લેવીય 23 - પવિત્ર બાઇબલ C.L.ધાર્મિક પર્વો 1 પ્રભુએ મોશેને કહ્યું, 2 “ઇઝરાયલી લોકોને તું આ પ્રમાણે કહે: આ મારાં ધાર્મિક પર્વો છે. તે સમયે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન ભરવાનાં છે. 3 “છ દિવસ તમારે કામ કરવાનું છે. પરંતુ યાદ રાખો કે સાતમો દિવસ એટલે સાબ્બાથ તો આરામનો દિવસ છે. તે દિવસે કંઈ રોજિંદું કામ કરો નહિ. પણ પ્રભુનું ભજન કરવા એકત્ર થાઓ. તમે ગમે ત્યાં વસતા હો પણ સાબ્બાથ તો પ્રભુને સમર્પિત દિવસ છે. 4 “તમારે નીચેનાં પર્વો તેમના નિયત સમયે ઊજવવાનાં છે.: પાસ્ખા પર્વ અને ખમીર રહિત રોટલીનું પર્વ ( ગણ. 28:16-25 ) 5 “પ્રભુના માનમાં ઊજવવાનું પાસ્ખાપર્વ પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી શરૂ થાય છે. 6 એ જ માસના પંદરમા દિવસથી ખમીરરહિત રોટલીનું પર્વ શરૂ થાય છે. સાત દિવસ સુધી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. 7 પ્રથમ દિવસે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન રાખવું અને ત્યારે રોજીંદુ કાર્ય કરવું નહિ. 8 સાત દિવસ સુધી તમારે પ્રભુને અગ્નિબલિ ચડાવવા. સાતમે દિવસે તમારે ફરીથી પ્રભુના ભજનને માટે સંમેલન રાખવું અને રોજિંદું કાર્ય કરવું નહિ.” પ્રથમફળ 9-10 પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકને આ પ્રમાણે કહે: જે દેશ પ્રભુ તમને આપે તેમાં તમે પ્રવેશ કરો અને પછી કાપણી કરો ત્યારે તમારે તમારી ફસલનો પ્રથમ પૂળો યજ્ઞકાર પાસે લઈ જવો. 11 યજ્ઞકાર તેને આરતી-અર્પણ તરીકે પ્રભુને ચડાવે એટલે તમારો સ્વીકાર થશે. સાબ્બાથ પછીના દિવસે યજ્ઞકાર તેનું અર્પણ ચડાવે. 12 જે દિવસે તમે ફસલના પ્રથમ પૂળાનું અર્પણ કરો તે જ દિવસે પ્રભુને દહનબલિ તરીકે ખોડખાંપણ વગરનું એક વર્ષનું નર હલવાન ચડાવવું. 13 તે સાથે જ તેલમાં મોયેલો બે કિલો લોટ ધાન્ય અર્પણ તરીકે ચડાવવો. તેની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે. તે સાથે એક લિટર દ્રાક્ષાસવ પણ ચડાવવો. 14 આ અર્પણ પ્રભુને ચડાવ્યા સિવાય તમારે નવું અનાજ કાચું, શેકેલું કે રોટલીરૂપે પકવેલું ખાવું નહિ. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ તમારે આ નિયમ તો વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે. કાપણી પર્વ ( ગણ. 28:26-31 ) 15 “સાબ્બાથ પછીના જે દિવસે તમે પ્રભુને પૂળાનું આરતીરૂપે અર્પણ ચડાવો ત્યારથી સાત સપ્તાહ ગણો. 16 પચાસમા દિવસે એટલે સાતમા સાબ્બાથ પછીના દિવસે પ્રભુને નવી ફસલનું અર્પણ ચડાવો. 17 દરેક કુટુંબે બે કિલો લોટમાં ખમીર ભેળવીને બનાવેલી બે રોટલીનું પ્રભુને નવી ફસલના પ્રથમ ફળ તરીકે અર્પણ કરવાનું છે. 18 “આ રોટલી સાથે સમગ્ર ઇઝરાયલી સમાજે એક વર્ષના ખોડખાંપણ વગરના સાત હલવાન, એક વાછરડો અને બે બકરા પ્રભુને ચડાવવા. તેને ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવના પેયાર્પણ સાથે દહનબલિ તરીકે ચડાવવા. આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે. 19 તે સાથે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો અને સંગતબલિ તરીકે એક વર્ષના બે નર હલવાન ચડાવવા. 20 યજ્ઞકાર ફસલના પ્રથમ ફળના અર્પણની રોટલી સાથે યજ્ઞકારના હિસ્સા માટે પ્રભુને બે હલવાન આરતીરૂપે અર્પણ ચડાવે. આ અર્પણો પવિત્ર છે. 21 તે દિવસે તમારે રોજિંદું કામ કરવું નહિ. પણ પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ આ નિયમ તો તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે. 22 “જ્યારે તમે ખેતરની કાપણી કરો ત્યારે છેક છેડા સુધીનો પાક કાપી લેશો નહિ. વળી, બાકી રહી ગયેલાં ડૂંડાં ફરીથી કાપવા જશો નહિ. ગરીબ અને પરદેશી માટે તે રહેવા દો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” રણશિંગડાંનું પર્વ ( ગણ. 29:1-6 ) 23-24 પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકને આ પ્રમાણે કહે: સાતમા માસના પ્રથમ દિવસને તમારે ખાસ સાબ્બાથના દિવસ તરીકે પાળવો. તે દિવસે રણશિંગડું વગાડી પ્રભુના ભજન માટેના સંમેલનમાં એકત્ર થવું. 25 તે દિવસે પ્રભુને અગ્નિબલિ ચડાવવો અને રોજિંદું કામ કરવું નહિ.” પ્રાયશ્ર્વિતના દિવસનું પર્વ ( ગણ. 29:7-11 ) 26 પ્રભુએ મોશેને કહ્યું, 27 “સાતમા માસનો દસમો દિવસ પ્રાયશ્ર્વિતનો દિવસ છે. તે દિવસે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું, ઉપવાસ કરવો અને પ્રભુને અગ્નિબલિ ચઢાવવો. 28 તે દિવસે કંઈ રોજિંદું કામ કરવું નહિ; કારણ, તે તો પ્રભુ તમારા ઈશ્વર આગળ તમારા પાપનું પ્રાયશ્ર્વિત કરવાનો દિવસ છે. 29 તે દિવસે જે કોઈ ઉપવાસ ન કરે તેને સમાજમાંથી બહિષ્કૃત કરવો. 30 તે દિવસે જો કોઈ કંઈ રોજિંદું કામ કરશે તો પ્રભુ પોતે જ તેને મારી નાખશે. 31 તમે ગમે ત્યાં વસતા હો પરંતુ આ નિયમ તો તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે. 32 નવમા દિવસની સાંજથી દસમા દિવસની સાંજ સુધી તમારે આ દિવસ ખાસ સાબ્બાથ દિન અને ઉપવાસના દિવસ તરીકે પાળવાનો છે.” માંડવા પર્વ ( ગણ. 29:12-40 ) 33-34 પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકને તું આ પ્રમાણે કહે: સાતમા માસના પંદરમા દિવસથી માંડવાપર્વની શરૂઆત થાય છે અને તે સાત દિવસ ચાલે છે. 35 પર્વના પ્રથમ દિવસે તમારે ભજનને માટે સંમેલન ભરવું અને તમારું રોજિંદું કામ કરવું નહિ. 36 તમારે સાત દિવસ સુધી દરરોજ અગ્નિબલિ ચડાવવાનો છે. આઠમે દિવસે ફરીથી ભજનને માટે સંમેલન ભરવું અને અગ્નિબલિ ચડાવવો. તે તો પર્વ સમાપ્તિ નિમિત્તે પ્રભુના ભજનનો દિવસ છે અને તેથી કોઈએ કંઈ રોજિંદું કામ કરવું નહિ. 37 “આ બધાં પ્રભુનાં ધાર્મિક પર્વો છે. તમારે આ પ્રસંગોએ પ્રભુના ભજન માટે સંમેલન બોલાવવું અને પ્રભુને નિયમ પ્રમાણે અગ્નિબલિ, દહનબલિ, ધાન્યઅર્પણ, અન્ય અર્પણો, દ્રાક્ષાસવનું પેયાર્પણ વગેરે દરરોજ ચડાવવાં. 38 આ પર્વો નિયમિત સાબ્બાથના પર્વ ઉપરાંતનાં છે. વળી, આ અર્પણો તમારી નિયમિત બક્ષિસો, માનતા પૂરી કરવા માટેનાં અર્પણ અને સ્વૈચ્છિક અર્પણો ઉપરાંતનાં છે. 39 “જ્યારે તમે ફસલ કાપો ત્યારે સાતમા માસના પંદરમા દિવસથી સાત દિવસ સુધી પર્વ પાળવું. પ્રથમ દિવસ ખાસ સાબ્બાથનો દિવસ છે. 40 તે દિવસે તમારા ફળની ઉત્તમ પેદાશ, ખજૂરીની ડાળીઓ, લીલાંછમ પાંદડા અને ડાળીઓ એકઠી કરી તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ એ દિવસે આનંદોત્સવ કરવો; 41 તમારે પ્રતિવર્ષ સાત દિવસ સુધી પર્વ પાળવું. તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે આ નિયમ પાળવાનો છે. 42 ઇઝરાયલના બધા લોકોએ સાત દિવસ સુધી માંડવાઓમાં રહેવાનું છે. 43 જેથી તમારા વંશજો જાણે કે પ્રભુએ જ્યારે ઇઝરાયલી લોકને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારે તેઓ માંડવાઓમાં વસતા હતા. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” 44 આ રીતે મોશેએ પ્રભુના માનમાં ઉજવવાનાં ધાર્મિક પર્વો માટે એ નિયમો ઇઝરાયલી લોકને આપ્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide