માથ્થી 14 - પવિત્ર બાઇબલ C.L.બાપ્તિસ્મા કરનાર યોહાનની શહાદત ( માર્ક. 6:14-29 ; લૂક. 9:7-8 ) 1 એ જ સમયે ગાલીલના શાસક હેરોદે ઈસુ વિષે સાંભળ્યું. 2 તેણે પોતાના અધિકારીઓને કહ્યું, આ તો બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે પાછો સજીવન થયો છે એટલે જ તેનામાં અદ્ભૂત કામો કરવાનું સામર્થ્ય છે. 3 વાત એમ હતી કે, હેરોદે યોહાનની ધરપકડ કરાવીને તેને જેલમાં પૂર્યો હતો. તેણે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને લીધે આમ કર્યું હતું. 4 બાપ્તિસ્મા કરનાર યોહાને હેરોદને કહ્યું હતું કે તેની સાથે લગ્ન કરવું તે તારે માટે યોગ્ય નથી. 5 હેરોદ યોહાનને મારી નંખાવવા માગતો હતો, પણ યહૂદી લોકોની તેને બીક લાગતી હતી. કારણ, તેઓ યોહાનને ઈશ્વરનો સંદેશવાહક માનતા હતા. 6 હેરોદનો જન્મદિવસ આવ્યો. એકત્રિત થયેલા લોકો સમક્ષ હેરોદિયાસની દીકરીએ નૃત્ય કર્યું. હેરોદ ખૂબ પ્રસન્ન થઈ ગયો. 7 તેણે તે છોકરીને વચન આપ્યું કે તું જે કંઈ માગીશ તે હું તને આપીશ. 8 પોતાની માતાની શિખવણીથી છોકરીએ બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું થાળમાં આપવા માગણી કરી. 9 રાજા ઘણો દુ:ખી થયો. પણ મહેમાનોની સમક્ષ આપેલા વચનને કારણે તેણે દીકરીની માગણી પૂર્ણ કરવા હુકમો આપ્યા. 10 આમ જેલમાં યોહાનનો શિરચ્છેદ કરવામાં આવ્યો. 11 થાળમાં માથું લાવવામાં આવ્યું અને છોકરીને આપવામાં આવ્યું. તે તેને પોતાની માતા પાસે લઈ ગઈ. 12 ત્યાર પછી યોહાનના શિષ્યો આવ્યા અને તેનું શબ લઈ જઈને દફનાવ્યું, અને પછી ઈસુને તે વિષે ખબર આપી. પાંચ રોટલી, બે માછલી ( માર્ક. 6:30-44 ; લૂક. 9:10-17 ; યોહા. 6:1-14 ) 13 એ સમાચાર જાણ્યા પછી ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત સ્થળે ચાલ્યા ગયા. લોકોને તેની ખબર પડી એટલે નગરોમાંથી તેમની પાછળ જમીન માર્ગે પહોંચી ગયા. 14 ઈસુ હોડીમાંથી બહાર આવ્યા ત્યારે લોકોનો મોટો સમુદાય જોઈને તેમને અનુકંપા આવી. તેમણે તેમાંનાં માંદાંઓને સાજાં કર્યાં. 15 તે સાંજે તેમના શિષ્યોએ તેમને કહ્યું, બહુ મોડું થઈ ગયું છે અને આ તો વડો છે. લોકોને વિદાય કરો કે તેઓ નજીકનાં ગામડાંઓમાં જાય અને પોતાને માટે ખોરાક ખરીદે. 16 ઈસુએ કહ્યું, તેમને જવાની જરૂર નથી. તમે જ તેમને ખોરાક આપો. 17 તેમણે જવાબ આપ્યો, અમારી પાસે તો ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે. 18 ઈસુએ કહ્યું, મારી પાસે લાવો. 19 પછી તેમણે લોકોને ઘાસ પર બેસી જવાનો હુકમ કર્યો. તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ દૃષ્ટિ કરીને ઈશ્વરની આશિષ માગી, અને રોટલી ભાંગીને શિષ્યોને આપી. શિષ્યોએ તે લોકોને આપી. દરેકે ધરાઈને ખાધું. 20 જે કકડા વધ્યા હતા તેનાથી શિષ્યોએ બાર ટોપલી ભરી. 21 સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જમનારામાં આશરે પાંચ હજાર પુરુષો હતા. ઈસુ પાણી પર ચાલે છે ( માર્ક. 6:45-52 ; યોહા. 6:15-21 ) 22 તરત ઈસુએ શિષ્યોને હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે જવાની આજ્ઞા આપી, જ્યારે લોકોને તેમણે વિદાય કર્યા. 23 લોકોને વિદાય કર્યા પછી પોતે પ્રાર્થના કરવા માટે એક ટેકરી પર ગયા. સાંજ પડી ત્યારે તે ત્યાં એકલા હતા. 24 આ સમયે હોડી સરોવરમાં ઘણે દૂર હતી અને તેમાં મોજાં ભરાતાં હતાં. કારણ, પવન સામો હતો. 25 સવારના ત્રણથી છ વાગ્યાના સમયમાં ઈસુ પાણી પર ચાલીને શિષ્યોની પાસે ગયા. 26 તેમને પાણી પર ચાલતા જોઈને શિષ્યો ગભરાઈને બોલી ઊઠયા, એ તો ભૂત છે! 27 ઈસુએ કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ. 28 પિતરે કહ્યું, પ્રભુ, એ જો તમે જ હો, તો મને તમારી પાસે આવવાનો હુકમ આપો. 29 ઈસુએ જવાબ આપ્યો, આવ. તેથી પિતર હોડીમાંથી નીકળીને પાણી પર ચાલીને ઈસુ પાસે જવા લાગ્યો. 30 પણ પવન સામો જોઈને તે ભરાયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. તેણે બૂમ પાડી, પ્રભુ, મને બચાવો. 31 ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, ઓ અલ્પવિશ્વાસી, તું કેમ શંકા લાવ્યો? 32 તેઓ બંને હોડીમાં ચડી ગયા અને પવન બંધ થયો. 33 શિષ્યોએ હોડીમાં ઈસુનું ભજન કર્યું અને કહ્યું, ખરેખર, તમે ઈશ્વરપુત્ર છો. ગેન્નેસારેતમાં માંદાઓ સાજા થયા ( માર્ક. 6:53-56 ) 34 તેઓ સરોવરને સામે કિનારે ગેન્નેસારેતના દેશમાં આવ્યા. ત્યાં લોકોએ ઈસુને ઓળખી કાઢયા. 35 તેથી તેઓ આસપાસના દેશના બીમારોને ઈસુની પાસે લાવ્યા. 36 ઈસુ બીમારોને માત્ર પોતાના ઝભ્ભાની કોરનો સ્પર્શ કરવા દે તેવી તેમણે વિનંતી કરી. જેટલાએ સ્પર્શ કર્યો તેટલા બધા સાજા થયા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide