માથ્થી 15 - પવિત્ર બાઇબલ C.L.પૂર્વજોનું શિક્ષણ ( માર્ક. 7:1-13 ) 1 યરુશાલેમથી કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુની પાસે આવીને તેમને પૂછયું, 2 તમારા શિષ્યો આપણા પૂર્વજોની પ્રણાલિકાઓને કેમ આધીન થતા નથી? તેઓ ભોજન લેતા પહેલાં વિધિ પ્રમાણે હાથ ધોવાનો રિવાજ કેમ પાળતા નથી? 3 ઈસુએ જવાબ આપ્યો, તમારી પ્રણાલિકાઓ પાળવા માટે તમે ઈશ્વરની આજ્ઞા કેમ ઉથાપો છો? 4 કારણ, ઈશ્વરે કહ્યું છે, ’તારા માતાપિતાનું સન્માન કર.’ અને ’જો કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તો તે જાનથી માર્યો જાય.’ 5 પણ તમે કહો છો કે જો કોઈ માણસ પાસે પોતાના માતાપિતાને લાભ થાય તેવી કંઈ વસ્તુ હોય, અને જો એ માણસ તે વસ્તુ ઈશ્વરને અર્પણ કરી દે તો પછી તેણે તેના માતાપિતાનું સન્માન કરવાની જરૂર નથી. 6 આ રીતે તમારા પરંપરાત શિક્ષણને આધીન થતાં તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળવામાં નિષ્ફળ જાઓ છો. 7 ઓ દંભીઓ, તમારા વિષે યશાયાએ કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી છે! તેણે લખેલું છે, 8 ’આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ખરેખર દૂર છે. 9 તેઓ નિરર્થક મારી ભક્તિ કરે છે. કારણ, તેઓ માણસોએ ઘડેલા રિવાજો જાણે ઈશ્વરના નિયમો હોય તેમ શીખવે છે.’ માણસને અશુદ્ધ કરનારી બાબતો ( માર્ક. 7:14-23 ) 10 ત્યાર પછી ઈસુએ જનસમુદાયને પોતાની પાસે બોલાવીને કહ્યું, સાંભળો અને સમજો! 11 માણસના મુખમાં જે જાય છે તે નહિ, પણ તેમાંથી જે બહાર નીકળે છે તે જ તેને અશુદ્ધ બનાવે છે. 12 ત્યાર પછી શિષ્યોએ આવીને ઈસુને કહ્યું, તમે જે કહ્યું તેથી ફરોશીઓની લાગણી દુભાઈ છે તેની તમને ખબર છે? 13 ઈસુએ જવાબ આપ્યો, જે કોઈ છોડ મારા આકાશમાંના ઈશ્વરપિતાએ વાવ્યો નથી તે દરેકને ઉખેડી નાખવામાં આવશે. 14 તેમનાથી ગભરાશો નહિ.તેઓ આંધળા આગેવાનો છે અને એક આંધળો બીજા આંધળાને દોરે ત્યારે બંને ખાડામાં પડે છે. 15 પિતર બોલી ઊઠયો, પેલા ઉદાહરણનો અર્થ અમને સમજાવો. 16 ઈસુએ તેમને કહ્યું, બીજાની જેમ તમને હજુ પણ સમજણ પડતી નથી! 17 જે કંઈ મુખમાં જાય છે તે પેટમાં જાય છે અને પછી મળરૂપે બહાર નીકળી જાય છે. 18 પણ જે કંઈ મુખમાંથી બહાર આવે છે તે હૃદયમાંથી નીકળે છે અને તે માનવીને અશુદ્ધ બનાવે છે. 19 કારણ, હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી, હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે. 20 આ બાબતો માનવીને અશુદ્ધ બનાવે છે. પણ હાથ ધોયા વગર ખાવાથી માણસ અશુદ્ધ થઈ જતો નથી. બિનયહૂદી સ્ત્રીનો વિશ્વાસ ( માર્ક. 7:24-30 ) 21 ઈસુ ત્યાંથી નીકળીને તૂર અને સિદોનના દેશમાં ગયા. 22 એક કનાની સ્ત્રી એ દેશમાં રહેતી હતી. તેણે ઈસુની પાસે આવીને બૂમ પાડી, ઓ પ્રભુ! દાવિદના પુત્ર! મારા પર દયા કરો! મારી પુત્રીને અશુદ્ધ આત્મા વળેલો છે અને તેની સ્થિતિ ઘણી ગંભીર છે. 23 પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ. તેમના શિષ્યોએ આવીને આજીજી કરી, તેને વિદાય કરો કે જેથી તે આપણી પાછળ બૂમ પાડતી ફરે નહિ. 24 ઈસુએ જવાબ આપ્યો, મને તો માત્ર ઇઝરાયલનાં ખોવાયેલાં ઘેટાં પાસે જ મોકલવામાં આવ્યો છે. 25 એ જ વખતે તે સ્ત્રી ઈસુનાં ચરણો આગળ નમી પડી અને તેણે કહ્યું, પ્રભુ, મને મદદ કરો. 26 ઈસુએ જવાબ આપ્યો, છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે વાજબી નથી. 27 સ્ત્રીએ જવાબ આપ્યો, પ્રભુ, તમારી વાત સાચી, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકના મેજ પરથી પડેલા ટુકડા ખાય છે. 28 તેથી ઈસુએ જવાબ આપ્યો, બાઈ, તારો વિશ્વાસ ઘણો મહાન છે! તારી માગણી પૂર્ણ થાઓ. અને તે જ ક્ષણે તેની દીકરી સાજી થઈ. માંદગીનો ઈલાજ 29 ઈસુ તે સ્થળ છોડીને ગાલીલ સરોવરને કિનારે ગયા. 30 તે એક ટેકરી પર ચઢીને બેઠા. ઘણા લોકો તેમની પાસે લૂલાં, આંધળાં, મૂગાં, અપંગ અને એવા બીજાં ઘણા માંદાંઓને લઈને આવ્યા. તેઓ તેમને ઈસુના ચરણો આગળ લાવ્યા. ઈસુએ તેમને સાજાં કર્યાં. 31 જ્યારે મૂગાં બોલવા લાગ્યાં, લૂલાં સાજાં થયાં, અપંગ ચાલવા લાગ્યાં, અને આંધળાંઓ દેખતાં થયાં ત્યારે લોકોએ આશ્ચર્યચકિત થઈને ઇઝરાયલના ઈશ્વરની સ્તુતિ કરી. સાત રોટલી અને થોડી માછલી ( માર્ક. 8:1-10 ) 32 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, આ લોકો પર મને દયા આવે છે. કારણ, તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેમની પાસે કંઈ ખોરાક નથી. મારે તેમને ભૂખ્યા વિદાય કરવા નથી. કારણ, કદાચ તેઓ રસ્તામાં નિર્ગત થઈ જાય. 33 શિષ્યોએ કહ્યું, આટલા બધાને માટે આ વેરાન દેશમાં ખોરાક ક્યાંથી લાવીએ? 34 ઈસુએ પૂછયું, તમારી પાસે કેટલી રોટલી છે? તેમણે જવાબ આપ્યો, સાત. વળી, થોડી નાની માછલીઓ પણ છે. 35 ઈસુએ લોકોને જમીન પર બેસી જવા આજ્ઞા કરી. 36 ત્યાર પછી તેમણે સાત રોટલી અને માછલી લીધી, ઈશ્વરની આભારસ્તુતિ કરી અને તેને ભાંગીને શિષ્યોને આપી. શિષ્યોએ તે લોકોને આપી. બધાએ ધરાઈને ખાધું. 37 જે વધ્યું તેની શિષ્યોએ સાત ટોપલીઓ ભરી. 38 સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જમનારામાં ચાર હજાર પુરુષો હતા. 39 ત્યાર પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને હોડીમાં બેસીને તે મગદાનના દેશમાં આવી પહોંચ્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide