Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 20 - પવિત્ર બાઇબલ C.L.


આજ્ઞાભંગ માટેનો દંડ

1 પ્રભુએ મોશેને કહ્યું,

2 “ઇઝરાયલ લોકને આ પ્રમાણે કહે: કોઈ ઇઝરાયલી અથવા તમારી મધ્યે વસતો પરદેશી પોતાનાં બાળકોને મોલેખ દેવને બલિ ચડાવવા આપે તો સમગ્ર સમાજે તેને પથ્થરે મારી નાખવો.

3 જો કોઈ વ્યક્તિ મોલેખ દેવને પોતાના બાળકનો બલિ ચડાવે અને એ રીતે મારા પવિત્રસ્થાનને અને મારા નામને કલંક લગાડે તો હું તેની વિરુદ્ધ થઈશ અને મારા લોકમાંથી તેનો બહિષ્કાર કરીશ.

4 જો ઇઝરાયલી સમાજ તે પ્રત્યે ધ્યાન ન આપે અને તેને મારી નાખે નહિ,

5 તો હું તેની, તેના કુટુંબની અને તેની સાથે એમાં ભળી જનારાઓની વિરુદ્ધ થઈશ. તેમણે મારા પ્રત્યેની તેમની વફાદારીનો ત્યાગ કરીને મોલેખ દેવની પૂજા કરી છે તે માટે મારા લોક મધ્યેથી હું તેમનો બહિષ્કાર કરીશ.

6 “જો કોઈ મૃતાત્માઓ સાથે વાતચીત કરી સલાહ આપનાર ભૂવા પાસે જાય તો હું તેની વિરુદ્ધ થઈશ અને મારા લોક મધ્યેથી હું તેનો બહિષ્કાર કરીશ.

7 તમે પોતાને પવિત્ર રાખો. કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.

8 તમે મારા નિયમો પાળો; કારણ, તમને પવિત્ર કરનાર હું પ્રભુ છું.

9 “પોતાનાં માતાપિતાને શાપ આપનારને મારી નાખવો. તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહેશે.

10 “જો કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે બન્‍નેને મારી નાખવાં.

11 જો કોઈ પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરે તો તેણે તેના પિતાનું અપમાન કર્યું છે. તે બન્‍નેને મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને શિર રહેશે.

12 જો કોઈ પોતાની પુત્રવધૂ સાથે સમાગમ કરે તો તે બન્‍નેને મારી નાખવાં. તેમણે અજુગતું કાર્ય કર્યું છે. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે.

13 જો કોઈ પુરુષ બીજા પુરુષની સાથે સ્ત્રીની માફક સમાગમ કરે તો તેમણે ઘણું ધિક્કારપાત્ર કાર્ય કર્યું છે. તેમને મારી નાખવા. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે.

14 જો કોઈ પુરુષ સ્ત્રીને અને તેની માને બન્‍નેને પરણે તો એ નરી દુષ્ટતા છે. તે ત્રણેને અગ્નિમાં બાળી નાખવાં. તમારી મધ્યે આવી દુષ્ટતા ન હોવી જોઈએ.

15 જો કોઈ પુરુષ કોઈ પ્રાણીની સાથે સમાગમ કરે તો તે બન્‍નેને મારી નાખવાં.

16 જો કોઈ સ્ત્રી પ્રાણીની સાથે સમાગમ કરવા પ્રયત્ન કરે તો તે બન્‍નેને મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે.

17 “જો કોઈ પુરુષ પોતાની બહેનને એટલે પિતાની કે માતાની પુત્રીને પરણે અને તેની સાથે સમાગમ કરે તો તે ધિક્કારપાત્ર કાર્ય છે. તેમને જાહેરમાં મારી નાખવાં. તેણે પોતાની બહેન સાથે સમાગમ કર્યો છે, એટલે તેમણે તેની સજા ભોગવવી જ રહી.

18 જો કોઈ પુરુષ ઋતુસ્રાવ દરમ્યાન સ્ત્રી સાથે સમાગમ કરે તો તે અંગેના નિયમનો ભંગ કરવા બદલ તે બન્‍નેનો સમાજમાંથી બહિષ્કાર કરવો.

19 “જો કોઈ પુરુષ માસી કે ફોઈ સાથે સમાગમ કરે તો નજીકના સગાની આબરુ લીધી કહેવાય. તેના પાપની સજા તેણે ભોગવવી જ રહી.

20 જો કોઈ કાકીની સાથે સમાગમ કરે તો તેણે ક્કાને કલંક લગાડયું છે. તેમને સજા થવી જ જોઈએ. તેઓ જીવનપર્યંત નિ:સંતાન રહેશે.

21 જો કોઈ પુરુષ પોતાની ભાભીને પરણે તો તેણે વિધિગત રીતનું અશુદ્ધ કાર્ય કર્યું છે. તેણે પોતાના ભાઈને કલંક લગાડયું છે. તે બન્‍ને નિ:સંતાન રહેશે.”

22 પ્રભુએ કહ્યું, “તમે મારા નિયમો અને આજ્ઞાઓ પાળજો; જેથી હું જ્યાં તમને લઈ જઉં છું તે કનાન દેશ તમને ઓકી કાઢે નહિ.

23 ત્યાં વસતાં લોકોના રીતરિવાજો તમારે સ્વીકારવા નહિ. તેમનાં એ દુષ્ટ કૃત્યોને લીધે હું તેમને ધિક્કારું છું અને તે માટે હું તેમને ત્યાંથી હાંકી કાઢું છું.

24 મેં તમને મારા વચન પ્રમાણે દૂધ અને મધની રેલમછેલવાળો ફળદ્રુપ પ્રદેશ આપ્યો છે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું અને બીજી પ્રજાઓથી મેં તમને અલગ કર્યાં છે.

25 તેથી તમારે ખાવાલાયક અને અશુદ્ધ પ્રાણીઓ તેમજ પક્ષીઓ વચ્ચેનો ભેદ રાખવાનો છે. અશુદ્ધ પ્રાણીઓ કે પક્ષીઓ ખાશો નહિ. મેં તેમને અશુદ્ધ જાહેર કર્યાં છે અને તે ખાવાથી તમે અશુદ્ધ થશો.

26 તમારે મારા પવિત્ર લોક બનવાનું છે. કારણ, હું પ્રભુ છું અને હું પવિત્ર છું. મેં તમને બીજી પ્રજાઓથી અલગ કર્યા છે, જેથી તમે ફક્ત મારા જ બની રહો.”

27 “જો કોઈ પુરુષ કે સ્ત્રી મૃતાત્મા- ઓનો સંપર્ક સાધે અને સલાહ લે તો તેમને પથ્થરે મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને શિરે રહેશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan