લેવીય 15 - પવિત્ર બાઇબલ C.L.સ્રાવશુદ્ધિના નિયમો 1 પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, 2 “ઇઝરાયલના લોકોને આ પ્રમાણે કહે: જો કોઈ પુરુષની જનનેન્દ્રિયમાંથી સ્રાવ થાય તો તેનાથી તે અશુદ્ધ છે. 3 પછી એ સ્રાવ નીકળતો હોય કે ઘટ્ટ થઈને રોકાઈ ગયો હોય તો પણ એ પુરુષ તેનાથી અશુદ્ધ છે. 4 તેની પથારી અને બેઠક અશુદ્ધ ગણવામાં આવે. 5 જો કોઈ તેની પથારીનો સ્પર્શ કરે કે તેની બેઠક પર બેસે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, 6 સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 7 જે કોઈ તેનો સ્પર્શ કરે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 8 જો સ્રાવવાળો કોઈ વ્યક્તિ પર થૂંકે તો તે વ્યક્તિ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 9 જે કોઈ વાહન પર સ્રાવવાળો સવારી કરે તો તે વાહન અશુદ્ધ ગણાય. 10 વળી, સ્રાવવાળો જેના પર બેઠો હોય તેનો જો કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે કોઈ એવી વસ્તુ ઊંચકે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 11 જો સ્રાવવાળો માણસ હાથ ધોયા વગર કોઈને સ્પર્શે તો તેવા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવા, સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 12 જો સ્રાવવાળો માટીના પાત્રનો સ્પર્શ કરે તો તેને ફોડી નાખવું અને લાકડાનાં પાત્રનો સ્પર્શ કરે તો તેને પાણીથી ધોઈ નાખવું. 13 “સ્રાવવાળાનો સ્રાવ મટી જાય પછી શુદ્ધિકરણને માટે સાત દિવસ રાહ જોવી. પછી તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે અને ઝરણાંના ચોખ્ખા પાણીમાં સ્નાન કરે એટલે તે વિધિગત રીતે શુદ્ધ ગણાશે. 14 આઠમે દિવસે તેણે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લઈને પ્રભુ સમક્ષ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવી યજ્ઞકારને આપવાં. 15 યજ્ઞકાર તેમાંથી એકનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાનું દહનબલિ તરીકે અર્પણ ચડાવે. આ પ્રમાણે સ્રાવવાળાને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો વિધિ કરવો. 16 “જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય તો તેણે આખે શરીરે સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 17 જે કોઈ વસ્ત્ર કે ચામડા પર વીર્ય પડે તેને પાણીથી ધોઈ નાખવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 18 સમાગમ કર્યા પછી પુરુષ અને સ્ત્રીએ સ્નાન કરવું અને તેઓ સાંજ સુધી અશુદ્ધ ગણાય. 19 “ઋતુસ્રાવના સમયે સ્ત્રી સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 20 આ સાત દિવસ સુધી તેની પથારી અને બેઠક પણ અશુદ્ધ ગણાય. 21 જો કોઈ તેની પથારીને સ્પર્શે તો તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 22 જો કોઈ તેની બેઠકનો સ્પર્શ કરે તો તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 23 જો કોઈ તેની પથારી કે બેઠક પરની કોઈ વસ્તુનો સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 24 જો કોઈ પૂરુષ તેની સાથે સમાગમ કરે તો તેના ઋતુસ્રાવની અશુદ્ધિ તેને લાગે અને તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તેની પથારી પણ અશુદ્ધ ગણાય. 25 “જો કોઈ સ્ત્રીને ઋતુસ્રાવના સમય સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુસ્રાવના સમય ઉપરાંત રક્તસ્રાવ ચાલુ રહે તો જ્યાં સુધી રક્તસ્રાવ થાય ત્યાં સુધી ઋતુસ્રાવના સમયની માફક જ તે અશુદ્ધ ગણાય. 26 રક્તસ્રાવના બધા દિવસો સુધી તેની પથારી કે બેઠક ઋતુસ્રાવની પથારી કે બેઠકની માફક જ અશુદ્ધ ગણાય. 27 જો કોઈ તેની પથારી કે બેઠકનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય. તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 28 જો તેનો સ્રાવ બંધ થાય તો તે પછી સાત દિવસ સુધી તેણે રાહ જોવી અને ત્યાર પછી તે વિધિગત રીતે શુદ્ધ થાય. 29 આઠમે દિવસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તે યજ્ઞકારને આપવાં. 30 યજ્ઞકાર તેમાંના એકને પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાને દહનબલિ તરીકે ચડાવે. આ પ્રમાણે તેને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો વિધિ પૂરો કરવો.” 31 પ્રભુએ મોશેને ઇઝરાયલના લોકને અશુદ્ધતા અંગે ચેતવણી આપવા કહ્યું, જેથી તેઓ મધ્યે આવેલા મુલાકાતમંડપને તેઓ અશુદ્ધ ન કરે. કારણ, જો એમ થાય તો તેઓ માર્યા જાય. 32-33 સ્રાવવાળા અને વીર્યસ્રાવવાળા પુરુષ માટે તથા સ્ત્રીના ઋતુસ્રાવ માટે અને ઋતુસ્રાવ દરમ્યાન સ્ત્રી સાથે સમાગમ કરનાર પુરુષ માટે આ નિયમ છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide