Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 22 - પવિત્ર બાઇબલ C.L.


અર્પણોની પવિત્રતા

1 પ્રભુએ મોશેને કહ્યું,

2 “આરોન અને તેના પુત્રોને કહે: ઇઝરાયલી લોક મને જે પવિત્ર યજ્ઞો ચડાવે છે તેની પવિત્રતા તેઓ જાળવે; અને મારા પવિત્ર નામને અપમાનિત કરે નહિ; હું પ્રભુ છું.

3 જો કોઈ આરોનવંશી યજ્ઞકાર પોતે અશુદ્ધ હોવા છતાં ઇઝરાયલી લોક મને જે પવિત્ર અર્પણો ચડાવે છે તેમની નજદીક આવે તો તેણે કદી મારી વેદીની સેવા કરવી નહિ. આ તો વંશપરંપરાગત પાળવાનો કાયમી નિયમ છે. હું પ્રભુ છું.

4 “જો કોઈ આરોનવંશી યજ્ઞકારને રક્તપિત્ત કે સ્રાવનો રોગ હોય તો તે પાછો વિધિગત રીતે શુદ્ધ થયા વગર પવિત્ર અર્પણોમાંથી કંઈ ખાય નહિ.

5 જે યજ્ઞકાર શબના સ્પર્શથી અશુદ્ધ થયેલ વસ્તુને અડકે અથવા જેને વીર્યસ્રાવ થતો હોય તેવા પુરુષને અડકે અથવા પેટે ચાલતાં કોઈ અશુદ્ધ પ્રાણી કે કોઈ પક્ષી કે કોઈ માણસનો સ્પર્શ કરે તો એવી કોઈપણ અશુદ્ધિને લીધે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

6 પછી સ્નાન કર્યા વગર તે પવિત્ર અર્પણમાંથી કશું ખાઈ શકે નહિ.

7 સૂર્યાસ્ત પછી તે શુદ્ધ છે; એટલે તે પવિત્ર અર્પણોમાંથી ખાઇ શકે; કારણ, તે તો યજ્ઞકારો માટેનો ખોરાક છે.

8 યજ્ઞકારે કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાવું નહિ. તેનાથી તે અશુદ્ધ થશે. હું પ્રભુ છું.

9 “દરેક યજ્ઞકારે મેં આપેલા નિયમોનું પાલન કરવાનું છે; નહિ તો તેઓ પવિત્ર નિયમોનો ભંગ કર્યાને લીધે દોષિત ઠરીને માર્યા જશે. હું પ્રભુ છું અને હું તેમને પવિત્ર બનાવું છું.

10 “ફક્ત યજ્ઞકાર કુટુંબની વ્યક્તિ જ પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે, બીજું કોઈ તેમાંથી ખાય નહિ; પછી તે યજ્ઞકારનો મહેમાન કે મજૂર હોય.

11 પરંતુ યજ્ઞકારે વેચાતો લીધેલો અથવા તેના ઘરમાં જન્મેલો ગુલામ હોય તો તે યજ્ઞકારના ખોરાકમાંથી ખાય.

12 યજ્ઞકારની પુત્રી યજ્ઞકારના કુટુંબનો ન હોય એવા પુરુષ સાથે લગ્ન કરે તો તે પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે નહિ.

13 પરંતુ તે વિધવા થઈ હોય કે લગ્નવિચ્છેદ કર્યો હોય અને નિ:સંતાન હોય અને પોતાના પિતાના ઘરમાં આશ્રિત તરીકે પાછી રહેવા આવી હોય તો પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે; પણ કુટુંબ બહારની કોઈ વ્યક્તિએ તે ખાવાનું નથી.

14 “યજ્ઞકાર કુટુંબનો ન હોય તેવો કોઈ માણસ પવિત્ર અર્પણમાંથી જો અજાણતાં ખાય તો તેણે યજ્ઞકારને તેની પૂરેપૂરી કિંમત આપી દેવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા.

15 યજ્ઞકારોએ પવિત્ર અર્પણની વસ્તુ બીજા કોઈ બીનઅધિકૃત માણસને ખાવા આપીને તેને ભ્રષ્ટ કરવી નહિ;

16 નહિ તો તે ખાનાર પર તેનો દોષ અને સજા આવશે. હું પ્રભુ છું અને હું અર્પણને પવિત્ર કરનાર પણ છું.”

17-18 પ્રભુએ મોશેને કહ્યું, “આરોન, તેના પુત્રો અને ઇઝરાયલ લોકને કહે: જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી પોતાની માનતા પૂરી કરવા કે સ્વૈચ્છિક રીતે દહનબલિ ચડાવે,

19 તો તે ગોપશું, ઘેટાં કે બકરાંમાંથી ખોડખાંપણ વગરનું અને નર પ્રાણી હોવું જોઈએ, અને તો જ તે માન્ય કરવામાં આવશે.

20 જો તમે ખોડવાળું પ્રાણી ચડાવશો તો હું પ્રભુ તેનો સ્વીકાર કરીશ નહિ.

21 જો કોઈ માનતા પૂરી કરવા કે સ્વૈચ્છિક રીતે પ્રભુને સંગતબલિ ચડાવે તો તે આખલા કે ઘેટાંમાંથી ખોડખાંપણ વગરનું હોવું જોઈએ, અને તો જ તે સ્વીકારવામાં આવશે.

22 તમારે આંધળું, લૂલું, તૂટેલા અંગવાળું, પાકેલા ગૂમડાવાળું, ખરજવાવાળું કે ખુજલીવાળું પ્રાણી પ્રભુને ચડાવવું નહિ. અગ્નિબલિ તરીકે યજ્ઞવેદી પર આવું પ્રાણી ચડાવવું નહિ.

23 સ્વૈચ્છિકબલિ તરીકે વાછરડા કે ઘેટામાંથી તમે ઠીંગણું કે વિરૂપ પ્રાણી ચડાવી શકો, પરંતુ માનતા પૂરી કરવા માટેના બલિમાં તેવું પ્રાણી સ્વીકારાશે નહિ.

24 જેનાં વૃષણ છૂંદેલા, કચડેલાં, ચીરેલાં કે કાપી નાખેલાં હોય તેવા પ્રાણીનું તમારે પ્રભુને બલિદાન કરવું નહિ. તમારા દેશમાં એવાંને ચડાવવાની તમને પરવાનગી નથી.

25 “તમારે પરદેશી પાસેથી પણ આવું કોઈ પ્રાણી લઈને પ્રભુને બલિદાન તરીકે ચડાવવું નહિ. આવાં પ્રાણીઓ તો ખામીવાળાં છે અને તેથી તેનો સ્વીકાર કરવામાં આવશે નહિ.”

26-27 પ્રભુએ મોશેને કહ્યું, “જ્યારે કોઈ વાછરડું, હલવાન કે લવારું જન્મે ત્યારે સાત દિવસ તેને તેની માતા સાથે રાખવું; આઠમા દિવસ પછી તેનો અગ્નિબલિ તરીકે સ્વીકાર થશે.

28 એક જ દિવસે કોઈ ગાય, ઘેટી, બકરી અને તેમની સાથે તેમનાં બચ્ચાંને યજ્ઞમાં કાપવાં નહિ.

29 જ્યારે તમે પ્રભુને આભારબલિ ચડાવો ત્યારે નિયમ પ્રમાણે તમારે તે જ દિવસે તે ખાવું,

30 અને બીજા દિવસની સવાર સુધી તેમાંથી કંઈ બાકી રાખવું નહિ; હું પ્રભુ છું.”

31 પ્રભુએ કહ્યું, “મારી આજ્ઞાઓ પાળો અને તેનો અમલ કરો; હું પ્રભુ છું.

32 તમે મારા પવિત્ર નામને કલંક લગાડશો નહિ. બધા ઇઝરાયલી લોકોએ મારી પવિત્રતા જાળવવાની છે. હું પ્રભુ છું અને હું તમને પવિત્ર બનાવું છું.

33 તમારો ઈશ્વર થવાને માટે મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. હું પ્રભુ છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan