Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 10 - પવિત્ર બાઇબલ C.L.


બાર પ્રેષિતોની પસંદગી
( માર્ક. 3:13-19 ; લૂક. 6:12-16 )

1 ઈસુએ પોતાના બાર શિષ્યોને બોલાવ્યા અને તેમને અશુદ્ધ આત્માઓ કાઢવાનો અને બધા પ્રકારનાં દર્દ તથા માંદગીથી પીડાતા માણસોને સાજા કરવાનો અધિકાર આપ્યો.

2 બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે: પ્રથમ સિમોન પિતર અને તેનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો પુત્ર યાકોબ અને તેનો ભાઈ યોહાન.

3 ફિલિપ અને બારથોલમી, થોમા અને માથ્થી નાકાદાર, આલ્ફીનો પુત્ર યાકોબ અને થાદી,

4 સિમોન ધર્માવેશી અને ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઈશ્કારિયોત.


પ્રેષિતોનું સેવાકાર્ય
( માર્ક. 6:7-13 ; લૂક. 9:1-6 )

5 ઈસુએ આ બાર પ્રેષિતોને આવી સૂચનાઓ આપી મોકલ્યા: કોઈ બિનયહૂદી દેશમાં કે સમરૂનનાં નગરોમાં જશો નહિ.

6 એને બદલે, ઇઝરાયલના લોકો જે ખોવાઈ ગયેલાં ઘેટાં જેવા છે તેમની પાસે જાઓ;

7 જઈને આ પ્રમાણે ઘોષણા કરો, ’ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે.’

8 માંદાંઓને સાજાં કરો, મરેલાંઓને સજીવન કરો, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરો અને અશુદ્ધ આત્માઓને હાંકી કાઢો. તમને એ દાન મફત મળેલાં છે; તેથી મફત આપો.

9 તમારા પાકીટમાં સોનારૂપાના કે તાંબાના સિક્કા ન રાખો.

10 મુસાફરીને માટે થેલી ન રાખો; વધારાનું ખમીસ, ચંપલ કે લાકડી ન લો. કામ કરનાર પાલનપોષણને યોગ્ય છે.

11 જ્યારે તમે કોઈ શહેર કે ગામડામાં પ્રવેશ કરો ત્યારે જે કોઈ તમારો આવકાર કરવા તૈયાર હોય તેની શોધ કરો. તે સ્થળ મૂકીને બીજે જાઓ ત્યાં સુધી તેના ઘેર જ રહો.

12 જ્યારે તમે ઘરમાં જાઓ ત્યારે કહો, ’તમને શાંતિ થાઓ.’

13 જો તે ઘરના લોકો શાંતિચાહક હોય, તો તમારી શાંતિની શુભેચ્છા તેમની સાથે રહેશે. પણ જો તેઓ શાંતિપાત્ર ન હોય, તો તમારી શાંતિની શુભેચ્છા પાછી આવશે.

14 જો કોઈ ઘર કે નગર તમારો આવકાર ન કરે, અથવા તમારું ન સાંભળે, તો તે સ્થળ મૂકીને બીજે જાઓ અને તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખો.

15 હું તમને સાચે જ કહું છું: ન્યાયને દિવસે એ લોકો કરતાં સદોમ અને મોરાના લોકોની દશા વધુ સારી હશે!


આવનાર સતાવણીઓ
( માર્ક. 13:9-13 ; લૂક. 21:12-17 )

16 જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.

17 સાવધ રહેજો, કારણ, કેટલાક માણસો તમારી ધરપકડ કરશે, તમને કોર્ટમાં લઈ જશે અને તેમનાં ભજનસ્થાનમાં તમને ચાબખા મારશે.

18 મારે લીધે તમને શાસકો અને રાજાઓની સમક્ષ સજાને માટે લઈ જવામાં આવશે અને તેમને તથા બિનયહૂદીઓને શુભસંદેશ જણાવવાને કારણે એવું બનશે.

19 જ્યારે તમારો ન્યાય કરવામાં આવે ત્યારે શું બોલવું અથવા કેવી રીતે બોલવું તે સંબંધી ચિંતા ન કરો. તમારે જે કહેવાનું છે તે તે જ સમયે તમને આપવામાં આવશે.

20 કારણ, જે શબ્દો તમે બોલશો તે તમારા પોતાના નહિ હોય, પણ તમારા ઈશ્વરપિતાનો પવિત્ર આત્મા તમારા દ્વારા બોલશે.

21 ભાઈ ભાઈને અને પિતા સંતાનને મોતની સજા માટે પકડાવી દેશે. બાળકો પોતાનાં માતાપિતાની વિરુદ્ધ થઈ જશે અને તેમને મારી નંખાવશે.

22 મારે લીધે બધા તમારો તિરસ્કાર કરશે. પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે.

23 જ્યારે એક નગરમાં તમારી સતાવણી થાય, ત્યારે બીજામાં નાસી જાઓ. હું તમને સાચે જ કહું છું: ’માનવપુત્રનું આગમન થાય તે પહેલાં ઇઝરાયલનાં બધાં નગરોમાં તમે તમારું સેવાકાર્ય પૂર્ણ કરી શકશો નહિ.’

24 કોઈ શિષ્ય પોતાના ગુરુ કરતાં ચઢિયાતો નથી. કોઈ નોકર પોતાના શેઠ કરતાં ચઢિયાતો નથી.

25 તેથી શિષ્ય ગુરુ જેવો અને નોકર શેઠ જેવો બને તો એ ય પૂરતું છે. જો કુટુંબનો વડો બાલઝબૂલ કહેવાયો છે, તો પછી કુટુંબના સભ્યોને તો તેથી પણ વધુ ખરાબ નામથી બોલાવવામાં આવશે.


કોની બીક રાખવી જોઈએ?
( લૂક. 12:2-7 )

26 માણસોથી ડરો નહિ. જે ઢંકાયેલું છે તે પ્રગટ કરવામાં આવશે અને દરેક ગુપ્ત વાત જાહેર કરવામાં આવશે.

27 હું તમને અંધકારમાં જે જણાવું છું તે તમે દિવસના પૂર્ણ પ્રકાશમાં જાહેર કરો; અને તમે ખાનગીમાં જે સાંભળો છો તે ઘરના ધાબા પરથી પોકારો.

28 જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.

29 ચકલી પૈસાની બબ્બે જેવા નજીવા મૂલ્યે વેચાય છે! છતાં તે પણ ઈશ્વરની ઇચ્છા વર જમીન પર પડતી નથી.

30 તમારા માથાના બધા વાળની ગણતરી કરવામાં આવેલી છે.

31 આથી બીક ન રાખો, કારણ, ઘણી ચકલીઓ કરતાં તમે વધુ મૂલ્યવાન છો.


સ્વીકાર કે નકાર!
( લૂક. 12:8-9 )

32 જે જાહેર રીતે મારો સ્વીકાર કરે છે તેનો સ્વીકાર હું આકાશમાંના મારા ઈશ્વરપિતા સમક્ષ કરીશ.

33 પણ જે જાહેર રીતે મારો નકાર કરે છે તેનો હું પણ આકાશમાંના મારા ઈશ્વરપિતા સમક્ષ નકાર કરીશ.


શાંતિ કે તલવાર!
( લૂક. 12:51-53 ; 14:26-27 )

34 એમ ન માનશો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવા આવ્યો છું. હું શાંતિ તો નહિ, પણ તલવાર ચલાવવા આવ્યો છું.

35 પુત્ર પોતાના પિતાની વિરુદ્ધ, પુત્રી પોતાની માતાની વિરુદ્ધ અને વહુ પોતાની સાસુની વિરુદ્ધ થાય તે માટે હું આવ્યો છું.

36 માનવીના સૌથી કટ્ટર દુશ્મનો તો તેના કુટુંબીજનો જ બનશે.

37 મારા કરતાં જે કોઈ પોતાના પિતા કે માતા પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. મારા કરતાં જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી.

38 જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરતો નથી તે મારે યોગ્ય નથી.

39 જે કોઈ પોતાનું જીવન બચાવવા યત્ન કરે છે, તે તેને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.


હિસ્સો
( માર્ક. 9:41 )

40 જે કોઈ તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે મારો સત્કાર કરે છે, તે મને મોકલનારનો પણ સત્કાર કરે છે.

41 જે કોઈ ઈશ્વરના સંદેશવાહકનો સંદેશવાહક તરીકે સત્કાર કરે છે તેને સંદેશવાહકના હિસ્સામાંથી ભાગ મળશે. જે કોઈ ઈશ્વરભક્તનો ઈશ્વરભક્ત તરીકે સત્કાર કરે છે તેને ઈશ્વરભક્તના હિસ્સામાંથી ભાગ મળશે.

42 હું તમને સાચે જ કહું છું: જે કોઈ આ મારા શિષ્યોમાંના સૌથી નાનાને પણ મારા શિષ્ય તરીકે ઠંડા પાણીનો પ્યાલો આપશે, તો તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan