Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માલાખી 1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ ઇઝરાયલી લોકોને કહેવા આપેલો આ સંદેશ છે.


ઇઝરાયલ માટે પ્રભુનો પ્રેમ

2 પ્રભુ પોતાના લોકોને કહે છે, “મેં સદા તમારા પર પ્રેમ રાખ્યો છે.” પણ તેઓ જવાબ આપે છે, “તમે કેવી રીતે અમારા પરનો તમારો પ્રેમ દર્શાવ્યો છે?” પ્રભુ જવાબ આપે છે, “એસાવ અને યાકોબ ભાઈઓ હતા, છતાં મેં યાકોબ તથા તેના વંશજો ઉપર પ્રેમ રાખ્યો છે,

3 જ્યારે એસાવ તથા તેના વંશજોનો તિરસ્કાર કર્યો છે. મેં એસાવના પહાડીપ્રદેશને વેરાન કરી મૂક્યો છે અને તેના દેશને શિયાળવાંનું રહેઠાણ બનાવી દીધો છે.”

4 જો એસાવના વંશજો એટલે કે અદોમીઓ આમ કહે કે, “અમારાં નગરોનો નાશ કરવામાં આવ્યો છે, પણ અમે તેમને ફરીથી બાંધીશું,” તો પ્રભુ તેમને જવાબ આપશે, “તેમને બાંધવા દો, હું તેમને ફરીથી તોડી પાડીશ. લોકો તેમને ‘દુષ્ટ દેશ’ ‘પ્રભુ જેના પર સદાય કોપાયમાન છે એવી પ્રજા’ કહીને સંબોધશે.”

5 ઇઝરાયલના લોકો પોતાની નજરે એ જોશે અને કહેશે, “ઇઝરાયલ દેશ બહાર પ્રભુ પરાક્રમ દાખવે છે!”


યજ્ઞકારોને પ્રભુનો ઠપકો

6 સર્વસમર્થ પ્રભુ યજ્ઞકારોને કહે છે, “પુત્ર પોતાના પિતાને અને નોકર પોતાના માલિકને માન આપે છે. હું તમારો પિતા છું; તો તમે શા માટે મને માન આપતા નથી? હું તમારો માલિક છું; તો શા માટે તમે મારું સન્માન કરતા નથી? તમે મારો તુચ્છકાર કરો છો અને છતાં પૂછો છો, ‘અમે કઈ રીતે તમારો તિરસ્કાર કર્યો છે?’

7 તમે આ રીતે મારો તિરસ્કાર કરો છો: મારી વેદી પર તમે નક્મા ખોરાકનું અર્પણ ચઢાવો છો. વળી, તમે કહો છો, ‘અમે તમારું સન્માન કરવામાં કેવી રીતે નિષ્ફળ નીવડયા છીએ?’ હું તે તમને જણાવીશ: મારી વેદીનો તિરસ્કાર કરીને તમે નિષ્ફળ ગયા છો.

8 તમે એમ માનો છો કે મારી આગળ બલિદાન કરવા માટે તમે આંધળાં, બીમાર અને અપંગ જાનવરો લાવો છો એમાં કંઈ ખોટું નથી? તમારા રાજ્યપાલને એવું જાનવર આપવાનો અખતરો કરી જુઓ; તે તમારા પર પ્રસન્‍ન થઈને તમારા પર કંઈ મહેરબાની દાખવશે?”

9 હવે હે યજ્ઞકારો, પ્રભુ આપણા પ્રત્યે ભલાઈ દર્શાવે તેવી વિનંતી કરી જુઓ. તે તમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર નહિ આપે, અને તેમાં વાંક તમારો છે.

10 સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તો એવું ચાહું છું કે તમારામાંનો કોઈ મંદિરનાં દ્વાર બંધ કરી દઈને તમને મારી વેદી પર નિરર્થક અગ્નિ પેટાવતાં અટકાવે. હું તમારો સ્વીકાર કરીશ નહિ; ન તો તમારાં ચઢાવેલાં અર્પણો સ્વીકારીશ.

11 પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.

12 પણ મારી વેદી નક્મી છે એમ કહેતાં અને તમે નક્મા ગણેલા ખોરાકનું મને અર્પણ ચઢાવતાં તમે મારું અપમાન કરો છો.

13 તમે કહો છો, ‘અમે તો આ બધાથી કંટાળી ગયા છીએ!’ અને તમે મારી સામે છણકો કરો છો. મને બલિદાન તરીકે અર્પણ કરવા માટે તમે ચોરેલું પ્રાણી અથવા અપંગ કે બીમાર પ્રાણી લાવો છો. તમે એમ માનો છો કે હું તે તમારી પાસેથી સ્વીકારીશ?

14 પોતાના ટોળામાં માનેલું પ્રાણી હોય અને મને તે ચઢાવવાનું વચન આપ્યું હોય ત્યારે મને નક્મા પ્રાણીનું અર્પણ ચઢાવીને છેતરપિંડી કરનાર પર શાપ ઊતરો. કારણ, હું મહાન રાજા છું, અને સર્વ દેશના લોકો મારું ભય રાખે છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan