Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 16 - પવિત્ર બાઇબલ C.L.


પ્રાયશ્ર્વિતનો દિવસ

1 પ્રભુ સમક્ષ અપવિત્ર અગ્નિ ચડાવવાને લીધે આરોનના બે પુત્રો માર્યા ગયા

2 ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “ તું તારા ભાઈ આરોનને કહે કે પરમ પવિત્રસ્થાનમાં પડદાની અંદરના ભાગમાં કરારપેટીના દયાસન આગળ તેણે નિયત સમયે જ આવવું; નહિ તો તે માર્યો જશે; કારણ, દયાસન પર વાદળ મધ્યે હું દર્શન દઉં છું.

3 પ્રાયશ્ર્વિતબલિ તરીકે આખલો અને દહનબલિ તરીકે ઘેટો લાવ્યા પછી જ તેણે પરમપવિત્રસ્થાનમાં આવવું.”

4 ત્યાર પછી પ્રભુએ નીચેની સૂચનાઓ આપી: “પરમપવિત્રસ્થાનમાં દાખલ થતાં પહેલાં આરોને સ્નાન કરવું અને પોતાનાં યજ્ઞકારનાં અળસીરેસાનાં શ્વેત અને પવિત્ર વસ્ત્રો એટલે ડગલો, જાંઘિયો, કમરપટ્ટો અને પાઘડી પહેરવાં.

5 “ઇઝરાયલી સમાજ આરોનને પ્રાયશ્ર્વિતબલિ માટે બે બકરા અને દહનબલિ માટે એક ઘેટો આપે.

6 તેણે પોતાનાં અને પોતાના કુટુંબનાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે આખલાનું બલિદાન ચડાવવું.

7 ત્યાર પછી તેણે મુલાકાત- મંડપના પ્રવેશદ્વાર પાસે પ્રભુ સમક્ષ બે બકરા લાવવા.

8 ત્યાં તેણે ચિઠ્ઠી ઉપાડીને એક બકરો પ્રભુને માટે અને બીજો અઝાઝેલને માટે નક્કી કરવો.

9 ત્યાર પછી તેણે પ્રભુને માટે નક્કી થયેલા બકરાનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અર્પણ કરવું.

10 પછી અઝાઝેલને માટે નક્કી થયેલો બકરો પ્રભુ સમક્ષ જીવતો રજૂ કરવો અને લોકોનાં પાપ દૂર કરવાને માટે અઝાઝેલને માટેના બકરાને વેરાનપ્રદેશમાં મોકલી આપવો.

11 “આરોન પોતાના અને પોતાના કુટુંબ માટે પ્રાયશ્ર્વિતબલિનો આખલો ચડાવે,

12 ત્યારે વેદીમાંથી સળગતા અંગારા લઈ ધૂપદાની છલોછલ ભરવી અને તેની સાથે બે મૂઠી ભરીને બારીક પીસેલો સુવાસિત ધૂપ લઈને પરમપવિત્રસ્થાનમાં દાખલ થવું.

13 પછી પ્રભુ સમક્ષ ધૂપને અગ્નિ પર નાખવો. તેથી સાક્ષ્યલેખની કરારપેટી પરનું દયાસન ધૂમાડાથી ઢંકાઈ જશે અને તે તેને જોઈ શકશે નહિ; અને એમ તે માર્યો જશે નહિ.

14 ત્યાર પછી તેણે આખલાનું રક્ત લઈને પોતાની આંગળીથી દયાસનની ઉપર આગળની બાજુએ છાંટવું અને બાકીનું રક્ત સાતવાર પોતાની આંગળીથી સાક્ષ્યલેખની કરારપેટી પરના દયાસન સામે છાંટવું.

15 “પછી તેણે લોકનાં પાપ માટેના પ્રાયશ્ર્વિતબલિના બકરાને કાપવો. તેનું રક્ત પરમપવિત્રસ્થાનમાં લાવવું અને આખલાના રક્તની માફક જ દયાસન ઉપર અને કરારપેટી સામે તેને છાંટવું.

16 આ રીતે ઇઝરાયલી લોકની અશુદ્ધતા અને તેમનાં બધાં પાપથી પરમપવિત્રસ્થાનને મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. એ જ રીતે ઇઝરાયલી લોકની મધ્યે આવેલા મુલાકાતમંડપને પણ અશુદ્ધતાથી મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે.

17 આરોન પવિત્રસ્થાનમાં પોતાનાં, પોતાના કુટુંબનાં અને ઇઝરાયેલી સમાજનાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરવા પરમપવિત્ર- સ્થાનમાં જાય અને પાછો બહાર ન આવે ત્યાં સુધી કોઈએ મુલાકાતમંડપમાં પ્રવેશ કરવો નહિ.

18 પછી તે બહાર આવીને પ્રભુ સમક્ષ યજ્ઞવેદી પાસે જાય અને તે વેદી માટે પણ પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. વાછરડા અને બકરાના રક્તમાંથી થોડું લઈ તેણે તે યજ્ઞવેદીનાં શિંગ પર લગાડવું.

19 અને બાકીના રક્તમાંથી આંગળી વડે યજ્ઞવેદી પર તેનો સાત વાર છંટકાવ કરવો. આ રીતે યજ્ઞવેદીને ઇઝરાયલી લોકનાં પાપની અશુદ્ધિથી મુક્ત કરીને તેને પવિત્ર કરવી.”


પાપ હરનાર બકરો

20 “આરોન જ્યારે પરમપવિત્રસ્થાન, મુલાકાતમંડપ અને યજ્ઞવેદી માટે પ્રાયશ્ર્વિતનો વિધિ પૂરો કરે, તે પછી તેણે અઝાઝેલ માટેના જીવતા રહેલા બકરાને લાવવો.

21 તેણે તેના માથા પર પોતાના બન્‍ને હાથ મૂકીને ઇઝરાયલી લોકના બધા દોષ, અપરાધ અને પાપ કબૂલ કરી એ બધાં બકરાને માથે મૂકવાં. ત્યાર પછી પસંદ કરેલી વ્યક્તિ મારફતે તેને વેરાનપ્રદેશમાં મોકલી આપવો.

22 આ બકરો લોકોના બધા અપરાધ વેરાનપ્રદેશમાં લઇ જશે.

23 “બકરાને વેરાનપ્રદેશમાં મોકલી આપ્યા પછી આરોન મુલાકાતમંડપમાં પાછો આવે. પવિત્રસ્થાનમાં જતી વખતે પોતે પહેરેલાં યજ્ઞકારનાં વસ્ત્રો તે ત્યાં ઉતારી મૂકે.

24 તેણે પવિત્રસ્થળે સ્નાન કરવું અને પોતાનાં બીજાં વસ્ત્રો પહેરી લેવાં. તે પછી તેણે બહાર જઈને પોતાનાં અને લોકોનાં પાપ માટે દહનબલિ ચડાવવો.

25 પ્રાયશ્ર્વિત બલિની બધી ચરબીનું તેણે યજ્ઞવેદી પર દહન કરવું.

26 જે માણસ અઝાઝેલ માટેના બકરાને વેરાનપ્રદેશમાં મૂકી આવે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, સ્નાન કરવું અને તે પછી જ છાવણીમાં આવવું.

27 પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવેલ આખલો અને બકરો કે જેમનું રક્ત પરમ પવિત્રસ્થાનમાં પાપ દૂર કરવાને માટે લઈ જવામાં આવ્યું હતું તેમને છાવણી બહાર લઈ જવા. તેમનું ચામડું, માંસ તથા આંતરડાં બધું જ બાળી મૂકવું.

28 એ બધું બાળી નાખનારે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને સ્નાન કર્યા પછી જ છાવણીમાં પાછા ફરવું.”


પ્રાયશ્ર્વિતના દિવસનો વિધિ

29 “આ નિયમ કાયમ માટે પાળવામાં આવે. સાતમા મહિનાના દસમે દિવસે ઇઝરાયલીઓએ અને તમારી મધ્યે વસતા પરદેશીઓએ ઉપવાસ કરવો અને કંઈ જ કામ કરવું નહિ.

30 તે દિવસે તમારાં બધાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરવામાં આવશે. પ્રભુ સમક્ષ તમારાં બધાં પાપોથી તમને વિધિગત રીતે શુદ્ધ કરવામાં આવશે.

31 તે દિવસ ખૂબ જ પવિત્ર એવો સાબ્બાથદિન છે. તે દિવસે ઉપવાસ કરવો અને કાંઈ કામ કરવું નહિ. આ નિયમ કાયમને માટે પાળવાનો છે.

32 પાપ દૂર કરવા માટેનો પ્રાયશ્ર્વિતનો આ વિધિ પોતાના પિતાને સ્થાને વિધિપૂર્વક અભિષિક્ત થઈ પદપ્રતિષ્ઠા પામેલા પ્રમુખ યજ્ઞકારે જ કરવો. તેણે યજ્ઞકારનાં અળસીરેસાનાં શ્વેત પવિત્ર વસ્ત્રો પહેરવાં,

33 અને પવિત્રસ્થાન, મુલાકાતમંડપ તથા યજ્ઞવેદી, યજ્ઞકારો અને સમગ્ર ઇઝરાયલી સમાજને માટે પ્રાયશ્ર્વિત માટે આ વિધિ કરવો.

34 આ નિયમ કાયમને માટે પાળવાનો છે. ઇઝરાયલી લોકને તેમનાં બધાં પાપથી શુદ્ધ કરવાને માટે પ્રાયશ્ર્વિતનો આ વિધિ વર્ષમાં એક વાર કરવો.” તેથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan