લેવીય 24 - પવિત્ર બાઇબલ C.L.દીવાની દેખરેખ ( નિર્ગ. 27:20-21 ) 1 પ્રભુએ મોશેને કહ્યું, 2 “મુલાકાતમંડપમાં દીવાનો પ્રકાશ સતત ચાલુ રહે તે માટે પીલેલું શુદ્ધ ઓલિવ તેલ લાવવા ઇઝરાયલી લોકોને જણાવ. 3 મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની આગળના પડદા બહાર જે પવિત્રસ્થાન છે ત્યાં આરોને સાંજથી સવાર સુધી પ્રભુ સમક્ષ દીવો સતત સળગતો રાખવાનો છે. આ તો વંશપરંપરાગત રીતે પાળવાનો કાયમનો નિયમ છે. 4 આરોને પ્રભુ સમક્ષ રાખેલી ચોખ્ખા સોનાની દીવી પરના દીવા સતત સળગતા રહે તેની કાળજી રાખવાની છે. પ્રભુને અર્પિત રોટલી 5 “ઘઉંનો લોટ લઈ તેમાંથી એક કિલોની એક એવી બાર રોટલી બનાવ. 6 પછી તેને પ્રભુ સમક્ષ શુદ્ધ સોનાની મેજ પર છ છની બે હારમાં ગોઠવ. 7 દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક. રોટલીને બદલે એ લોબાન પ્રતીક તરીકે પ્રભુ સમક્ષ અગ્નિબલિ તરીકે ચડાવવાનો છે. 8 દરેક સાબ્બાથે પ્રભુ સમક્ષ એ પ્રમાણે રોટલી મૂકવાની છે. ઇઝરાયલી લોકની એ કરારયુક્ત કાયમી ફરજ છે. 9 આ રોટલી આરોન અને તેના વંશજોની થાય. પવિત્રસ્થાનમાં તે ખાવામાં આવે; કારણ, પ્રભુને ચડાવવામાં આવેલ અર્પણમાંથી યજ્ઞકારો માટેનો તે અતિ પવિત્ર હિસ્સો છે. ન્યાયી સજાનો નમૂનો 10-11 ઇઝરાયલી લોક મધ્યે એક માણસ હતો. તેની માતા ઇઝરાયલી હતી અને તેના પિતા ઇજિપ્તી હતા. તેની માતાનું નામ શલોમીથ હતું. તે દાનના કુળના દિબ્રિની પુત્રી હતી. આ માણસે છાવણીમાં એક ઇઝરાયલી સાથે ઝઘડો કર્યો. તેણે ઈશ્વરના નામની નિંદા કરતાં પેલાને શાપ આપ્યો. તેથી લોકો તેને મોશે પાસે લઈ આવ્યા. 12 જ્યાં સુધી પ્રભુનો ચુકાદો ના આવે ત્યાં સુધી તેમણે તેને ચોકીપહેરા નીચે રાખ્યો. 13-14 પ્રભુએ મોશેને કહ્યું, “તે માણસને છાવણી બહાર લઈ જા. જે સાક્ષીઓએ તેને ઈશ્વરનિંદા કરતાં સાંભળ્યો હોય તે બધા પોતાનો હાથ તેના માથા પર મૂકે. પછી સમગ્ર ઇઝરાયલી સમાજ તેને પથ્થરે મારી નાખે. 15 ત્યાર પછી ઇઝરાયલી લોકને કહેજે: જે કોઈ ઈશ્વરનિંદા કરશે તેણે તેની સજા ભોગવવી પડશે જ. 16 એવાંને મોતની સજા ફટકારવી. જો કોઈ ઇઝરાયલી કે તમારી મધ્યે વસતો પરદેશી યાહવેના નામની નિંદા કરે તો સમગ્ર સમાજે તેને પથ્થરે મારી નાખવો. વેરની વસૂલાત 17 “જો કોઈ ખૂન કરે તો તેને મોતની સજા ફટકારવામાં આવે. 18 જો કોઈ બીજા માણસનું પ્રાણી મારી નાખે તો તેણે તેની નુક્સાની ભરી આપવી. જીવને બદલે જીવ એ સિદ્ધાંત અનુસરવામાં આવે. 19 “જો કોઈ બીજાને ઇજા પહોંચાડે તો તેને તેવી જ ઇજા પહોંચાડવી. 20 જો કોઈ હાડકું ભાંગી નાંખે તો તેનું હાડકું ભાંગી નાખવું, આંખ ફોડે તો તેની આંખ ફોડી નાખવી, દાંત પાડી નાખે તો તેનો દાંત પાડી નાખવો. તે બીજાને જેવી ઇજા પહોંચાડે તેવી જ ઇજા તેને કરવામાં આવે. 21 જો કોઈ માણસ પ્રાણીને મારી નાખે તો તેણે તેની નુક્સાની ભરી આપવી. પણ જો કોઈ માણસ બીજા માણસને મારી નાખે તો તેને મારી નાખવો. 22 ઇઝરાયલી અને તમારી મધ્યે વસતા પરદેશી સૌને માટે એક સરખો કાયદો છે. કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” 23 મોશેએ ઇઝરાયલીઓને આ બધું કહ્યું. ત્યાર પછી તેઓ ઈશ્વરનિંદા કરનાર માણસને છાવણી બહાર લઈ ગયા અને તેને પથ્થરે મારી નાખ્યો. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ કર્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide