Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 12 - પવિત્ર બાઇબલ C.L.


વિશ્રામવારના પાલન વિષે પ્રશ્ર્ન
( માર્ક. 2:23-28 ; લૂક. 6:1-5 )

1 ત્યાર પછી ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરમાં થઈને જતા હતા. તેમના શિષ્યોને ભૂખ લાગી હતી. આથી તેઓ ડૂંડા તોડીને તેમાંના દાણા ખાવા લાગ્યા.

2 એ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું, જુઓ, તમારા શિષ્યો આપણા નિયમશાસ્ત્રના શિક્ષણ વિરુદ્ધ જઈને જે કાર્ય વિશ્રામવારે કરવું ઉચિત નથી તે કરી રહ્યા છે!

3 ઈસુએ જવાબ આપ્યો, જ્યારે દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા, ત્યારે તેમણે શું કર્યું હતું તે તમે કદી વાંચ્યું નથી?

4 તે ઈશ્વરના મંદિરમાં ગયો અને ઈશ્વરને અર્પિત કરેલી રોટલી ખાધી. આ રોટલી યજ્ઞકાર સિવાય બીજું કોઈ ખાઈ શકે નહિ તેવું નિયમશાસ્ત્ર શીખવે છે.

5 અથવા, મોશેના નિયમશાસ્ત્રમાં તમે નથી વાંચ્યું કે વિશ્રામવારે મંદિરમાં યજ્ઞકાર વિશ્રામવાર એંના નિયમનો ભંગ કરે છતાં તે નિર્દોષ છે?

6 હું તમને કહું છું કે અહીં મંદિર કરતાં પણ વિશેષ મહાન વ્યક્તિ છે.

7 શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ એનો શો અર્થ થાય એ તમે ખરેખર જાણતા હોત તો પછી તમે નિર્દોષને દોષિત ઠરાવત નહિ.

8 કારણ, માનવપુત્ર વિશ્રામવાર પર પણ પ્રભુત્વ ધરાવે છે.


સુકાઈ ગયેલા હાથવાળો માણસ
( માર્ક. 3:1-6 ; લૂક. 6:6-11 )

9 ઈસુ તે સ્થળ મૂકીને યહૂદીઓના એક ભજનસ્થાનમાં ગયા. ત્યાં સુકાઈ ગયેલા હાથવાળો એક માણસ હતો.

10 ઈસુ કંઈક ખોટું કરે તો તેમને દોષિત ઠરાવવા તેમણે ઈસુને પૂછયું, આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે કોઈને સાજો કરવાની છૂટ છે?

11 ઈસુએ જવાબ આપ્યો, ધારો કે તમારી પાસે એક ઘેટું હોય અને વિશ્રામવારે તે ઊંડા ખાડામાં પડી જાય, તો શું તમે તેને તેમાંથી બહાર નહીં કાઢો?

12 વળી, માણસ તો ઘેટા કરતાં ઘણો વધારે મૂલ્યવાન છે. આમ, આપણા નિયમશાસ્ત્ર અનુસાર વિશ્રામવારે બીજાને મદદ કરવી યોગ્ય છે.

13 ત્યાર પછી તેમણે પેલા માણસને કહ્યું, તારો હાથ લાંબો કર. તેણે પોતાનો હાથ લાંબો કર્યો અને તેનો તે હાથ બીજા હાથ જેવો જ સાજો થઈ ગયો.

14 ફરોશીઓ ચાલ્યા ગયા અને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડી કાઢયું.


ઈશ્વરનો મનપસંદ સેવક

15 પણ એ જાણીને ઈસુ તે સ્થળ મૂકીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. ઘણા લોકો તેમની પાછળ ગયા.

16 તેમણે બધા માંદાંઓને સાજાં કર્યાં, અને તેમને વિષે બીજાઓને નહિ જણાવવા હુકમ કર્યો;

17 જેથી ઈશ્વરે યશાયા સંદેશવાહક મારફતે જે કહેલું તે પરિપૂર્ણ થાય:

18 આ મારો પસંદ કરેલો સેવક છે તેના પર મેં પ્રેમ કર્યો છે, અને હું તેના પર પ્રસન્‍ન છું. હું તેનામાં મારો આત્મા મૂકીશ, અને તે બધી જાઓની સમક્ષ મારું ન્યાયશાસન જાહેર કરશે.

19 તે વાદવિવાદ કરશે નહિ, ઘાંટા પાડશે નહિ, અને જાહેરમાં કોઈ તેનો સાદ સાંભળશે નહિ.

20 ન્યાયને વિજયવંત બનાવતાં સુધી તે બરૂની છુંદાયેલી સળીને ભાંગી નાખશે નહિ, અથવા ધૂમાતી દીવેટને હોલવી નાખશે નહિ.

21 બધી પ્રજાઓ તેના નામ પર આશા રાખશે.


ઈસુ અને બાલઝબૂલ
( માર્ક. 3:20-30 ; લૂક. 11:14-23 )

22 ત્યાર પછી કેટલાક લોકો એક માણસને ઈસુ પાસે લાવ્યા. તે આંધળો હતો અને તેને અશુદ્ધ આત્મા વળેલો હોવાથી તે બોલી શક્તો ન હતો. ઈસુએ તેને સાજો કર્યો. તેથી તે બોલવા અને જોવા લાગ્યો.

23 લોકોએ આશ્ચર્યચકિત થઈને એકબીજાને કહ્યું, શું તે દાવિદનો પુત્ર છે?

24 એ સાંભળીને ફરોશીઓએ લોકોને જવાબ આપ્યો, આ માણસ તો દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને હાંકી કાઢે છે.

25 તેઓ શો વિચાર કરતા હતા તે ઈસુ જાણતા હતા. તેથી તેમણે તેમને કહ્યું, કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે ઝાઝું ટકતું નથી. એ જ પ્રમાણે કોઈ શહેર કે કુટુંબમાં જૂથ પડી જાય અને અરસપરસ લડવા માંડે તો નક્કી તેનું પતન થાય છે.

26 તેથી શેતાનનું રાજ અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ ગયું હોય, તો તેનું જલદીથી પતન થશે.

27 તમે એમ કહો છો કે બાલઝબૂલે આપેલા અધિકારથી હું દુષ્ટાત્માઓને હાંકી કાઢું છું, તો તમારા અનુયાયીઓ કોના અધિકારથી દુષ્ટાત્માઓને હાંકી કાઢે છે? તમે જુઠ્ઠા છો એવું તમારા અનુયાયીઓ જ સાબિત કરે છે.

28 હું તો ઈશ્વરના આત્માના અધિકારથી દુષ્ટાત્માઓને હાંકી કાઢું છું, અને એથી પુરવાર થાય છે કે ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોંચ્યું છે.

29 બળવાન માણસના ઘરમાં જઈને કોઈ તેને લૂંટી શકતું નથી. તેમ કરતાં પહેલાં તેણે પેલા બળવાન માણસને બાંધી દેવો પડે છે, અને ત્યાર પછી જ તે લૂંટ ચલાવી શકે છે.

30 જે મારા પક્ષનો નથી તે સાચે જ મારી વિરુદ્ધમાં છે. જે મારી સાથે સંગ્રહ કરતો નથી, તે તેને વિખેરી નાખે છે.

31 તેથી હું તમને કહું છું: કોઈ પણ પાપ અને ઈશ્વરનિંદાની માણસને માફી મળશે, પણ પવિત્ર આત્મા વિરુદ્ધ કરેલી નિંદાની માફી મળશે નહિ.

32 જો કોઈ માનવપુત્રની નિંદા કરે તો તેને માફી મળી શકશે, પણ જો કોઈ પવિત્ર આત્માની નિંદા કરે તો તેને વર્તમાનમાં કે આવનાર યુગમાં તેની માફી કદી મળશે નહિ.


જેવું વૃક્ષ તેવું ફળ
( લૂક. 6:43-45 )

33 સારું ફળ મેળવવા માટે વૃક્ષ સારું હોવું જોઈએ. જો વૃક્ષ ખરાબ હોય તો તેનું ફળ ખરાબ આવશે. કારણ, ફળની જાત પરથી વૃક્ષ કેવું છે તેની ખબર પડે છે.

34 ઓ સર્પોના વંશજો, તમે તો ભૂંડા છો, પછી તમે કેવી રીતે સારી વાત કરી શકો? કારણ, જે મનમાં છે તે જ મુખ બોલે છે.

35 સારો માણસ પોતાના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ બહાર લાવે છે, પણ દુષ્ટ માણસ પોતાના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ બહાર લાવે છે.

36 હું તમને કહું છું: ન્યાયને દિવસે પ્રત્યેક નકામા શબ્દનો તમારે જવાબ આપવો પડશે.

37 કારણ, તમારા શબ્દો પ્રમાણે જ તમારો ન્યાય થશે, અને તેમના ઉપરથી જ તમે નિર્દોષ કે દોષિત જાહેર કરાશો.


નિશાનીની માગણી
( માર્ક. 8:11-12 ; લૂક. 11:29-32 )

38 ત્યાર પછી નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો અને ફરોશીઓએ કહ્યું, ગુરુજી, તમે પુરાવા તરીકે કોઈ ચમત્કાર કરો એવી અમારી માગણી છે.

39 ઈસુએ જવાબ આપ્યો, આ જમાનાના લોકો કેવા દુષ્ટ અને નિષ્ઠાહીન છે! તમે મારી પાસે નિશાની માગો છો? તમને તો સંદેશવાહક યોનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની આપવામાં આવશે નહિ.

40 જેમ યોના મોટી માછલીના પેટમાં ત્રણ રાતદિવસ રહ્યો, તેમ માનવપુત્ર પણ પૃથ્વીના ઊંડાણમાં ત્રણ રાતદિવસ રહેશે.

41 ન્યાયને દિવસે નિનવેહના લોકો તમને દોષિત ઠરાવશે. કારણ, યોનાનો ઉપદેશ સાંભળીને તેઓ પોતાનાં પાપથી પાછા ફર્યા હતા. પણ અહીં યોના કરતાં પણ મહાન એવો એક છે.

42 ન્યાયને દિવસે દક્ષિણની રાણી તમને દોષિત ઠરાવશે. કારણ, શલોમોનની જ્ઞાનવાણી સાંભળવા તે ઘણે દૂરથી આવી હતી. પણ હું તમને કહું છું કે અહીં શલોમોન કરતાં પણ મહાન એવો એક છે.


અશુદ્ધ આત્માનું પુનરામન
( લૂક. 11:24-26 )

43 જ્યારે કોઈ માણસમાંથી અશુદ્ધ આત્મા બહાર નીકળી જાય છે, ત્યારે તે વેરાન દેશમાં આરામનું સ્થળ શોધતો ફરે છે. પણ જ્યારે તેને એવું કોઈ સ્થળ મળતું નથી,

44 ત્યારે તે કહે છે, ’મેં જે ઘર ત્યજી દીધું હતું ત્યાં જ હું પાછો જઈશ.’ જ્યારે તે પાછો આવે છે, ત્યારે ઘર ખાલી, સાફસૂફ કરેલું અને વ્યવસ્થિત હોય છે.

45 તેથી તે બહાર જાય છે અને પોતાના કરતાં પણ વધારે ભૂંડા એવા બીજા સાત આત્માઓને પોતાની સાથે લાવે છે અને તેઓ ત્યાં પ્રવેશીને વસવાટ કરે છે. તેથી પેલા માણસની છેલ્લી સ્થિતિ પહેલાંના કરતાં વધારે કફોડી થાય છે. આ જમાનાના દુષ્ટ લોકોની પણ એવી જ દશા થશે.


ઈસુની માતા અને ભાઈઓ
( માર્ક. 3:31-35 ; લૂક. 8:19-21 )

46 ઈસુ લોકોને સંબોધતા હતા ત્યારે તેમનાં મા અને ભાઈઓ તેમની સાથે વાત કરવા બહાર રાહ જોતાં ઊભાં હતાં.

47 આસપાસ બેઠેલા લોકોમાંથી કોઈએ ઈસુને કહ્યું, તમારાં મા અને ભાઈઓ બહાર તમારી રાહ જુએ છે અને તમારી સાથે વાત કરવા માગે છે.

48 ઈસુએ જવાબ આપ્યો, મારાં મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?

49 પછી પોતાના શિષ્યો તરફ ફરીને કહ્યું, જુઓ, આ રહ્યાં મારાં મા અને ભાઈઓ!

50 જે કોઈ મારા આકાશમાંના ઈશ્વરપિતાની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે, તે જ મારો ભાઈ, મારી બહેન કે મારાં મા છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan