Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 11 - પવિત્ર બાઇબલ C.L.


બાપ્તિસ્મા કરનાર યોહાનના સંદેશકો
( લૂક. 7:18-35 )

1 ઈસુએ બાર પ્રેષિતોને સૂચનાઓ આપવાનું પૂરું કર્યું અને તે સ્થળ મૂકીને તેઓ આસપાસનાં શહેરોમાં શિક્ષણ આપતા અને ઉપદેશ કરતા ફર્યા.

2 બાપ્તિસ્મા કરનાર યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો વિષે સાંભળ્યું. તેથી તેણે તેના કેટલાક શિષ્યોને ઈસુ પાસે પૂછવા મોકલ્યા.

3 તેમણે ઈસુને પૂછયું, આવનાર મસીહ તે તમે જ છો કે પછી અમે બીજા કોઈના આવવાની રાહ જોઈએ?

4 ઈસુએ જવાબ આપ્યો, તમે જે સાંભળો તથા જુઓ, તે પાછા જઈને યોહાનને જણાવો.

5 આંધળા દેખતા થાય છે, લંગંડા ચાલતા થાય છે, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મરણ પામેલાઓને સજીવન કરવામાં આવે છે અને દીનજનોને શુભસંદેશપ્રગટ કરવામાં આવે છે.

6 મારા વિષે જેને કંઈ શંકા નથી તેને ધન્ય છે!

7 યોહાનના શિષ્યો પાછા ફરી રહ્યા હતા ત્યારે યોહાન સંબંધી ઈસુએ જનસમુદાયને પૂછયું, તમે યોહાનની પાસે વેરાન દેશમાં ગયા, ત્યારે શું જોવાની અપેક્ષા રાખી હતી? પવનથી હાલતું ઘાસનું તરણું?

8 તમે શું જોવા ગયા હતા? મુલાયમ વસ્ત્રોમાં સજ્જ થયેલો માણસ? એવાં વસ્ત્રો પહેરનારા તો રાજમહેલમાં રહે છે.

9 તો તમે શું જોવા ગયા હતા? કોઈ સંદેશવાહક? હા, હું તમને કહું છું કે તમે સંદેશવાહક કરતાં પણ મહાન એવી વ્યક્તિને જોવાને ગયા હતા.

10 કારણ, યોહાન વિષે શાસ્ત્રમાં લખેલું છે, ’ઈશ્વર કહે છે કે તારે માટે માર્ગ તૈયાર કરવાને હું તારી પહેલાં મારા સંદેશવાહકને મોકલું છું. એ તારી આગળ જઈને તારો માર્ગ તૈયાર કરશે.’

11 હું સાચે જ કહું છું; દુનિયામાં થઈ ગયેલા બધા માણસો કરતાં બાપ્તિસ્મા કરનાર યોહાન મહાન છે, પણ ઈશ્વરના રાજમાં જે સૌથી નાનો છે, તે યોહાન કરતાં મહાન છે.

12 યોહાને તેનો સંદેશ પ્રગટ કરવાની શરૂઆત કરી ત્યારથી આજ સુધી તો ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહી છે અને બળજબરી કરનારાઓ તેનો કબજો લઈ રહ્યા છે.

13 સંદેશવાહકોએ અને મોશેના નિયમશાસ્ત્રે યોહાનના સમય સુધી ઈશ્વરનો સંદેશો આપ્યો હતો.

14 અને તમે તે સંદેશ સ્વીકારતા હો તો યોહાન એ જ આવનાર એલિયા છે કે જેના આગમન વિષે અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી.

15 જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો.

16 આ જમાનાના લોકોને હું કોની સાથે સરખાવું? તેઓ તો ચોકમાં બેઠેલાં બાળકો જેવા છે. એક જૂથ બીજાને પડકાર ફેંકે છે,

17 ’અમે તમારે માટે લગ્નનું સંગીત વગાડયું, પણ તમે નાચ કર્યો નહિ! અમે મૃત્યુગીત ગાયાં, પણ તમે રુદન કર્યું નહિ!’

18 યોહાન આવ્યો અને તેણે ઉપવાસ કર્યા, અને દ્રાક્ષાસવ પીધો નહિ; છતાં બધાએ કહ્યું, ’તેનામાં ભૂત છે.’

19 જ્યારે માનવપુત્ર આવ્યો, ત્યારે તેણે ખાધું તથા પીધું અને બધાએ તેને વિષે કહ્યું, ’આ માણસ તરફ જુઓ. તે તો ખાઉધરો અને દારૂડિયો છે! નાકાદારો અને સમાજમાંથી બહિકૃત થયેલાઓનો મિત્ર છે!’ ઈશ્વરનું જ્ઞાન સાચું છે તે પરિણામથી પરખાય છે.


અવિશ્વાસુ શહેરો
( લૂક. 10:13-15 )

20 ત્યાર પછી ઈસુ જ્યાં તેમણે તેમના મોટા ભાગના ચમત્કારો કર્યા હતા તેવાં શહેરો તરફ ગયા. કારણ, ત્યાંના લોકો હજુ પોતાનાં પાપથી પાછા ફર્યા ન હતા.

21 ઈસુએ કહ્યું, હાય રે, ખોરાજીન, હાય હાય! હાય રે, બેથસાઈદા, હાય હાય! તમારામાં જે અદ્‌ભૂત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરવામાં આવ્યાં હોત, તો ત્યાંના લોકોએ ટાટ પહેરીને અને રાખ લાવીને પોતે પાપથી પાછા ફર્યા છે તેમ બતાવ્યું હોત.

22 હું તમને કહું છું: ન્યાયના દિવસે તમારા કરતાં તૂર અને સિદોનના લોકોની દશા વધુ સારી હશે. અને ઓ કાપરનાહુમ, તારે તો આકાશ સુધી ઊંચા થવું હતું ને? તને તો ઊંડાણમાં નાખી દેવામાં આવશે.

23 જે અદ્‌ભૂત કાર્યો કાપરનાહુમમાં કરવામાં આવ્યાં, તે જો સદોમમાં કરવામાં આવ્યાં હોત, તો આજે પણ તેની હયાતી રહી હોત.

24 હું તમને કહું છું: ન્યાયને દિવસે તેનાં કરતાં સદોમની દશા વધુ સારી હશે.


ગુપ્ત સત્યનું કટીકરણ
( લૂક. 10:21-22 )

25 આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.

26 પિતાજી, તમને એ ગમ્યું છે.

27 મારા પિતાએ મને બધું સોંપ્યું છે. ઈશ્વરપુત્રને ઈશ્વરપિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતાને પુત્ર અને પુત્ર જેમની સમક્ષ પિતાને પ્રગટ કરે તે સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.

28 ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો, અને હું તમને આરામ આપીશ.

29 મારી ઝૂંસરી ઉપાડો અને મારી પાસેથી શીખો. કારણ, હું હૃદયનો દીન અને નમ્ર છું, અને તમારા જીવને આરામ મળશે.

30 મારી ઝૂંસરી ઊંચકવામાં સહેલી છે, અને મારો બોજ હળવો છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan