લેવીય 6 - પવિત્ર બાઇબલ C.L.1 પ્રભુએ મોશેને કહ્યું, 2 “જો કોઈ માણસ બીજા કોઈની થાપણ પાછી ન આપે અથવા તેનું કંઈ ચોરી લે અથવા તેને છેતરે, 3 અથવા કોઈની ગુમ થયેલી વસ્તુ તેને મળી હોય તે પાછી ન આપે અથવા એ વિષે જૂઠું બોલે અથવા જૂઠા સોગંદ ખાય અને એ રીતે પ્રભુની વિરુદ્ધ પાપ કરે, 4 તો તે મૂડી વિષે કે ચોરી વિષે કે ખોવાયેલી ચીજ વિષે કે જૂઠા સોગંદ વિષે એટલે આવી અપ્રામાણિક બાબતો માટે જ્યારે તે દોષનિવારણ બલિ ચડાવે, 5 ત્યારે તેણે એના માલિકને પૂરેપુરું વળતર ચૂકવી આપવું અને એ ઉપરાંત વધારામાં વીસ ટકા આપવા. 6 તેણે પોતાના દોષનિવારણ બલિ તરીકે ખોડખાંપણ વગરનો એક ઘેટો પ્રભુને ચડાવવો અને પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત નક્કી કરવી. 7 યજ્ઞકારે તેના પાપને માટે દોષનિવારણ બલિ ચડાવવો એટલે, તે માણસને માફ કરવામાં આવશે.” સંપૂર્ણ દહનબલિ 8-9 પ્રભુએ મોશેને કહ્યું, “આરોન અને તેના પુત્રોને દહનબલિ અંગે આ નિયમો આપ: દહનબલિ આખી રાત યજ્ઞવેદી પર રહે. તેના પર અગ્નિ સતત સળગતો રાખવાનો છે. 10 પછી યજ્ઞકારે અળસી રેસાનાં વસ્ત્રનો શ્વેત ઝભ્ભો અને જાંઘિયો પહેરીને યજ્ઞવેદી પરથી દહન થઈ ગયેલા અગ્નિબલિની રાખ લઈ લેવી અને તેને વેદીની બાજુમાં મૂકવી. 11 ત્યાર પછી તેણે પોતાનો પોશાક બદલવો અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ નાખી દેવી. 12 યજ્ઞવેદી પર અગ્નિ સતત સળગતો રાખવો અને તેને કદી હોલવાઈ જવા દેવો નહિ. દરરોજ સવારે યજ્ઞકારે તે પર લાકડાં બાળવાં, તેના પર દહનબલિ ચડાવવો અને સંગતબલિની ચરબીનું તે પર દહન કરવું. 13 યજ્ઞવેદી પર અગ્નિ સતત સળગતો રાખવો અને તેને કદી હોલવાઈ જવા દેવો નહિ. ધાન્ય-અર્પણો 14 “ધાન્યઅર્પણ અંગેના નિયમો આ પ્રમાણે છે: આરોનવંશી યજ્ઞકારે યજ્ઞવેદી સમક્ષ ધાન્યઅર્પણ પ્રભુને ચડાવવું. 15 ત્યાર પછી તેણે તેમાંથી મૂઠીભર લોટ, તેલ અને બધો જ લોબાન લઈને પ્રતીકરૂપે યજ્ઞવેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે. 16-17 બાકીનું બધું યજ્ઞકારોએ ખાવાનું છે. તેમણે તેમાંથી ખમીર નાખ્યા વગર રોટલી બનાવી પ્રભુની સમક્ષ મુલાકાતમંડપના ચોકમાં ખાવી. પ્રભુએ તે યજ્ઞકારોને ધાન્યઅર્પણના તેમના ભાગ તરીકે આપેલું છે; તે અતિ પવિત્ર છે. પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિની માફક તે અતિ પવિત્ર છે. 18 આરોન વંશનો કોઈપણ પુરુષ પ્રભુને ચડાવેલા અગ્નિબલિના ભાગરૂપે તે ખાઈ શકશે. વંશપરંપરાગત તે તેમનો કાયમનો ભાગ છે. જે કોઈ તેનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય.” પદપ્રતિષ્ઠા બલિ 19-20 પ્રભુએ મોશેને કહ્યું, “આરોનવંશી યજ્ઞકારના અભિષેક માટે આ નિયમ છે: પોતાના અભિષેકના દિવસે તેણે પ્રભુને આ પ્રમાણેનું અર્પણ ચડાવવું. દરરોજના ધાન્યઅર્પણ જેટલો એટલે એક કિલો ઝીણો લોટ અર્ધો સવારે અને બાકીનો સાંજે ચડાવવો. 21 તેણે તેમાં તેલ મિશ્ર કરવું અને પછી તવા ઉપર શેકીને તેના ટુકડા કરવા અને પછી તે ધાન્યઅર્પણ તરીકે ચડાવવો. તેની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે. 22 બધા આરોનવંશી પ્રમુખ યજ્ઞકારોએ કાયમી નિયમ તરીકે આ અર્પણ પ્રભુને ચડાવવાનું છે; તે અર્પણનું પૂરેપૂરું દહન કરવાનું છે. 23 યજ્ઞકારે પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણનો કોઈ ભાગ ખાવાનો નથી; એનું અગ્નિમાં દહન કરી નાખવું.” પ્રાયશ્ર્વિતબલિ 24-25 પ્રભુએ મોશેને કહ્યું, “આરોન અને તેના પુત્રોને પ્રાયશ્ર્વિતબલિ અંગે નીચેના નિયમો આપ: પ્રાયશ્ર્વિતબલિનું પ્રાણી યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં કાપવું. આ અતિ પવિત્ર અર્પણ છે. 26 વિધિ કરનાર યજ્ઞકારે મુલાકાત મંડપના ચોકમાં તે ખાવાનું છે. 27 જે કોઈ તેનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય. જો કોઈનાં કપડાં પર તેના રક્તનાં છાંટા ઊડે તો તેમને પવિત્ર જગ્યાએ ધોઈ નાખવાં. 28 માટીના જે પાત્રમાં તે બાફવામાં આવે તેને ભાંગી નાખવું અને જો તે તાંબાના પાત્રમાં બફાયું હોય તો તે પાત્રને માંજીને વીછળી નાંખવું. 29 યજ્ઞકાર કુટુંબનો કોઈપણ પુરુષ આ બલિ ખાઈ શકે છે; તે અતિ પવિત્ર છે. 30 પણ જો તેનું રક્ત મુલાકાતમંડપમાં પાપ દૂર કરવા માટેની વિધિમાં વપરાયું હોય તો તે પ્રાયશ્ર્વિતબલિ ખાવો નહિ, પણ તેને અગ્નિમાં બાળી નાખવું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide