Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 25 - પવિત્ર બાઇબલ C.L.


સાતમું વર્ષ
( પુન. 15:1-11 )

1 પ્રભુએ સિનાય પર્વત પર મોશેને કહ્યું,

2 “તું ઇઝરાયલી લોકને આ પ્રમાણે કહે: હું જે દેશ તમને આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો ત્યારે પ્રભુના માનમાં દર સાતમે વર્ષ તમારે જમીનને પૂરો આરામ આપવો અને તેમાં કોઈ જાતની ખેતી કરવી નહિ.

3 છ વર્ષ સુધી તમારે ખેતરમાં વાવણી કરવી, તમારી દ્રાક્ષાવાડીઓની કાપકૂપ કરવી અને ફસલ એકઠી કરવી.

4 પરંતુ સાતમું વર્ષ પ્રભુને સમર્પિત વર્ષ છે. તે વર્ષે જમીનને સંપૂર્ણ આરામ આપવો. તમારે તમારા ખેતરમાં વાવણી કરવી નહિ કે દ્રાક્ષાવાડીઓ છાંટવી નહિ.

5 તે વર્ષે પડેલા દાણામાંથી ઊગેલા અન્‍નનો પાક તમારે લેવો નહિ કે કાપકૂપ કર્યા વગરના દ્રાક્ષાવેલાની દ્રાક્ષ એકઠી કરવી નહિ.તે તો જમીનને માટે સંપૂર્ણ સાબ્બાથનું એટલે આરામનું વર્ષ છે.

6 જો કે તે વર્ષે જમીનમાં કશું વાવવામાં આવશે નહિ તો પણ તે તમારે માટે તેમજ તમારા ગુલામો, મજૂરો, તમારી મધ્યે વસતા પરદેશીઓ,

7 તમારાં પાળેલાં અને વન્ય પ્રાણીઓ એ સૌને માટે ખોરાક પૂરો પાડશે. જમીનમાં જે કાંઈ આપમેળે પાકે તેનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરી શકશો.


ઋણમુક્તિનું વર્ષ

8 “દર સાત વર્ષે આવતો એક સાબ્બાથ, એ રીતે તમે સાત સાબ્બાથ એટલે ઓગણપચાસ વર્ષ ગણો.

9 પછી સાતમા માસને દસમે દિવસે એટલે પ્રાયશ્ર્વિતના દિવસે તમારે સમગ્ર દેશમાં રણશિંગડું વગાડવા માણસ મોકલવો.

10 આ રીતે પચાસમું વર્ષ અલગ કરી દેશના સર્વ રહેવાસીઓ માટે સ્વતંત્રતાની જાહેરાત કરવી. એ વર્ષ તમારે માટે ઋણમુક્તિનું વર્ષ બને. આ વર્ષમાં વેચાઈ ગયેલી મિલક્ત તેના મૂળ માલિકને અથવા તેના વારસોને પાછી મળે અને ગુલામ તરીકે વેચાયેલો માણસ છૂટો થઈ પોતાના કુટુંબમાં પાછો આવે.

11 એ પચાસમું વર્ષ તમારે માટે ઋણમુક્તિનું વર્ષ છે. તે વર્ષે તમારે વાવણી કરવી નહિ. પડેલા દાણામાંથી ઊગ્યું હોય તેની લણણી કરવી નહિ કે કાપકૂપ કર્યા વગરના દ્રાક્ષાવેલા પરથી દ્રાક્ષો એકઠી કરવી નહિ.

12 કારણ, એ તો ઋણમુક્તિનું વર્ષ છે અને તમારે તેને પવિત્ર પાળવાનું છે. પણ ખેતી કર્યા વિનાના ખેતરમાંથી જે આપમેળે ઊગે તે સીધેસીધું ખોરાક માટે ઉપયોગમાં લેવાનું છે.

13 “આ વર્ષે વેચવામાં આવેલી મિલક્ત પોતાના મૂળ માલિકને પાછી મળે.

14 તેથી તમે સાથી ઇઝરાયલીને જમીન વેચો કે ખરીદો ત્યારે તેમાં ગેરલાભ ઉઠાવશો નહિ.

15 ઋણમુક્તિના વર્ષને આવવાને જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાણે જમીનની કિંમત નક્કી કરવી.

16 જો વધુ વર્ષ બાકી હોય તો જમીનની કિંમત વધુ અને ઓછાં વર્ષ બાકી હોય તો જમીનની કિંમત ઓછી આંકવામાં આવે. કારણ, જમીનમાંથી કેટલાં વર્ષ ફસલ મળશે તે પ્રમાણે કિંમત નક્કી કરવાની થાય છે.

17 તમારે એકબીજા સાથે છેતરપિંડી કરવી નહિ. તમારા ઈશ્વર પ્રભુની બીક રાખવી. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


સાતમા વર્ષનો પ્રશ્ર્ન

18 “તમે મારા નિયમો અને આજ્ઞાઓ પાળો. જેથી તમે દેશમાં સહીસલામત રહેશો.

19 જમીન તમારે માટે મબલક પાક ઉતારશે અને તમને જોઈએ તેટલું ખાવા મળશે તથા તમે સલામત રહેશો.

20 કોઈને પ્રશ્ર્ન થાય કે સાતમા વર્ષમાં કશું વાવવાનું કે લણવાનું નથી, તો પછી શું ખાઈશું?

21 પરંતુ પ્રભુ છઠ્ઠા વર્ષને આશિષ આપશે એટલે ત્રણ વર્ષ ચાલે તેટલો પાક ઉતરશે.

22 આઠમે વર્ષે તમે વાવણી કરશો ત્યારે આગલા વર્ષના પાકમાંથી તમે ખાતા હશો અને નવમા વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યારે પણ તમે સંઘરેલું જૂનું અનાજ જ ખાતા હશો.


જમીનની લેવડદેવડના નિયમો

23 “તમારે જમીનનું કાયમી ધોરણે વેચાણ કરવું નહિ. કારણ, જમીન તમારી નહિ, પણ મારી છે. તમે તો ફક્ત પરદેશીઓની માફક તેનો ઉપયોગ કરનારા છો.

24 જ્યારે જમીનનું વેચાણ કરવામાં આવે ત્યારે તે પાછી ખરીદી લેવાનો મૂળ માલિકનો હક્કચાલુ રહે.

25 જો કોઈ ઇઝરાયલી ગરીબ બની જાય અને તેને પોતાની જમીન વેચી દેવાની ફરજ પડે તો તેનો નજીકનો સગો તે ખરીદીને પાછી મેળવી આપે.

26 જો કોઈને એવો નજીકનો સગો ન હોય તો જ્યારે તે સમૃદ્ધ બને ત્યારે ફરી પાછી ખરીદ કરી શકે.

27 આવા કિસ્સામાં વેચાણ પછીનાં વર્ષો હિસાબમાં લઈ પછીનાં જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાણે તેની કિંમતની ગણતરી કરી ચૂકવવી. તેણે તેની મિલક્ત પાછી આપી દેવી.

28 હવે જો તે જમીન ફરીથી ખરીદી શકવા સમર્થ ન હોય તો ઋણમુક્તિના વર્ષ સુધી તે ખરીદનારની પાસે રહે. ઋણમુક્તિના વર્ષે તો તે મૂળ માલિકને પાછી મળે.

29 “જો કોઈ કોટવાળા નગરમાંનું પોતાનું મકાન વેચી દે તો એક વર્ષ સુધી તેને પાછું ખરીદવાનો હક્ક રહે.

30 પરંતુ જો એક વર્ષ સુધી તે પાછું ખરીદ કરી ન શકે તો ફરી ખરીદવાનો હક્ક તે ગુમાવે છે અને તે મકાનની કાયમી માલિકી ખરીદનાર અને તેના વંશજોની થાય. ઋણમુક્તિના વર્ષમાં પણ તે મકાન મૂળ માલિકને પાછું ન મળે.

31 કોટ વગરનાં ગામડાંનાં ઘરો તો ખેતર જેવાં જ ગણાય. મૂળ માલિકને તે ફરીથી ખરીદવાનો હક્ક કાયમ રહે અને ઋણમુક્તિના વર્ષમાં તો તે પાછું મૂળ માલિકને મળે.

32 જો કે લેવીઓને તેમનાં માલિકીનાં મકાન ગમે ત્યારે પાછાં ખરીદી લેવાનો કાયમી હક્ક છે.

33 જો કોઈ લેવી નગરમાંનું પોતાનું મકાન વેચી દે અને પાછું ન ખરીદે તો ઋણમુક્તિના વર્ષમાં તે તેને પાછું મળે. કારણ, લેવીઓનાં નગરમાંનાં તેમનાં મકાન તે તો ઇઝરાયલીઓ મધ્યેની તેમની કાયમી મિલક્ત છે.

34 પરંતુ લેવીઓનાં શહેરોની ચારેબાજુની ઘાસચારાની જમીન કદી વેચવામાં આવે નહિ. તે તો તેમની કાયમી મિલક્ત છે.


ગરીબોને ધિરાણ આપવા અંગેના નિયમો

35 “તમારી પાસે રહેતો જો કોઈ સાથી ઇઝરાયલી ગરીબ બની જાય અને પોતાનું ભરણપોષણ કરવા અસમર્થ હોય તો જેમ તમે પરદેશી કે પ્રવાસીઓને મદદ કરો છો તેમ જ તેને કરવી; જેથી તે તમારી સાથે રહી શકે.

36 તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો લેવો નહિ. પણ તમારે તમારા ઈશ્વરની બીક રાખવી અને તેને તમારી સાથે રાખવો.

37 તેને આપેલા પૈસા પર કંઈ વ્યાજ ન લો અને તેને આપેલા અનાજ પર કોઈ નફો ન લેવો.

38 તમને કનાન દેશમાં લાવવા અને તમારો ઈશ્વર થવા તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું.


ગુલામની મુક્તિના નિયમો

39 “જો તમારી પાસે રહેતો સાથી ઇઝરાયલી એટલો બધો ગરીબ બની જાય કે પોતાની જાતને ગુલામ તરીકે વેચી દે તો પણ તમારે તેની પાસે ગુલામના જેવું કામ કરાવવું નહિ.

40 તે મજૂર કે પરદેશી જેવો ગણાય અને ઋણમુક્તિના વર્ષ સુધી તે તમારી સેવા કરશે.

41 ત્યાર પછી તે અને તેનાં બાળકો તમારાથી છૂટાં થઈને પોતાના વતનમાં પાછાં ફરે અને પોતાના પૂર્વજો મિલક્તના માલિક બને.

42 ઇઝરાયલી લોકો તો મારા ગુલામ છે. મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા. તેમને ફરીથી ગુલામ તરીકે વેચી શકાશે નહિ.

43 તેની પાસે કડકાઈથી ગુલામની જેમ વેઠ કરાવશો નહિ, પરંતુ તમારા ઈશ્વરની બીક રાખો.

44 જો તમારે ગુલામની જરૂર હોય તો તમારી આસપાસ વસતી પ્રજાઓ મધ્યેથી ખરીદો.

45 એ ઉપરાંત તમારી મધ્યે વસતા પરદેશીઓ અથવા દેશમાં જન્મેલાં તેમનાં સંતાનોને ગુલામ તરીકે ખરીદી શકો છો. આવાં સંતાનો તમારી મિલક્ત ગણાય.

46 તમે તેમને તમારા વંશજોને વારસામાં આપી શકો અને જીવનપર્યંત તેઓ તેમની સેવા કરે. પરંતુ તમારે તમારા સાથી ઇઝરાયલી પાસે ગુલામના જેવી વેઠ કરાવવાની નથી.

47 “ધારો કે તમારી મધ્યે વસતો પરદેશી શ્રીમંત થઈ જાય અને સાથી ઇઝરાયલી ગરીબ બની જતાં પોતે ગુલામ તરીકે તેને અથવા તેના કુટુંબના કોઈ સભ્યને વેચાઈ જાય,

48 તો તેને ફરીથી પાછા ખરીદીને છોડાવી લેવાનો હક્ક ચાલુ રહે. તેનો કોઈ ભાઈ

49 તેના ક્કા, તેનો પિતરાઇ ભાઈ અથવા બીજો કોઈ નજીકનો સગો તેને પાછો ખરીદીને છોડાવી શકે અથવા જો તેને પોતાની પાસે પૂરતી કમાણી થાય તો તે જાતે કિંમત ચૂકવીને સ્વતંત્ર થઈ શકે.

50-52 ખરીદનારે તેને માટે ચૂકવેલી કિંમત તે વેચાયો ત્યારથી ઋણમુક્તિના વર્ષ સુધીની ગણાય. તે મુક્ત થવા માગે ત્યારે ઋણમુક્તિના વર્ષને આવવાને જેટલાં વર્ષ બાકી રહ્યાં હોય તે પ્રમાણે તેણે પોતાનું મુક્તિમૂલ્ય ચૂકવી આપવું જોઈએ. વધારે વર્ષ બાકી હોય તો વધારે અને ઓછાં બાકી હોય તો ઓછું મૂલ્ય ચૂકવી આપવાનું રહે. મૂલ્ય મજૂરના દૈનિક વેતનના પ્રમાણમાં ગણવામાં આવે. એટલે ઋણમુક્તિના વર્ષમાં બાકી રહેલાં વર્ષ પ્રમાણે મજૂરીના વેતન જેટલી રકમ તે ચૂકવે.

53 તે વાર્ષિક ધોરણે રાખેલ વેતનીય મજૂર જેવો ગણાય. તેનો માલિક તેની પાસેથી કડકાઈથી કામ ન લે તે તમારે જોવું.

54 જો તેને કોઈ રીતે સ્વતંત્ર કરવામાં ન આવે તો પછીના ઋણમુક્તિના વર્ષમાં તે અને તેનાં બાળકો સ્વતંત્ર થઈ જાય.

55 કોઈ ઇઝરાયલી કાયમનો ગુલામ રહી શકે નહિ. કારણ, ઇઝરાયલી લોક તો મારા ગુલામ છે. મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan