Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 19 - પવિત્ર બાઇબલ C.L.


પવિત્રતા અને ન્યાયના નિયમો

1 પ્રભુએ મોશેને કહ્યું,

2 “ઇઝરાયલના સમગ્ર સમાજને આ પ્રમાણે કહે: તમે પવિત્ર થાઓ, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર પવિત્ર છું.

3 દરેકે પોતાનાં માતાપિતાનું સન્માન કરવું અને મારા સાબ્બાથદિન પાળવા. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”

4 “મારાથી વિમુખ થઈને તમે મૂર્તિપૂજા કરશો નહિ અને ધાતુની મૂર્તિઓ બનાવશો નહિ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”

5 “મને પ્રભુને તમે સંગતબલિ ચડાવો ત્યારે તે માટે મેં આપેલા નિયમો પ્રમાણે તે ચડાવજો; જેથી તમારાં અર્પણનો સ્વીકાર થાય.

6 જે દિવસે અર્પણ ચડાવો તે જ દિવસે અથવા પછીના દિવસે તેનું માંસ ખાવું જોઈએ. ત્રીજે દિવસે બાકી રહેલું બધું બાળી નાખવામાં આવે.

7 કારણ, તે વિધિગત રીતે અશુદ્ધ છે અને જો કોઈ તેમાંથી ખાય તો તેનું અર્પણ હું સ્વીકારીશ નહિ.

8 જો કોઈ તેને ખાય તો તેણે તેની સજા ભોગવવી પડશે. કારણ, તેણે પ્રભુને સમર્પિત અર્પણને ભ્રષ્ટ કર્યું છે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો.

9 “કાપણી વખતે પાક છેક છેડા સુધી કાપી ન લેવો. વળી, લણણી પછી રહી ગયેલાં ડૂંડાં કાપી લેવાં નહિ.

10 દ્રાક્ષવેલાની એકેએક દ્રાક્ષ ઉતારી ન લેવી અને નીચે પડેલી દ્રાક્ષ પણ લઈ ન લેવી. ગરીબ અને પરદેશીઓ માટે તે રહેવા દેવી. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.

11-12 “તમારે ચોરી ન કરવી, જૂઠું બોલવું નહિ, એકબીજાને છેતરવા નહિ. મારા નામના જૂઠા સોગંદ ખાવા નહિ અને એ રીતે મારા નામનું અપમાન કરવું નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.

13 “કોઈનું શોષણ કરવું નહિ કે તેને લૂંટી લેવો નહિ. મજૂરની મજૂરી એક રાત સુધી પણ બાકી રાખવી નહિ.

14 બહેરાને શાપ આપવો નહિ. આંધળાના માર્ગમાં ઠોકર મૂકવી નહિ. મારી બીક રાખો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.

15 “ન્યાયની બાબતમાં પ્રામાણિક રહેવું. ગરીબનો ખોટી રીતે બચાવ કરવો નહિ કે શ્રીમંતની શરમ રાખવી નહિ.

16 કોઇની જૂઠી ચાડી કરવી નહિ. કોઈના પર ખોટો આરોપ મૂકી તેના જીવને જોખમમાં મૂકવો નહિ. હું પ્રભુ છું.

17 “કોઈના વિષે મનમાં કિન્‍નાખોરી રાખવી નહિ, પણ નિખાલસતાથી તેને તેનો દોષ બતાવવો; જેથી તેને લીધે તું પાપમાં પડે નહિ.

18 કોઈના પર વેર વાળવું નહિ કે તેને કાયમને માટે ધિક્કારવો નહિ. પરંતુ બીજાઓ પર પોતાની જાત જેટલો જ પ્રેમ રાખવો; હું પ્રભુ છું.

19 “મારી આજ્ઞાઓનું પાલન કરો. એક જાતનાં પ્રાણીઓનું બીજી જાતનાં પ્રાણીઓ પાસે મિશ્ર ગર્ભાધાન કરાવવું નહિ. ખેતરમાં એક સાથે બે જાતનાં બી વાવવાં નહિ. બે જાતના રેસામાંથી વણેલું મિશ્ર કાપડ પહેરવું નહિ.

20 “જો કોઈ ગુલામ છોકરીને બીજા પુરુષને વેચી દેવામાં આવી હોય, પણ ખરીદનાર પુરુષે તેનું મૂલ્ય ચૂકવ્યું ન હોય અને એવી છોકરી સાથે કોઈ સમાગમ કરે તો તે બન્‍નેને સજા કરવી, પણ તેમને મારી નાખવાં નહિ. કારણ, તે ગુલામ છોકરી માલિકથી સ્વતંત્ર ન હતી.

21 તે માણસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે દોષનિવારણબલિનો ઘેટો પ્રભુને માટે લઈ આવવો.

22 અને યજ્ઞકાર તે માણસનું પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે તે માણસને ક્ષમા કરવામાં આવશે.

23 “જ્યારે તમે કનાન દેશમાં પ્રવેશ કરો અને ફળઝાડ રોપો તો ત્રણ વર્ષ માટે તમારે તેનાં ફળ વિધિગત રીતે અશુદ્ધ ગણવાં અને તે દરમ્યાન તે ફળ તમારે ખાવાં નહિ.

24 ચોથા વર્ષે તેનાં ફળ પ્રભુનો આભાર માનવાને માટે અર્પણ કરવાં.

25 પાંચમે વર્ષે તેનાં ફળ તમે ખાઈ શકો. જો તમે આ પ્રમાણે કરશો તો તમારાં ફળઝાડનો ફાલ ખૂબ જ વધશે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.

26 “તમારે રક્ત સહિત માંસ ખાવું નહિ. મંત્રવિદ્યા વાપરવી નહિ કે જોષ જોવા નહિ.

27 તમારા માથાની બાજુના વાળ કપાવવા નહિ કે દાઢીના ખૂણા કપાવવા નહિ.

28 કોઈના અવસાનના શોકમાં શરીર પર ઘા કરવા નહિ કે શરીરે છાપ છૂંદાવવી નહિ. હું પ્રભુ છું.

29 “તમારી પુત્રીઓને મંદિરની દેવદાસી બનાવી ભ્રષ્ટ કરશો નહિ. એમ કરવાથી તમે અન્ય દેવો તરફ ફરી જશો અને આખો દેશ વેશ્યાગમન કરતો થઈ જશે અને ભ્રષ્ટતાથી ભરપૂર થઈ જશે.

30 “તમે મારા સાબ્બાથદિન પાળો અને મારા પવિત્રસ્થાનને માન આપો. હું પ્રભુ છું.

31 “મૃતાત્માઓ સાથે વાતચીત કરીને સલાહ આપનારા ભૂવાઓ પાસે જવું નહિ. જો તેમ કરશો તો તમે વિધિગત રીતે અશુદ્ધ ગણાશો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.

32 “વૃદ્ધોને માન આપો, અને મારી બીક રાખો; હું પ્રભુ છું.

33 “તમારી મધ્યે વસતા પરદેશીને હેરાન કરશો નહિ.

34 તેને જાતભાઈ જેવો જ ગણો અને તેના પર તમારી જાત જેટલો જ પ્રેમ રાખો. કારણ, ઇજિપ્તમાં તમે પણ એકવાર પરદેશી હતા. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.

35 “લંબાઈ કે વજન કે તોલના માપમાં કોઈને છેતરશો નહિ.

36 “તમારે સાચાં ત્રાજવાં, સાચાં વજન અને સાચાં માપ વાપરવાં. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. મેં તમને ઈજિપ્તમાંથી મુક્ત કર્યા છે.

37 મારા બધા નિયમો અને આજ્ઞાઓ પાળજો. હું પ્રભુ છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan