રાજાએ પેલા સેવકને બોલાવ્યો અને કહ્યું, ’ઓ દુષ્ટ, તેં દયાની માગણી કરી તેથી તારું બધું જ દેવું મેં માફ કર્યું હતું. 33 તો મેં જેમ કર્યું તે જ પ્રમાણે તારે તારા સાથી સેવક પર દયા કરવાની જરૂર નહોતી?’ 34 રાજા તેના પર ઘણો ગુસ્સે થયો અને તે તેનું દેવું ભરે નહિ ત્યાં સુધી તેને રિબાવવા જેલમાં પુરાવ્યો. 35 ઈસુએ અંતમાં કહ્યું, તમારે પણ તમારા સાથીભાઈને ખરા હૃદયથી માફી આપવાની છે. જો તમે તેમ નહિ કરો તો આકાશમાંના મારા ઈશ્વરપિતા પણ તમારી સાથે એવી જ રીતે વર્તશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide