Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 14 - પવિત્ર બાઇબલ C.L.


રક્તપિત્તમાંથી સાજા થયેલાનું શુદ્ધિકરણ

1 પ્રભુએ મોશેને કહ્યું,

2 “જો કોઈ માણસ રક્તપિત્તમાંથી સાજો થાય તો તેના શુદ્ધિકરણ માટે આ વિધિ છે. શુદ્ધિકરણને દિવસે એ માણસને યજ્ઞકાર પાસે લાવવો.

3 યજ્ઞકાર તેને છાવણી બહાર લઈ જાય અને ત્યાં તે તેની તપાસ કરે.

4 જો રોગ મટી ગયો હોય તો યજ્ઞકાર તેને માટે જીવતાં શુદ્ધ પક્ષીઓ અને તે સાથે ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી મંગાવે.

5 ત્યાર પછી યજ્ઞકાર તેમાંના એક પક્ષીને ઝરાના નિર્મળ પાણીથી ભરેલા માટીના કટોરામાં કાપવાની આજ્ઞા કરે.

6 પછી તે બીજું જીવતું પક્ષી, ગંધતરુંનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી ઝરાના નિર્મળ પાણી પર કાપેલા પક્ષીના રક્તમાં બોળે.

7 શુદ્ધિકરણ કરાવનાર પર યજ્ઞકારે સાતવાર રક્ત છાંટીને તેને શુદ્ધ જાહેર કરવો.

8 પછી જીવતા પક્ષીને તેણે ખેતરમાં છોડી મૂકવું. શુદ્ધિકરણ કરાવનાર પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, પોતાના બધા વાળ કપાવે અને સ્નાન કરે તે પછી તે વિધિગત રીતે શુદ્ધ જાહેર થાય. ત્યાર પછી તે છાવણીમાં પ્રવેશી શકે. પરંતુ સાત દિવસ સુધી તેણે પોતાના તંબૂની બહાર રહેવાનું છે.

9 સાતમે દિવસે તેણે પોતાના શરીરના બાકીના બધા વાળ કપાવવા, પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં અને સ્નાન કરવું. તે પછી તેને વિધિગત રીતે શુદ્ધ જાહેર કરવામાં આવે.

10 “આઠમે દિવસે તે એક વર્ષના ખોડખાંપણ વગરના બે ઘેટા અને એક ઘેટી, ધાન્ય અર્પણ તરીકે તેલથી મોયેલો ત્રણ કિલો લોટ અને સાથે 300 ગ્રામ તેલ લાવે.

11 ત્યાર પછી શુદ્ધિકરણ કરાવનાર વ્યક્તિ અને આ બધી વસ્તુઓ લઈને યજ્ઞકાર પ્રભુ સમક્ષ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવે.

12 પછી યજ્ઞકાર દોષનિવારણબલિ તરીકે એક ઘેટાનું અને પેલા તેલનું પણ પ્રભુને અર્પણ ચડાવે. યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતી-અર્પણ ચડાવે.

13 “ત્યાર પછી પવિત્ર સ્થળે જ્યાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ કપાય છે ત્યાં તે ઘેટાંને કાપે. પ્રાયશ્ર્વિતબલિની માફક જ દોષનિવારણબલિ યજ્ઞકારનો ભાગ છે; તે અતિ પવિત્ર છે.

14 પછી યજ્ઞકાર દોષનિવારણબલિનું રક્ત લઈ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર અને જમણા હાથના તથા જમણા પગના અંગૂઠા પર લગાડે.

15 પછી યજ્ઞકાર પેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથની હથેલી પર રેડે.

16 અને તેમાં પોતાની જમણી આંગળી બોળી પ્રભુની સમક્ષ સાતવાર તે છાંટે.

17 પછી પોતાની હથેળીમાં બાકી રહેલા તેલમાંથી શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર અને જમણા હાથના તથા જમણા પગના અંગૂઠા પર એટલે જ્યાં દોષનિવારણ બલિનું રક્ત લગાડયું હતું તેના પર તે ચોપડે.

18 પછી યજ્ઞકાર હથેલીમાં બાકી રહેલું તેલ શુદ્ધિકરણ કરાવનારના માથા પર લગાવે, અને એ પ્રમાણે તેને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો પ્રાયશ્ર્વિત વિધિ કરે.

19 “ત્યાર પછી યજ્ઞકાર શુદ્ધિકરણ કરાવનારને માટે પ્રાયશ્ર્વિતબલિ ચડાવે.

20 તે પછી દહનબલિનું પ્રાણી કાપે અને ધાન્યઅર્પણ સાથે તેનું યજ્ઞવેદી પર અર્પણ ચડાવે. આ પ્રમાણે યજ્ઞકાર શુદ્ધિકરણનો વિધિ પૂરો કરે એટલે પેલો માણસ શુદ્ધ થશે.

21 “જો કોઈ માણસ ગરીબ હોય અને આ બધું ચડાવવાને સમર્થ ન હોય તો તેણે શુદ્ધિકરણ માટે દોષનિવારણ બલિ તરીકે એક જ ઘેટો લાવવો. યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતીરૂપે અર્પણ કરવું. તેની સામે ધાન્યઅર્પણ તરીકે ફક્ત તેલથી મોયેલો એક કિલો લોટ અને ત્રણસો ગ્રામ તેલ લાવવું.

22 તે સાથે તેણે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ તરીકે લાવવાં.

23 પોતાના શુદ્ધિકરણના આઠમે દિવસે તેણે તે યજ્ઞકાર પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે પ્રભુ સમક્ષ લાવવાં.

24 યજ્ઞકાર દોષનિવારણ બલિનો ઘેટો અને પેલું તેલ લઈને યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતીરૂપે અર્પણ કરે.

25 ત્યાર પછી તે ઘેટાંને કાપે અને તેમાંથી થોડું રક્ત લઈ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર તથા જમણા હાથ અને જમણા પગના અંગૂઠા પર તે લગાડે.

26 પછી તે થોડું તેલ પોતાના ડાબા હાથની હથેલી પર રેડે,

27 અને પોતાના જમણા હાથની આંગળી વડે પ્રભુ સમક્ષ તે સાત વાર છાંટે.

28 ત્યાર પછી હથેલીમાંથી બાકી રહેલું તેલ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર તથા જમણા હાથ અને જમણા પગના અંગૂઠા પર એટલે જ્યાં દોષનિવારણબલિનું રક્ત લગાડયું હતું. તે જગ્યાઓ પર ચોપડવું.

29 હાથમાં રહેલું બાકીનું તેલ શુદ્ધિકરણ કરાવનારના માથા પર રેડી પ્રભુ સમક્ષ તેને માટે શુદ્ધિકરણનો વિધિ કરવો.

30 ત્યાર પછી યજ્ઞકારે હોલા કે કબૂતરનાં બચ્ચાંમાંથી એકને પ્રાયશ્ર્વિતબલિ અને બીજાને દહનબલિ તરીકે ચડાવવાં. તે સાથે ધાન્ય અર્પણ પણ ચડાવવું.

31 આ રીતે યજ્ઞકાર શુદ્ધિકરણનો વિધિ પૂરો કરે.

32 જો કોઈ વ્યક્તિ રક્તપિત્તમાંથી શુદ્ધિકરણ માટે નક્કી કરેલ બલિદાન ચડાવવાને સમર્થ ન હોય તેને માટે આ નિયમ છે.”


ઘરની ફૂગ અંગેનો નિયમ

33-34 પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, “હું તમને વતન તરીકે કનાન દેશ આપવાનો છું. તમે તેમાં પ્રવેશ કરો પછી ઘરની ફૂગ અંગેનો આ નિયમ છે.

35 જો કોઈના ઘરમાં હું ફૂગ મોકલું તો તેણે તરત જ યજ્ઞકારને ખબર આપવી.

36 યજ્ઞકાર તેની તપાસ કરવા જાય તે પહેલાં ઘરનો બધો જ સરસામાન બહાર કાઢી નખાય; નહિ તો ઘરનું બધું જ અશુદ્ધ ગણાશે.

37 “તે પછી યજ્ઞકાર ઘરની તપાસ કરવા અંદર પ્રવેશ કરે. તપાસમાં ઘરની દીવાલમાં લીલા કે લાલ ધાબાં ઊંડે સુધી દેખાય,

38 તો તે ઘરમાંથી બહાર નીકળી જાય અને સાત દિવસ સુધી તે ઘર બંધ રાખે.

39 સાતમે દિવસે ફરીથી યજ્ઞકાર ઘરની તપાસ કરે. જો એ ધાબાં દીવાલોમાં વધુ પ્રસર્યાં હોય,

40 તો તેણે ફૂગ લાગેલા પથ્થરો કાઢી નખાવી શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવા જણાવવું.

41 ત્યાર પછી તેણે અંદરની બધી દીવાલોનું પ્લાસ્ટર કઢાવી નાખવું અને તે કચરો શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકાવી દેવો.

42 કાઢી નાખેલા પથ્થરોની જગ્યાએ નવા પથ્થર બેસાડવા અને દીવાલ પર નવેસરથી પ્લાસ્ટર કરવું.

43 “પથ્થરો કાઢી નાખ્યા પછી અને દીવાલોને ખોતરાવી નાખી ઘર નવેસરથી પ્લાસ્ટર કર્યા પછી તે ઘરમાં તેની ફરીથી તપાસ કરવી.

44 જો તપાસ કરતાં રોગ ફેલાયો છે તેમ માલૂમ પડે તો તે ઘરને વિનાશક ફૂગ લાગેલી છે; તે અશુદ્ધ છે.

45 તેને તોડી જ પાડવું અને તેના પથ્થરો, લાકડાં અને પ્લાસ્ટરનો કચરો શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવો.

46 ઘર બંધ હોય ત્યાં સુધી તેમાં કોઈ પ્રવેશ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

47 જો કોઈ તે ઘરમાં સૂઈ જાય કે જમવા બેસે તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં.

48 “અને જો યજ્ઞકાર ઘરમાં જઈને તપાસ કરે અને માલૂમ પડે કે પ્લાસ્ટર કર્યા પછી ફરીથી ફૂગ લાગી ન હોય તો ઘરને શુદ્ધ જાહેર કરવામાં આવે. કારણ, ફૂગ સંપૂર્ણપણે નાશ પામેલ છે.

49 તે ઘરના શુદ્ધિકરણ માટે બે નાનાં પક્ષીઓ, ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી લેવાં.

50 એક પક્ષીને ઝરાના નિર્મળ પાણી ભરેલા માટીના કટોરામાં કાપવું.

51 ત્યાર પછી ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી તથા જીવંત પક્ષીને કાપેલા પક્ષીના રક્તમાં તથા ઝરાના નિર્મળ પાણીમાં બોળવા અને પછી ઘર પર તે સાત વાર છાંટવું.

52 આ પ્રમાણે પક્ષીનું રક્ત, ઝરાનું નિર્મળ પાણી, જીવંત પક્ષી, ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળીથી ઘરનું શુદ્ધિકરણ કરવું.

53 પછી જીવંત પક્ષીને શહેર બહાર ખુલ્લા ખેતરમાં છોડી મૂકવું. આ રીતે તેણે ઘરના શુદ્ધિકરણનો વિધિ કરવો એટલે તે ઘર વિધિગત રીતે શુદ્ધ ગણાશે.

54 “બધી જાતના ચામડીના રોગને માટે આ નિયમો છે;

55-56 એટલે, રક્તપિત્ત, ઊંદરી, ચાઠું, દાઝી જવું. વળી વસ્ત્ર તથા ઘરની ફૂગ માટે આ નિયમો છે.

57 કઈ વસ્તુ ક્યારે શુદ્ધ કે અશુદ્ધ ગણાય તે નક્કી કરવા માટે આ નિયમો છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan