લેવીય 21 - પવિત્ર બાઇબલ C.L.યજ્ઞકારોની પવિત્રતા 1 પ્રભુએ મોશેને કહ્યું, “આરોનવંશી યજ્ઞકારોને કહે: કોઈ યજ્ઞકારે સ્નેહીજનનું મૃત્યુ થાય તો તેના શબ પાસે જઈને અથવા શબને અડકીને વિધિગત રીતે પોતાને અશુદ્ધ કરવો નહિ. 2 તેમાં આટલાં નિકટનાં સગાં વિષે અપવાદ છે: માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ 3 અને પોતાના ઘરમાં રહેતી કુંવારી સગી બહેન. 4 લગ્નસંબંધને લીધે સગપણમાં આવેલાં સગાંનાં મૃત્યુ વખતે શબને સ્પર્શીને તેણે પોતાને અશુદ્ધ કરવો નહિ. 5 “કોઈ યજ્ઞકારે શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવવું નહિ કે દાઢી કપાવવી નહિ કે શરીરને ઘાયલ કરવું નહિ. 6 તેણે પવિત્ર રહેવું જોઈએ. તેણે મારા નામને કલંક લગાડવું નહિ. તે મને ધાન્યઅર્પણ ચડાવે છે માટે તેણે પવિત્ર રહેવું જ જોઈએ. 7 યજ્ઞકારે વેશ્યા, કૌમાર્યવિહીન કે છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરવું નહિ; કારણ, યજ્ઞકાર ઈશ્વરને સમર્પિત થયેલો છે. 8 લોકોએ યજ્ઞકારને પવિત્ર ગણવો જોઈએ. કારણ, તે મને ધાન્યઅર્પણ ચડાવે છે. હું પ્રભુ છું. હું પવિત્ર છું અને હું મારા લોકને પવિત્ર બનાવું છું. 9 જો કોઈ યજ્ઞકારની પુત્રી વેશ્યા બને તો તેથી તે પોતાના પિતાને કલંક લગાડે છે; તેને અગ્નિમાં બાળી નાખવી. 10 “પ્રમુખ યજ્ઞકારના શિર પર અભિષેકનું તેલ રેડાયેલું છે અને તે યજ્ઞકારનો પોષક પહેરવા માટે સમર્પિત કરાયેલો છે. તેથી તેણે પોતાના વાળ છૂટા રાખવા નહિ કે વસ્ત્ર ફાડીને શોક પ્રદર્શિત કરવો નહિ. 11-12 પ્રમુખ યજ્ઞકારના કોઈ સગાનું અવસાન થાય, પછી ભલે તે તેના પિતાનું કે માતાનું હોય તોપણ તે મને સમર્પિત થયેલો હોવાથી તેણે જ્યાં શબ રાખવામાં આવ્યું છે તે ઘરમાં પ્રવેશ કરવો નહિ અને ત્યાં મારા પવિત્રસ્થાનમાંથી બહાર જઈને તેને ભ્રષ્ટ કરવું નહિ. 13 તેણે કુંવારી કન્યા સાથે લગ્ન કરવું. 14 પરંતુ વિધવા, લગ્ન વિચ્છેદ પામેલી સ્ત્રી કે વેશ્યા સાથે તેણે લગ્ન કરવું નહિ. તેણે પોતાના કુળની કુંવારી સાથે જ લગ્ન કરવું. 15 નહિ તો તેનાં સંતાનો પવિત્ર રહેવાને બદલે વિધિગત રીતે અશુદ્ધ થઈ જશે. હું પ્રભુ છું અને મેં પ્રમુખ યજ્ઞકારને મારી સેવાને માટે અલગ કરેલો છે.” 16-17 પ્રભુએ મોશેને કહ્યું, “તું આરોનને આમ કહે: ખોડખાંપણવાળા એવા તારા કોઈપણ વંશજે મને ધાન્યઅર્પણ ચડાવવું નહિ. આ વંશપરંપરાગત પાળવાનો નિયમ છે. 18 શારીરિક ખોડવાળાએ, એટલે આંધળો, લૂલો, નાનાં, મોટાં કે વધુ અંગવાળો, 19 ઠૂંઠો કે લંગડો, 20 ખૂંધો કે ઠીંગણો, આંખ કે ચામડીના રોગવાળો અને વ્યંડળ એવા કોઈએ મને અર્પણ ચડાવવું નહિ. 21 આરોનવંશી કોઈપણ યજ્ઞકારને કોઈ શારીરિક ખોડ હોય તો તેણે મારી સમક્ષ આવીને મને અગ્નિબલિ ચડાવવા નહિ. એવી ખોડ ધરાવનાર વ્યક્તિ ઈશ્વરને અર્પિત રોટલીનું અર્પણ ચડાવવા પણ નજીક આવે નહિ. 22 તે ઈશ્વરને અર્પિત રોટલીમાંથી અને અતિપવિત્ર તથા પવિત્ર અર્પણોમાંથી ખાઈ શકે; 23 પણ પડદાની કે વેદીની નજીક આવે નહિ; કારણ, તેને શારીરિક ખોડ છે. તે મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કરે નહિ; કારણ, હું તેમને પવિત્ર કરનાર પ્રભુ છું.” 24 મોશેએ આરોન, તેના પુત્રો અને સર્વ ઇઝરાયલીઓને એ પ્રમાણે જણાવ્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide