લેવીય 5 - પવિત્ર બાઇબલ C.L.દોષ-નિવારણ બલિઓ 1 “તમારે નીચેના કિસ્સાઓમાં દોષ નિવારણ બલિ ચડાવવો. “જો કોઈ માણસને અદાલતમાં સાક્ષી આપવા માટે બોલાવવામાં આવે અને તે પોતે જોયેલી કે જાણેલી હકીક્ત સત્ય જાહેર ન કરે અને એમ પાપમાં પડે તો તેણે તે અંગેની સજા ભોગવવી પડશે. 2 “જો કોઈ માણસ અજાણતાં કોઈપણ અશુદ્ધ વસ્તુ, એટલે પાળેલાં, વન્ય કે પેટે ચાલનાર પ્રાણીના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય અને તેની જાણ થતાં જ તે દોષિત ગણાય. 3 “જો કોઈ માણસ અજાણતાં અશુદ્ધ માનવી કે માનવી શબનો સ્પર્શ કરે તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય. 4 “જો કોઈ માણસ ખરી કે ખોટી કોઈપણ બાબત વિષે વગર વિચાર્યે સોગંદ ખાય તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય. 5 “જો કોઈ આમાંથી કોઈપણ બાબત સંબંધી દોષિત થયો હોય તો તેણે પોતાનો દોષ કબૂલ કરવો. 6 અને પોતાનું પાપ દૂર કરવા માટે તે પ્રભુ સમક્ષ દોષનિવારણ બલિ લાવે તો તેમાં તેણે પ્રભુને ઘેટી કે બકરી ચડાવવી અને યજ્ઞકાર તેના પાપ માટે પ્રાયશ્ર્વિત કરે. 7 “પણ જો તે ઘેટી કે બકરી ચડાવવાને સમર્થ ન હોય તો તેણે દોષનિવારણ બલિ તરીકે પ્રભુને બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાં; એક પ્રાયશ્ર્વિત બલિ તરીકે અને બીજું દહનબલિ તરીકે ચડાવવું. 8 તેણે તેમને યજ્ઞકાર પાસે લાવવાં. સૌપ્રથમ યજ્ઞકાર પ્રાયશ્ર્વિત બલિ માટે પક્ષી ચડાવે. તેણે તેની ડોક મરડી નાખવી; પણ એવું કરતાં તેનું માથું અલગ પડવા દેવું નહિ. 9 ત્યાર પછી તેણે તેમાંથી થોડું રક્ત યજ્ઞવેદીની બાજુ પર છાંટવું અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. એ તો પાપ દૂર કરવા માટેનું અર્પણ છે. 10 ત્યાર પછી તેણે બીજા પક્ષીનું દહનબલિ તરીકે વિધિના નિયમ પ્રમાણે દહન કરવું. આ રીતે યજ્ઞકાર માણસના પાપને માટે દોષનિવારણ બલિ ચડાવે; એટલે, તે માણસને માફ કરવામાં આવશે. 11 “જો કોઈ માણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાને સમર્થ ન હોય તો તેણે એક કિલો લોટ દોષનિવારણ બલિ તરીકે ચડાવવો. તેણે તેમાં ઓલિવ તેલ રેડવું નહિ કે લોબાન મૂકવો નહિ. કારણ, એ દોષનિવારણબલિ છે, અને ધાન્યઅર્પણ નથી. 12 તેણે તે લાવીને યજ્ઞકારને આપવું અને યજ્ઞકાર તેમાંથી પ્રતીકરૂપે મૂઠીભર લોટ લઈ યજ્ઞવેદી પરના અગ્નિબલિ પર મૂકીને પ્રભુને ધાન્યઅર્પણ તરીકે તેનું દહન કરે. આ તો પ્રાયશ્ર્વિત બલિ છે. 13 યજ્ઞકારે આ રીતે માણસના પાપના પ્રાયશ્ર્વિત માટે અર્પણ ચડાવે; એટલે, તે માણસને માફ કરવામાં આવશે. ધાન્યઅર્પણ માફક આ અર્પણનો બાકીનો લોટ યજ્ઞકારને મળે છે.” 14 પ્રભુએ મોશેને કહ્યું, “જો કોઈ અજાણતાં પ્રભુનું દાપુ ન ચૂકવીને પાપ કરે તો તેણે પ્રભુને દોષનિવારણબલિ ચડાવવો. 15 તે માટે ખોડખાંપણ વગરનો ઘેટો હોવો જોઈએ. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત કરવામાં આવે. 16 તેણે તે દાપુ વીસ ટકા ઉમેરીને ચૂકવી દેવું. યજ્ઞકારે તેને માટે ઘેટાનો દોષનિવારણબલિ ચડાવવો; એટલે, તેને માફ કરવામાં આવશે. 17 “જો કોઈ માણસ અજાણતાં પ્રભુની આજ્ઞા તોડી પાપ કરી દોષ લાવે તો તેણે પાપની સજા ભોગવવી પડશે. 18 તેણે દોષનિવારણબલિ તરીકે ખોડખાંપણ વગરનો ઘેટો યજ્ઞકાર પાસે લાવવો. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત નક્કી કરવામાં આવે. તેણે અજાણતાં કરેલા પાપને માટે યજ્ઞકારે દોષ નિવારણબલિ ચડાવવો; એટલે, તે માણસને માફ કરવામાં આવશે. 19 પ્રભુની વિરુદ્ધ તેણે કરેલા પાપ માટેનો એ દોષનિવારણ બલિ છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide