Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 27 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુને સમર્પણ કરવા અંગેના નિયમો

1 પ્રભુએ મોશેને કહ્યું,

2 “તું ઇઝરાયલી લોકને આમ કહે: જો કોઈ માણસ પ્રભુની સેવામાં બીજા કોઈને સમર્પિત કરવાની માનતા રાખે અને પછી તે તેને મુક્ત કરવા માંગે તો તેણે પવિત્રસ્થાનના ચલણના શેકેલના ધોરણે નીચે પ્રમાણે મુક્તિમૂલ્ય ચૂકવવું.

3-7 “વીસથી સાઠ વર્ષની ઉંમરના પુરુષનું મુક્તિમૂલ્ય ચાંદીના 50 શેકેલ થાય. જો તે સ્ત્રી હોય તો ચાંદીના 30 શેકેલ ચૂકવવા. પાંચથી વીસ વર્ષની ઉંમરના છોકરાનું મુક્તિમૂલ્ય ચાંદીના 20 શેકેલ થાય. જો તે છોકરી હોય તો ચાંદીના 10 શેકેલ ચૂકવવા. પાંચ વર્ષથી નીચેના નર બાળકનું મુક્તિમૂલ્ય ચાંદીના 5 શેકેલ થાય. અને નારી હોય તો ચાંદીના 3 શેકેલ ચુકવવા. સાઠ વર્ષથી ઉપરના પુરુષનું મુક્તિમૂલ્ય ચાંદીના 15 શેકેલ થાય. જો તે સ્ત્રી હોય તો ચાંદીના 10 શેકેલ ચૂકવવા.

8 “જો કોઈએ માનતા લીધી હોય અને પછી ગરીબીને લીધે નિયત કરેલું મુક્તિમૂલ્ય ચૂકવવા અસમર્થ હોય તો તેણે તે માણસને યજ્ઞકાર પાસે લાવવો. યજ્ઞકાર માનતા લેનાર માણસ ચૂકવી શકે તે પ્રમાણે તેનું મુક્તિમૂલ્ય નક્કી કરે.

9 “જો માનતા પ્રભુને અર્પણ કરી શકાય એવા પ્રાણીની હોય તો તે પ્રાણી પ્રભુને સમર્પિત ગણાય.

10 તે પ્રાણીના બદલામાં બીજું પ્રાણી આપી શકાય નહિ. જો અદલાબદલી કરવામાં આવી હોય તો પછી બન્‍ને પ્રાણીઓ પ્રભુનાં થાય.

11 પરંતુ પ્રભુને અર્પણ ન કરી શકાય એવા પ્રાણીની માનતા હોય તો પછી તેને યજ્ઞકાર પાસે લાવવામાં આવે.

12 યજ્ઞકાર તેની તપાસ કરી સારાંનરસાં લક્ષણો પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે કિંમત આખરી ગણાય.

13 જો તે માણસ તેને ખરીદીને છોડાવી લેવા ઇચ્છે તો તેણે તેની કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા.

14 “જો કોઈ પોતાનું મકાન પ્રભુને સમર્પિત કરે તો યજ્ઞકાર તેની તપાસ કરી સારીનરસી બાબતો જોઈ તે પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે તેની આખરી કિંમત ગણાય.

15 અને જો ઘર સમર્પિત કરનાર માલિક તે પાછું ખરીદવા ઇચ્છે તો તેને નક્કી કરેલી કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા.

16 “જો કોઈ પોતાની જમીનનો અમુક ભાગ પ્રભુને સમર્પિત કરે તો વીસ કિલો જવ દીઠ ચાંદીના દસ શેકેલ લેખે, તે જમીનમાં જેટલું બિયારણ વાવી શકાય તેને આધારે તે જમીનની કિંમત નક્કી થાય.

17 જો તે ઋણમુક્તિના વર્ષથી જ જમીન સમર્પિત કરે તો તેની પૂરી કિંમત ગણવામાં આવે.

18 પરંતુ જો તે ત્યાર પછી તેને સમર્પિત કરે તો યજ્ઞકાર ઋણમુક્તિના વર્ષને જેટલાં વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિમત ગણે એટલે પૂરી કિંમત કરતાં તે ઓછી થાય.

19 જો તે જમીનને સમર્પિત કર્યા પછી ફરીથી પાછી લેવા માગે તો તેણે તેની કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા.

20 જો તે પ્રભુ પાસેથી ખરીદ કર્યા વગર તે જમીન બારોબાર બીજા કોઈને વેચી દે તો પછી તે પાછી ખરીદવાનો તેનો હક્ક ગુમાવે છે.

21 ઋણમુક્તિનું વર્ષ આવતાં તે જમીન પ્રભુને કાયમ માટે સમર્પિત એવી મિલક્ત ગણાય અને તે યજ્ઞકારોની થાય.

22 “જો કોઈ પોતે ખરીદેલી મિલક્ત પ્રભુને સમર્પિત કરે,

23 તો યજ્ઞકાર ઋણમુક્તિના વર્ષ પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે માણસ તે જ દિવસે તેનું મૂલ્ય ચૂકવી દે. એ મૂલ્ય પ્રભુને સમર્પિત ગણાય.

24 ઋણમુક્તિના વર્ષે તે જમીન મૂળ માલિકને અથવા તેના વંશજને પાછી મળે.

25 “વીસ ગેરાનો એક શેકેલ એ લેખે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે બધું મૂલ્ય ગણવામાં આવે.

26 દરેક પ્રથમજનિત પ્રાણી પ્રભુનું જ ગણાય; તેથી કોઈ સ્વૈચ્છિક રીતે એવા વાછરડાનું, હલવાનનું, લવારાનું સમર્પણ કરે નહિ; એ તો પ્રભુનું જ છે.

27 પરંતુ જો પ્રથમજનિત અશુદ્ધ પ્રાણી હોય તો તેની કિંમત નક્કી કરવામાં આવે અને તેમાં વધારાના વીસ ટકા ઉમેરવામાં આવે. જો, તે પાછું ખરીદવામાં ન આવે તો તે બીજા કોઈને પૂરેપૂરી કિંમતે વેચી દેવામાં આવે.

28 “મને, પ્રભુને, કરેલું કોઈ બિનશરતી સમર્પણ, પછી તે માણસ, પ્રાણી કે જમીન હોય તો તેને પાછું વેચી કે ખરીદી શકાય નહિ; એ સંપૂર્ણ સમર્પિત છે.

29 અરે, બિનશરતી રીતે સમર્પિત થયેલ માણસને પણ પાછો ખરીદી શકાય નહિ. તેને તો મારી જ નાખવો.

30 “જમીનની પેદાશ, પછી તે અનાજ કે ફળ હોય પણ તેનો દસમો ભાગ પ્રભુનો ગણાય.

31 જો કોઈ તે ભાગ પાછો ખરીદવા માગે તો તેણે તેની પૂરેપૂરી કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા.

32 પાળેલાં પ્રાણીઓમાંથી દર દસે એક પ્રાણી મારું, પ્રભુનું, ગણાય. લાકડી વડે જ્યારે પ્રાણીઓની ગણતરી થાય ત્યારે દર દસે એક પ્રાણી મારું, પ્રભુનું, થાય.

33 માલિક જો એવી રીતે ગોઠવણી કરે કે નકામાં પ્રાણીઓ પસંદ થાય ને સારાં બદલાઈ જાય તો એવી અદલાબદલીમાં બન્‍ને પ્રાણીઓ મને, પ્રભુને, સમર્પિત થયેલાં ગણાય અને તે ફરીથી પાછાં ખરીદી શકાય નહિ.”

34 આ બધી આજ્ઞાઓ પ્રભુએ મોશેને સિનાઈ પર્વત પર ઇઝરાયલી લોકને માટે આપેલી છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan