લેવીય 26 - પવિત્ર બાઇબલ C.L.આધીનતાની આશિષ ( પુન. 7:12-24 ; 28:1-14 ) 1 પ્રભુએ કહ્યું, “તમે પૂજા કરવા માટે મૂર્તિઓ, પ્રતિમા, સ્તંભ કે કોતરેલા પથ્થર બનાવશો નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. 2 મારા સાબ્બાથ પાળો અને મારા પવિત્રસ્થાનને માન આપો. હું પ્રભુ છું. 3 “જો તમે મારા નિયમો પ્રમાણે ચાલો અને મારી આજ્ઞાઓ પાળો, 4 તો હું ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ. તેથી ભૂમિ પોતાની નીપજ આપશે અને વૃક્ષો પોતાનાં ફળ આપશે. 5 એટલું બધું અનાજ પાકશે કે કાપણી દ્રાક્ષ ઉતારવાના સમય સુધી ચાલશે અને વાવણીના સમય લગી દ્રાક્ષ ઉતારવાનું કામ ચાલશે. તમે ધરાઈને ખાશો અને દેશમાં સહીસલામત રહેશો. 6 “હું તમારા દેશમાં શાંતિ આપીશ અને તમે નિરાંતે ઊંઘી શકશો. હું હિંસક પ્રાણીઓને તમારા દેશમાંથી હાંકી કાઢીશ અને તમારા દેશ પર કોઈ આક્રમણ કરશે નહિ. 7 તમે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરશો. 8 તમારામાંના પાંચ સો દુશ્મનોનો અને સો દસ હજારનો પીછો કરશે. 9 હું તમને આશિષ આપીશ, તમારો વંશ વધારીશ અને તમે વૃદ્ધિ પામશો. તમારી સાથેના મારા કરારનું હું પાલન કરીશ. 10 તમારી ફસલ આખું વર્ષ ખાવા છતાં ખૂટશે નહિ અને તેની નવી ફસલ આવતાં વધેલા જૂના અનાજનો નિકાલ કરવો પડશે. 11 હું તમારી મધ્યે મારું નિવાસસ્થાન સ્થાપીશ અને હું કદી તમારો ત્યાગ કરીશ નહિ. 12 હું તમારી સાથે રહીશ. હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક બનશો. 13 મેં પ્રભુ, તમારા ઈશ્વરે તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. તેથી હવે ફરીથી તમે ગુલામ બનશો નહિ. મેં તમારી ગુલામીની ઝૂંસરી તોડી નાખી છે અને તમને ગૌરવથી ઉન્નત મસ્તકે ચાલતા કર્યા છે. આજ્ઞાભંગની સજા ( પુન. 28:15-68 ) 14 પ્રભુએ કહ્યું, “જો તમે મારું કહ્યું નહિ સાંભળો, અને મારી આજ્ઞાઓને આધીન નહિ થાઓ; 15 જો તમે મારા નિયમોને તુચ્છ ગણશો અને મારા ફરમાનોની અવજ્ઞા કરશો અને મારી બધી આજ્ઞાઓ નહિ પાળતાં મારી સાથેનો તમારો કરાર તોડશો, 16 તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે. 17 હું તમારી વિરુદ્ધ થઈશ. જેથી, દુશ્મનોને હાથે તમે પરાજિત થશો. તેઓ તમારા પર રાજ ચલાવશે. કોઈ તમારી પાછળ પડયું ન હોવા છતાં તમે બીકના માર્યા નાસભાગ કરશો. 18 “આ બધું વીત્યા છતાં જો તમે મને આધીન થશો નહિ તો હું તમારા પાપની સજા સાત ઘણી વધારીશ. 19 હું તમારા બળનું અભિમાન તોડી પાડીશ. આકાશ જાણે તાંબા જેવું બની જશે કે બિલકુલ વરસાદ વરસશે નહિ અને જમીન લોખંડ જેવી સૂકીભઠ્ઠ થઈ જશે. 20 તમારો કઠોર પરિશ્રમ નકામો જશે. કાચી જમીનમાંથી કશું પાકશે નહિ અને વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ. 21 “આટલું બધું વીત્યા છતાં તમે મારી વિરુદ્ધ થઈને મને આધીન નહિ થાઓ તો તમારા પાપને લીધે હું તે કરતાં પણ સાતગણી વધારે આફતો તમારા પર લાવીશ. 22 હું તમારી મધ્યે જંગલી પ્રાણીઓ મોકલીશ. તેઓ તમારાં બાળકોને મારી નાખશે, તમારાં ઢોરનો નાશ કરશે અને બહુ થોડા જ લોકો બચી જશે. એથી તમારા રાજમાર્ગો વેરાન બની જશે. 23 “એ બધી શિક્ષાથી પણ નહિ સુધરતાં તમે મારી સામા થશો, 24 તો હું પણ તમારી વિરુદ્ધ પડીને ફરીથી તમારાં પાપની સજા સાત ઘણી વધારે કરીશ. 25 તમે મારી સાથેનો કરાર તોડયો હોવાથી હું તમારા પર યુદ્ધ મોકલીશ. જો તમે નગરોમાં સલામતીને માટે ભરાઈ જશો તો હું તમારા પર રોગચાળો મોકલીશ અને તમારે દુશ્મનને શરણે જવું પડશે. 26 હું તમારો અન્નનો પુરવઠો કાપી નાખીશ એટલે દસ સ્ત્રીઓ ફક્ત એક જ તવા પર બધી રોટલીઓ શેકશે. તેઓ તમને નિયત પ્રમાણમાં વજન કરીને રોટલી વહેંચશે અને તે ખાવા છતાં તમે ભૂખ્યા જ રહેશો. 27 “આટઆટલું બન્યાં છતાં તમે મને આધીન નહિ થતાં મારી સામા થશો, 28 તો હું પણ તમારી વિરુદ્ધ પડીને તમારા પર મારો કોપ રેડી દઈશ અને તમને તમારાં પાપને લીધે સાત ગણી ભારે સજા કરીશ. 29 તમે એવી ભૂખે ટળવળશો કે તમે તમારા પોતાનાં જ બાળકોનું માંસ ખાશો. 30 હું તમારાં ટેકરીઓ પરનાં ભક્તિસ્થાનોનો નાશ કરીશ, તમારી ધૂપવેદીઓ તોડી પાડીશ અને તમારી મૂર્તિઓના ભંગાર પર તમારાં શબ ફેંકીશ. હું તમારો ધિક્કાર કરીશ. 31 અને હું તમારાં નગરોને ખંડિયેર બનાવી દઈશ. હું તમારાં ઉચ્ચ ભક્તિસ્થાનોનો વિનાશ કરીશ અને તમારાં અર્પણોની સુવાસથી હું પ્રસન્ન થઈશ નહિ. 32 હું તમારા દેશનો એવો વિનાશ કરીશ કે તેમાં વસવાટ કરનાર તમારા દુશ્મનો પણ તે જોઈને આઘાત પામશે. 33 હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે. 34-35 ત્યાર પછી તમે તમારી જે ભૂમિને આરામ આપ્યો ન હતો તે હવે સંપૂર્ણ આરામનાં વર્ષો ભોગવશે. તે વેરાન પડી રહેશે અને સંપૂર્ણ સાબ્બાથ ભોગવશે. કારણ, તમે ત્યારે તમારા દુશ્મનોના દેશમાં દેશનિકાલ થશો. 36 “તમારામાંથી દેશનિકાલ થયેલાઓને હું એવા ભયભીત કરીશ કે પવનથી પાંદડું હાલવાના અવાજથી જ તેઓ નાસવા લાગશે. યુદ્ધમાં જાણે કોઈ પાછળ પડયું હોય એ રીતે તેઓ નાસશે અને દુશ્મન નજીક ન હોવા છતાં તેઓ ઢળી પડશે. 37 કોઈ પાછળ પડયું ન હોવા છતાં એકબીજા સાથે ટકરાઈને તેઓ પડી જશે અને તમારામાં દુશ્મન સામે ટક્કર ઝીલવાની તાક્ત રહેશે નહિ. 38 તમે દેશનિકાલમાં માર્યા જશો અને દુશ્મનોની ભૂમિ તમને ગળી જશે. 39 તમારામાંના જે કોઈ થોડાક ત્યાં બચી જશે તેઓ તમારાં પોતાનાં અને તમારાં પૂર્વજોના પાપને લીધે નાશ પામશે. 40 “પરંતુ તમારાં સંતાનો તેમનાં અને તેમનાં પૂર્વજોનાં પાપ કબૂલ કરશે. મારી સામા થઈને મારી વિરુદ્ધ તેમણે બળવો પોકાર્યો હતો તેની કબૂલાત કરશે કે 41 તેમનાં પાપને લીધે જ હું તેમની વિરુદ્ધ થયો હતો અને મેં તેમને તેમના દુશ્મનોના દેશમાં દેશનિકાલ કર્યા હતા. છેવટે તમારાં સંતાનો પોતાને નમ્ર કરશે અને પોતાના પાપ અને બળવાની સજા ભોગવી લેશે, 42 ત્યારે હું યાકોબ, ઇસ્હાક અને અબ્રાહામ સાથેનો મારો કરાર યાદ કરીશ અને તેમને દેશ આપવા અંગેનું મારું વચન હું યાદ કરીશ. 43 છતાં પ્રથમ તો તેમણે દેશ ત્યજી દેવો પડશે; જેથી ભૂમિને સંપૂર્ણ આરામ મળે. વળી, તેમણે મારા નિયમો અને આજ્ઞાઓ પાળ્યાં નહિ હોવાથી તેની સંપૂર્ણ સજા તેમણે ભોગવવી પડશે. 44 તેમ છતાં તેઓ પોતાના દુશ્મનના દેશમાં હશે ત્યારે પણ હું તેમને સંપૂર્ણપણે ત્યજી દઈશ નહિ કે તેમનો વિનાશ કરીશ નહિ. કારણ, તેથી તો મારા કરારનો ભંગ થાય. 45 હું તો પ્રભુ, તેમનો ઈશ્વર છું. તેમના પૂર્વજોની સાથે મેં કરેલો કરાર યાદ કરીને હું તેમને સમૃદ્ધ કરીશ. બધી પ્રજાઓને મારું સામર્થ્ય દર્શાવવાને માટે મેં તેમના પૂર્વજોને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા; જેથી હું પ્રભુ, તેમનો ઈશ્વર થાઉં.” 46 પ્રભુએ મોશેને સિનાઈ પર્વત પર ઇઝરાયલી લોકને માટે આ બધા નિયમો, આજ્ઞાઓ અને ફરમાનો આપ્યાં હતાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide