માલાખી 4 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુનો દિવસ આવી રહ્યો છે 1 સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ. 2 પણ તમે જેઓ મને આધીન થાઓ છો તેમના પર તો તમને બચાવનારું મારું સામર્થ્ય સૂર્યની જેમ ઊગશે, અને સૂર્યનાં કિરણોની જેમ આરોગ્ય આપશે. કોઢમાંથી છોડેલા કૂદતા વાછરડાની જેમ તમે મુક્ત અને આનંદી થશો. 3 હું જે દિવસે કાર્ય કરીશ ત્યારે તમે દુષ્ટો પર વિજય પામશો અને તેઓ તમારી ચરણરજ સમાન બની જશે. 4 “મારા સેવક મોશેનું શિક્ષણ એટલે મારા સર્વ ઇઝરાયલી લોકો પાળે તે માટે જે નિયમો તથા આજ્ઞાઓ મેં તેને સિનાઇ પર્વત પર આપ્યાં તે યાદ રાખો. 5 “પણ પ્રભુનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાં, હું એલિયા સંદેશવાહકને તમારી પાસે મોકલી દઈશ. 6 તે ફરીથી પિતા અને પુત્રોનું સમાધાન કરાવશે; રખેને હું આવીને તમારા દેશનો નાશ કરું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide