માલાખી 2 - પવિત્ર બાઇબલ C.L.1 સર્વસમર્થ પ્રભુ યજ્ઞકારોને કહે છે, “તમારે માટે આ આજ્ઞા છે: 2 તમારે તમારાં કાર્યથી મારું સન્માન કરવું જોઈએ. તમે મારું કહેવું નહિ માનો તો હું તમારા પર શાપ મોકલીશ. તમને તમારા પોષણ માટે મળતી વસ્તુઓને હું શાપિત કરીશ. વાસ્તવમાં હું તેમને શાપિત કરી ચૂક્યો છું. કારણ, તમે મારી આજ્ઞાને ગંભીરતાપૂર્વક લેખવતા નથી. 3 હું તમારાં સંતાનોને શિક્ષા કરીશ અને તમે જે પ્રાણીઓનું બલિદાન કરો છો તેનું જ છાણ હું તમારા ચહેરા પર ચોપડીશ અને તમને ઉકરડા પર લઈ જવામાં આવશે. 4 ત્યારે તમે જાણશો કે મેં તમને આ આજ્ઞા આપી છે, એ માટે કે યજ્ઞકારો જે લેવીના વંશજો છે, તેમની સાથેના કરારનો ભંગ થાય નહિ. 5 “મેં મારા કરારમાં તેમને જીવન અને સુખાકારીનું વચન આપ્યું, એ માટે કે તેઓ મારું સન્માન કરે. એ દિવસોમાં તો તેઓ મારો ડર રાખતા હતા અને મારું સન્માન કરતા હતા. 6 તેઓ ખોટું નહિ, પણ સાચું શિક્ષણ આપતા હતા. તેઓ મારી સાથે સુસંગત રીતે રહેતા; તેઓ પોતે જ ન્યાયી વર્તન દાખવતા એટલું જ નહિ, પણ બીજાઓને પણ દુરાચરણથી અટકાવતા. 7 ઈશ્વરના સાચા જ્ઞાનનું શિક્ષણ આપવું એ યજ્ઞકારોની ફરજ છે. તેમની પાસે જઈને લોકોએ મારી ઇચ્છા જાણવી જોઈએ; કારણ, તેઓ સર્વસમર્થ પ્રભુના સંદેશવાહકો છે. 8 “પણ તમે યજ્ઞકારો સાચા માર્ગથી ભટકી ગયા છો. ઘણા લોકો તમારા શિક્ષણથી ખોટું કરતા શીખ્યા છે. તમારી સાથેના મારા કરારનો તમે ભંગ કર્યો છે. 9 તમે મારી ઇચ્છાને આધીન થતા નથી અને શિક્ષણ આપવામાં તમે મારા લોકો પ્રત્યે સમાન વર્તન દાખવતા ન હોઈ, હું એવું કરીશ કે ઇઝરાયલી લોકો તમારો તિરસ્કાર કરશે.” ઈશ્વર પ્રત્યે લોકોની બેવફાઈ 10 શું આપણે એક જ પિતાનાં સંતાન નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા નથી? તો પછી આપણે એકબીજા પ્રત્યે આપેલાં આપણાં વચનો કેમ તોડીએ છીએ, અને આપણા પૂર્વજો સાથે ઈશ્વરે કરેલા કરારનો શા માટે ભંગ કરીએ છીએ. 11 યહૂદિયાના લોકોએ ઈશ્વરને તેમણે આપેલા વચનનાં ભંગ કરીને યરુશાલેમ તથા સમગ્ર દેશમાં ભયંકર ક્મ કર્યું છે. પ્રભુના પ્રિય મંદિરને તેમણે ભ્રષ્ટ કર્યું છે. વિધર્મી દેવોની પૂજા કરનાર સ્ત્રીઓ સાથે પુરુષોએ લગ્ન કર્યાં છે. 12 એવું કરનારાઓને પ્રભુ ઇઝરાયલના સમાજમાંથી દૂર કરો અને સર્વસમર્થ પ્રભુને આપણી પ્રજા જે બલિદાનો ચઢાવે છે તેમાં તેમને ક્યારેય ભાગીદાર થવા ન દો. 13 તમે વિશેષમાં આવું ક્મ પણ કરો છો. પ્રભુ હવે તમારાં અર્પણો સ્વીકારતા નથી માટે તમે રડીરડીને તેમની વેદીને આંસુથી ભીંજવી દો છો. 14 તમે પૂછો છો કે શા માટે તે હવે અર્પણો સ્વીકારતા નથી? કારણ, તમારી યુવાવસ્થામાં તમે જે સ્ત્રીને પરણ્યા તેને તમે આપેલા વચનનો ભંગ કર્યો છે. તે તમારી સાથીદાર હતી અને તેના પ્રત્યેનું તમારું વચન તમે તોડયું છે; જો કે ઈશ્વરની સમક્ષ તો તમે તેને વફાદાર રહેવાનું વચન આપ્યું હતું. 15 પ્રભુએ તમને તમારી પત્ની સાથે એક શરીર અને એક આત્મા કર્યા નહોતા? એમ કરવામાં તેમનો હેતુ શો હતો? એ જ કે તમને જે સંતાન થાય તે ઈશ્વરના ખરેખરા લોક હોય. તેથી તમારામાંનો કોઈ પોતાની પત્ની સાથેનો કરાર તોડે નહિ તેની તકેદારી રાખે. 16 ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે, “હું છૂટાછેડાનો તિરસ્કાર કરું છું. તમારામાંનો કોઈ પોતાની પત્ની પ્રત્યે એવું ક્રૂર વર્તન દાખવે તો હું તેનો ધિક્કાર કરું છું. તમારી પત્નીને વફાદાર રહેવા આપેલા વચનનો તમે ભંગ ન કરો તેની તકેદારી રાખો.” ન્યાયશાસનનો દિવસ નજીક છે 17 તમે તમારી વાતોથી પ્રભુને થકવી નાખ્યા છે. છતાં તમે પૂછો છો, “અમે તેમને કેવી રીતે થકવી નાખ્યા છે? ‘સર્વસમર્થ પ્રભુ સઘળા દુષ્ટોને સારા ગણે છે અને તેમના પર પ્રસન્ન રહે છે’ અથવા ‘ન્યાયી ગણાતો ઈશ્વર ક્યાં છે?’ એવું કહીને તમે તેમ કર્યું છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide