લેવીય 7 - પવિત્ર બાઇબલ C.L.દોષનિવારણબલિ 1 “દોષનિવારણબલિના નિયમો આ પ્રમાણે છે: તે અતિ પવિત્ર છે. 2 દોષનિવારણબલિના પ્રાણીને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ માટેનું પ્રાણી કપાય છે ત્યાં કાપવું. યજ્ઞવેદીની ચારે બાજુએ તેનું રક્ત છાંટવું. 3 તેની બધી ચરબી કાઢી લઈ વેદી ઉપર ચડાવવી. ચરબીદાર પૂંછડી; આંતરડાં ઉપરની ચરબી; 4 બન્ને મૂત્રપિંડો અને તેમના ઉપરની ચરબી અને કલેજાનો ચરબીયુક્ત ભાગ કાઢી લેવા. 5 યજ્ઞકારે આ બધી જ ચરબી વેદી ઉપર પ્રભુને અગ્નિબલિ તરીકે ચડાવી તેનું દહન કરવાનું છે. આ દોષનિવારણ બલિ છે. 6 યજ્ઞકાર કુટુંબનો કોઈપણ પુરુષ તે ખાઈ શકે છે; પણ તે અતિ પવિત્ર છે. તેથી તે પવિત્રસ્થાનમાં જ ખાવામાં આવે. 7 “પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિ માટે એક સરખો નિયમ છે: વિધિ કરનાર યજ્ઞકારને તેનું માંસ મળે. 8 દહનબલિમાં વિધિ કરનાર યજ્ઞકારને પ્રાણીનું ચામડું મળે. 9 દરેક ધાન્યઅર્પણ ભઠ્ઠીમાં, કઢાઈમાં કે તવામાં તૈયાર કરવામાં આવે અને એ બધું જ વિધિ કરનાર યજ્ઞકારને મળે. 10 પરંતુ પકવવામાં નહિ આવેલ તેલથી મોયેલું કે તેલરહિત ધાન્યઅર્પણ બધું જ આરોનવંશી યજ્ઞકારોનું છે અને તેમણે તે સરખે ભાગે વહેંચી લેવું.” સંગતબલિ 11 “પ્રભુને અર્પણ કરવામાં આવતા સંગતબલિના નિયમો આ પ્રમાણે છે: 12 જો કોઈ આભારસ્તુતિને માટે બલિ લાવે તો તે ઉપરાંત તેણે ખમીર વગરની તેલથી મોયેલી રોટલી, ખમીર વગરની તેલ ચોપડેલી ભાખરી કે તેલથી મોયેલા લોટના ખાખરા ચડાવવા. 13 આભારસ્તુતિ માટેના પોતાના સંગતબલિના યજ્ઞ સાથે તેણે ખમીરવાળી રોટલી પણ ચડાવવી. 14 આ દરેક પ્રકારની વાનગીમાંથી એકએક લઈ તેનું પ્રભુને અર્પણ કરવું. યજ્ઞવેદી ઉપર સંગતબલિનું રક્ત છાંટનાર યજ્ઞકારને તે મળે. 15 જે દિવસે પ્રાણી ચડાવવામાં આવ્યું હોય તે જ દિવસે તેનું માંસ ખાઈ જવાનું છે. બીજા દિવસની સવાર સુધી તેમાંનું કંઈ જ રાખવામાં આવે નહિ. 16 “જો કોઈ માણસ માનતા પૂરી થઈ હોવાથી અથવા સ્વૈચ્છિક રીતે સંગતબલિ લાવે તો તેનું માંસ તે દિવસે ખાવામાં આવે અને તે પછીના દિવસે પણ ખાઈ શકાય. 17 પણ તે બલિદાનનું જે માંસ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું. 18 જો ત્રીજે દિવસે સંગતબલિના યજ્ઞનું માંસ કોઈ ખાય તો પ્રભુ તેનું અર્પણ સ્વીકારશે નહિ. તેથી કોઈ લાભ થશે નહિ; તે અશુદ્ધ છે. જે કોઈ તે ખાય તેણે તેની સજા ભોગવવી પડશે. 19 જો તે માંસને કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ થાય તો તે ખાવામાં ન આવે પણ બાળી નાખવામાં આવે. 20 “જે કોઈ શુદ્ધ હોય તે જ સંગતબલિનું માંસ ખાય. પણ જો કોઈ અશુદ્ધ હોવા છતાં પ્રભુને ચડાવેલ સંગતબલિનું માંસ ખાય તો સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો. 21 વળી, જો કોઈ અશુદ્ધ વસ્તુનો એટલે અશુદ્ધ મનુષ્ય, પ્રાણી કે સર્પટિયાનો સ્પર્શ કરે અને પછી પ્રભુને ચડાવેલ સંગતબલિનું માંસ ખાય તો તેનો સમાજમાંથી બહિષ્કાર કરવો.” 22-23 પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: તમારે કોઈ આખલા, ઘેટા કે બકરાની ચરબી ખાવી નહિ. 24 કુદરતી રીતે મરણ પામેલા અથવા જંગલી પશુએ ફાડી ખાધેલ પ્રાણીની ચરબી તમારે ખાવી નહીં. તેનો બીજા કોઈ હેતુને માટે ઉપયોગ કરી શકાય. 25 જો કોઈ પ્રભુને અર્પણ કરેલ પ્રાણીની ચરબી ખાય તો તેનો સમાજમાંથી બહિષ્કાર કરવો. 26 હે ઇઝરાયલીઓ, તમે ગમે ત્યાં વસતા હો પણ તમારે કોઈ પ્રાણી કે પક્ષીનું રક્ત ખાવાનું નથી. 27 જે કોઈ આ નિયમનો ભંગ કરે તેને સમાજમાંથી કાઢી મૂકવો.” 28-29 પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જો કોઈ માણસ સંગતબલિ ચડાવે તો તેણે તેમાંથી અમુક ભાગ પ્રભુને ખાસ ભેટ તરીકે અર્પવા લઈ આવવો. 30 તેણે જાતે જ તે ભાગનું અર્પણ લઈને આવવું. તેણે પ્રાણીની છાતીના ભાગ સાથે ચરબી લાવીને પ્રભુને તેનું અર્પણ કરવું. 31 યજ્ઞકાર યજ્ઞવેદી પર ચરબીનું દહન કરે પણ છાતીનો ભાગ આરોનવંશી યજ્ઞકારને મળે. 32 તમારા સંગતબલિની જમણી જાંઘ ખાસ હિસ્સા તરીકે યજ્ઞકારને મળે. 33 સંગતબલિના પ્રાણીનાં રક્ત અને ચરબી અર્પણ કરનાર યજ્ઞકારને તે મળે. 34 ઇઝરાયલીઓએ ચડાવેલ સંગતબલિના પ્રાણીનો છાતીનો ભાગ તે ખાસ અર્પણ છે અને તેની જમણી જાંઘ તે ખાસ હિસ્સો છે. હું પ્રભુ આ બધું રાખી લઉં છું અને આરોનવંશી યજ્ઞકાર તથા તેના પુત્રોને કાયમના દાપા તરીકે આપું છું.” 35 જે દિવસે આરોન અને તેના પુત્રોનો યજ્ઞકાર તરીકે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે પ્રભુને ચડાવેલા અર્પણોમાંથી એ દાપુ તેમને આપ્યું. 36 જે દિવસે તેમનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે તેમને આ દાપુ આપવા પ્રભુએ ઇઝરાયલીઓને આજ્ઞા કરી. ઇઝરાયલીઓએ વંશપરંપરા આ નિયમ કાયમને માટે પાળવાનો છે.” 37 આ બધા દહનબલિ, ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ, દોષનિવારણબલિ, પદપ્રતિષ્ઠાબલિ તથા સંગતબલિ અંગેના નિયમો છે. 38 સિનાયના રણપ્રદેશમાં પ્રભુએ ઇઝરાયલીઓને બલિદાનો ચડાવવાની આજ્ઞા ફરમાવી ત્યારે તેમણે સિનાય પર્વત પર મોશેને આ નિયમો આપ્યા હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide