લેવીય 8 - પવિત્ર બાઇબલ C.L.યજ્ઞકારોની પદપ્રતિષ્ઠા ( નિર્ગ. 29:1-37 ) 1 પ્રભુએ મોશેને કહ્યું, 2 “આરોન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જા. તે સાથે યજ્ઞકારનો પોશાક, અભિષેકનું તેલ, પ્રાયશ્ર્વિતબલિનો આખલો, બે ઘેટા અને ખમીર વગરની રોટલીની ટોપલી પણ લે. 3 ત્યાર પછી ઇઝરાયલીઓના સમગ્ર સમાજને ત્યાં એકત્ર કર.” 4 મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું: ઇઝરાયલીઓનો સમગ્ર સમાજ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે એકત્ર થયો. 5 તેણે તેમને કહ્યું, “હવે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણેનો વિધિ હું કરવાનો છું.” 6 મોશેએ આરોન અને તેના પુત્રોને આગળ બોલાવ્યા, તેમને વિધિગત રીતે સ્નાન કરાવ્યું. 7 પછી તેણે આરોનને ડગલો પહેરાવ્યો. તેની કમરે પટ્ટો બાંધ્યો. તેને ઝભ્ભો પહેરાવ્યો અને સુંદર કારીગરીથી વણેલો એફોદ પહેરાવી તેના પર કમરપટ્ટો બાંધી દીધો. 8 પછી તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું; તેમાં ઉરીમ અને થુમ્મીમ જડેલાં હતાં. 9 ત્યાર પછી તેણે તેને માથે પાઘડી મૂકી અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પાઘડીના આગળના ભાગ પર સમર્પણની નિશાની એટલે સુવર્ણપત્ર લગાવ્યું. 10 ત્યાર પછી મોશેએ અભિષેકનું તેલ લીધું. તેનાથી તેણે મુલાકાત મંડપ અને તેમાંની બધી વસ્તુઓનો અભિષેક કરીને પ્રભુને તેમનું સમર્પણ કર્યું. 11 તેણે વેદી પર તેલનો સાતવાર છંટકાવ કર્યો. તેણે વેદી અને તેનાં બધાં પાત્રો, તેમજ જળકુંડ અને તેની બેઠકનું પ્રભુને સમર્પણ કર્યું. 12 ત્યાર પછી તેણે આરોનના માથા પર અભિષેકનું તેલ રેડીને તેની પદપ્રતિષ્ઠાનો વિધિ કર્યો. 13 પછી મોશેએ આરોનના પુત્રોને આગળ બોલાવ્યા. તેણે તેમને ઝભ્ભા પહેરાવ્યા, કમરે કમરબંધ બાંધ્યો અને માથે પાઘડી પહેરાવી. તેણે તે બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. 14 પછી મોશે પ્રાયશ્ર્વિતબલિના આખલાને પાસે લાવ્યો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા. 15 પછી મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આંગળી વડે શિંગ પર લગાવ્યું; જેથી વેદી વિધિગત રીતે શુદ્ધ થાય. બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે તેણે વેદીને શુદ્ધ કરીને તેનું સમર્પણ કર્યું. 16 પછી મોશેએ આંતરડાં ઉપરની બધી ચરબી, કલેજા ઉપરની બધી ચરબી, બન્ને મૂત્રપિંડો અને તે ઉપરની બધી ચરબી લઈને વેદી પર તેનું દહન કર્યું. 17 તેણે આખલાનું બાકીનું બધું એટલે તેનું ચામડું, માંસ અને છાણ પ્રભુની આજ્ઞા પ્રમાણે છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકાયું. 18 ત્યાર પછી મોશે દહનબલિના ઘેટાને પાસે લાવ્યો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા. 19 મોશેએ તેને કાપ્યો. તેણે તેનું રક્ત વેદી પર તેની ચારે બાજુએ છાંટયું. 20-21 ત્યાર પછી તેણે તેના કાપીને ટુકડા કર્યા, પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે તેનું માથું, ચરબી અને બધા ટુકડાઓનું વેદી પર દહન કર્યું. તેણે તેનાં આંતરડાં અને પાછળના પગ પાણીથી ધોઈ નાખીને વેદી પર તે બધાનું દહન કર્યું. આ દહનબલિની સુવાસથી પ્રભુ પ્રસન્ન થાય છે. 22 ત્યાર પછી મોશે બીજા ઘેટાને પાસે લાવ્યો. તે ઘેટો તો યજ્ઞકારોની પદપ્રતિષ્ઠા માટેનો હતો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા. 23 મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આરોનના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાડયું. 24 પછી તેણે આરોનના પુત્રોને આગળ બોલાવ્યા. તેણે તેમના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર થોડું રક્ત લગાડયું. બાકીનું બધું રક્ત મોશેએ વેદીની ચારે બાજુએ રેડી દીધું. 25 પછી તેણે જાડી ચરબીદાર પૂંછડી, આંતરડા ઉપરની બધી ચરબી, કલેજા ઉપરની બધી ચરબી, બન્ને મૂત્રપિંડો અને તે પરની ચરબી, તથા જમણી જાંઘ લીધાં. 26 પછી તેણે પ્રભુને અર્પિત કરેલી ખમીર રહિત રોટલીની ટોપલીમાંથી એક ખમીર રહિતની રોટલી, એક તેલથી મોયેલી ભાખરી અને એક પોળી લઈને ચરબી ઉપર તથા જમણી જાંઘ ઉપર મૂક્યાં. 27 ત્યાર પછી તેણે આ બધું આરોન અને તેના પુત્રોના હાથમાં મૂકાયું. તેમણે આ બધાંનું ખાસ ભેટ તરીકે પ્રભુને અર્પણ ચડાવ્યું. 28 ત્યાર પછી મોશેએ તેમની પાસેથી એ બધું લઈ લીધું અને તેને યજ્ઞવેદી પર દહનબલિ ઉપર મૂકી તેનું દહન કર્યું. એ તો યજ્ઞકારોની પદપ્રતિષ્ઠાવિધિનું અર્પણ હતું; જેની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે. 29 પછી મોશેએ છાતીનો ભાગ લઈ તે પ્રભુને ચડાવ્યો. યજ્ઞકારોની પદપ્રતિષ્ઠાવિધિના અર્પણમાંથી એ ભાગ મોશેને મળ્યો. મોશેએ આ બધી વિધિ પ્રભુની આજ્ઞા મુજબ કરી. 30 પછી મોશેએ અભિષેકનું થોડું તેલ અને યજ્ઞવેદી પરથી થોડું રક્ત લીધું. તે તેણે આરોન અને તેના પુત્રોનાં વસ્ત્રો પર છાંટયું. આ પ્રમાણે તેણે તેમને અને તેમનાં વસ્ત્રોને પ્રભુને સમર્પિત કર્યાં. 31 મોશેએ આરોન અને તેના પુત્રોને કહ્યું, “પ્રભુની આજ્ઞા પ્રમાણે આ માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જાઓ. ત્યાં તેને બાફીને તૈયાર કરો અને તે પદપ્રતિષ્ઠાવિધિના અર્પણની ટોપલીમાંની રોટલી સાથે ખાઓ. 32 માંસ અને રોટલીમાંથી જે કંઈ વધે તેને બાળી નાખો. 33 સાત દિવસ સુધી તમારે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર જવાનું નથી. કારણ, તમારો પદપ્રતિષ્ઠાવિધિ સાત દિવસ ચાલશે. 34 તમારાં પાપ દૂર કરવા માટે આજે આ વિધિ પ્રભુની આજ્ઞા પ્રમાણે પાળવામાં આવ્યો છે. 35 તમારે સાત દિવસ અને સાત રાત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે રહેવાનું છે અને પ્રભુને આજ્ઞાધીન થવાનું છે, જો તમે તેમ નહિ કરો તો તમે માર્યા જશો. પ્રભુ તરફથી મને એવી આજ્ઞા મળેલી છે.” 36 તેથી આરોન અને તેના પુત્રોએ મોશેની મારફતે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે સમગ્ર વિધિ પૂર્ણ કર્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide