Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 18 - પવિત્ર બાઇબલ C.L.


સમાગમ અંગેના નિયમો

1 પ્રભુએ મોશેને કહ્યું,

2 “ઇઝરાયલી લોકોને તું આ પ્રમાણે કહે: હું પ્રભુ તમારો ઇશ્વર છું.

3 તમે જ્યાં વસતા હતા તે ઇજિપ્તના લોકની માફક તમે વર્તશો નહિ અથવા જ્યાં હું તમને લઈ જઉં છું તે કનાન દેશના લોકોના રિવાજો પાળશો નહિ.

4 મારી આજ્ઞાઓનું પાલન કરો અને મારા નિયમોને અનુસરો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.

5 તમારે મારા નિયમો અને મારાં ફરમાન પાળવાં; તેમનું પાલન કરવાથી તમે જીવતા રહેશો. હું પ્રભુ છું.”

6 પ્રભુએ નીચે પ્રમાણેના નિયમો આપ્યા: “તમારે જેની સાથે લોહીની સગાઈ હોય તેવી સ્ત્રી સાથે સમાગમ કરવો નહિ; હું પ્રભુ છું.

7 તમારે તમારી મા સાથે સમાગમ કરવો નહિ; એમાં તમારા બાપનું અપમાન છે. એ તમારી મા છે અને તમારે તમારી પોતાની માની ઇજ્જત લૂંટવી નહિ.

8 તમારે તમારી મા સિવાયની બાપની અન્ય પત્નીઓ સાથે સમાગમ કરવો નહિ. એ તો તમારા બાપનું અપમાન કરવા બરાબર છે.

9 તમારે તમારી બહેન કે સાવકી બહેન સાથે સમાગમ કરવો નહિ, પછી તેનો ઉછેર તમારી સાથે એક જ ઘરમાં થયો હોય કે નહિ.

10 તમારે તમારી પૌત્રી સાથે સમાગમ કરવો નહિ. તે તો તમારી પોતાની જાતનું અપમાન કરવા બરાબર છે.

11 તમારે તમારા બાપની પત્નીથી થયેલ પુત્રી સાથે સમાગમ કરવો નહિ; એ તો તમારી બહેન છે.

12 તમારે તમારી ફોઈ સાથે સમાગમ કરવો નહિ; એને તમારા પિતા સાથે લોહીની સગાઈ છે.

13 તમારે તમારી માસી સાથે સમાગમ કરવો નહિ; એને તમારી માતા સાથે લોહીની સગાઈ છે.

14 તમારે તમારી કાકી સાથે સમાગમ કરવો નહિ; કારણ, એ તમારી કાકી છે.

15 તમારે તમારી પુત્રવધુ સાથે સમાગમ કરવો નહિ; એ તો તમારા પુત્રની પત્ની છે; તેની આબરુ લેવી નહિ.

16 તમારે તમારી ભાભી સાથે સમાગમ કરવો નહિ; તે તો તમારા ભાઈને કલંક લગાડયા બરોબર છે.

17 તમારે કોઈ સ્ત્રી અને તેની પુત્રી બન્‍ને સાથે સમાગમ કરવો નહિ. તમારે એવી કે સ્ત્રીના પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે સમાગમ કરવો નહિ. એ તો એ સ્ત્રીના લોહીની સગાઈ છે; એ તો નરી ભ્રષ્ટતા છે.

18 જ્યાં સુધી તમારી પત્ની જીવંત હોય ત્યાં સુધી સાળી સાથે લગ્ન ન કરવું કે સમાગમ પણ કરવો નહિ.

19 તમારે ઋતુસ્રાવના સમય દરમ્યાન સ્ત્રી સમાગમ કરવો નહિ; કારણ, વિધિગત રીતે તે અશુદ્ધ છે.

20 બીજા માણસની પત્ની સાથે સમાગમ કરવો નહિ, નહિ તો તમે વિધિગતરીતે અશુદ્ધ ગણાશો.

21 “તમારે તમારા કોઈ બાળકને માનવબલિ તરીકે મોલેખને ચડાવવું નહિ. આ રીતની પૂજા પ્રભુ તમારા ઈશ્વરના નામને કલંક લગાડશે; હું પ્રભુ છું.

22 તમારે કોઈ પુરુષ સાથે સમાગમ કરવો નહિ; પ્રભુ એવા વર્તનને ધિક્કારે છે.

23 કોઈ પુરુષ કે સ્ત્રીએ કોઈ પ્રાણી સાથે સમાગમ કરવો નહિ; એ તો વિકૃતિ છે અને તે તમને વિધિગત રીતે અશુદ્ધ બનાવશે.

24 “આ પ્રમાણેનાં કૃત્યો આચરીને તમે પોતાને અશુદ્ધ કરશો નહિ. તમારા વસવાટ માટે હું જે પ્રજાઓને હાંકી કાઢવાનો છું તે આ જ બાબતો સંબંધી અશુદ્ધ થયેલી હતી.

25 તેમનાં કાર્યોથી દેશ અશુદ્ધ થઈ ગયો હોવાથી હું તેમના અપરાધની સજા દેશ પર લાવીશ અને દેશ તેના રહેવાસીઓને ઓકી કાઢશે.

26 તેથી તમારે મારા નિયમો અને ફરમાનોનું પાલન કરવું. તમારામાંથી કોઈએ પણ, પછી તે ઇઝરાયલી હોય કે તમારી મધ્યે વસતો પરદેશી હોય, આમાંનું કોઈ ધિક્કારપાત્ર કૃત્ય આચરવું નહિ.

27 તમારા પહેલાં આ દેશમાં જે પ્રજાઓ વસતી હતી તેઓ આવાં પ્રકારનાં ધિક્કારપાત્ર કૃત્યો આચરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થઈ ગયો.

28 જો હવેથી તમે તમારા પહેલાં વસતી પ્રજાઓની જેમ દેશને અશુદ્ધ બનાવશો તો તે તમને પણ ઓકી કાઢશે.

29 જો કોઈ આ ધિક્કારપાત્ર કૃત્યોમાંનું કોઈનું આચરણ કરે તો સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો.”

30 પ્રભુએ કહ્યું, “મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા પહેલાનાં લોકોના ધિક્કારપાત્ર રિવાજો પાળશો નહિ; નહિ તો તેથી તમે તમારી જાતને અશુદ્ધ બનાવશો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan