Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 13 - પવિત્ર બાઇબલ C.L.


ચામડીના રોગો અંગેના નિયમો

1 પ્રભુએ મોશે અને આરોનને કહ્યું,

2 “જો કોઈ માણસની ચામડી પર સોજો આવે, ચાંદું પડે કે ચળકતું દેખાય અને તેમાંથી કોઈ ભયંકર ચર્મરોગની શક્યતા લાગે તો તેને યજ્ઞકાર આરોન અથવા તેના પુત્રો પાસે લઈ જવો.

3 યજ્ઞકાર તેની ચામડી ઉપરના રોગની તપાસ કરે. જો ત્યાંના વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડી કરતાં ઊંડો દેખાય તો નિશ્ર્વે તે રક્તપિત્ત છે તેમ સમજવું.

4 યજ્ઞકાર તેની તપાસ કરીને તેને અશુદ્ધ જાહેર કરે. પરંતુ જો એ ડાઘ ચામડી કરતાં ઊંડો ઊતરેલો ન હોય અને ત્યાંના વાળ સફેદ થયા ન હોય તો યજ્ઞકાર તે દર્દીને સાત દિવસ અલગ રાખે.

5 સાતમે દિવસે યજ્ઞકાર તેને ફરીથી તપાસે. તેનો ડાઘ એવો ને એવો જ હોય અને વધુ પ્રસર્યો ન હોય તો તેને બીજા સાત દિવસ અલગ રાખવો.

6 ફરીથી સાતમે દિવસે યજ્ઞકાર તેની તપાસ કરે. જો તેનો ડાઘ ઝાંખો થયો હોય અને વધુ પ્રસર્યો ન હોય તો યજ્ઞકારે તેને શુદ્ધ જાહેર કરવો. તે માત્ર ડાઘ જ હતો એમ સમજવું. તે દર્દી પોતાનાં કપડાં ધોઈ નાખે એટલે તે શુદ્ધ થશે.

7 પરંતુ શુદ્ધિકરણને માટે તે યજ્ઞકાર પાસે આવી તપાસ કરાવે. તે પછી પણ તેનો ડાઘ વધતો જ જાય તો તેણે ફરીથી યજ્ઞકાર પાસે તેની તપાસ કરાવવી.

8 યજ્ઞકાર તેને તપાસ્યા પછી તેનો રોગ ચામડીમાં વધુ પ્રસર્યો છે તેવું જાહેર કરે તો તે અશુદ્ધ છે અને નિશ્ર્વે તેને રક્તપિત્ત થયો છે.

9-10 “જો કોઈને ચામડીમાં ચાંદાનો રોગ થયો હોય તો તેને યજ્ઞકાર પાસે લઈ જવો. યજ્ઞકાર તેની તપાસ કરે. જો તેની ચામડીમાં સફેદ ચાંદું હોય અને તેને લીધે તેના વાળ પણ સફેદ થઈ ગયા હોય અને ચાંદું પરુંથી ભરાઈ ગયું હોય;

11 તો એ ચેપી ચાંદું છે અને એ ઘણા લાંબા સમયથી થયેલો ચામડીના ચાંદાનો રોગ છે. યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે. તેને અલગ પૂરી રાખવાની કોઈ જરૂર નથી. કારણ, તે દેખીતી રીતે જ અશુદ્ધ છે.

12 પરંતુ જો તે રોગ ફેલાઈને ચામડીમાં પ્રસરી જાય અને યજ્ઞકારને લાગે કે માથાથી પગ સુધી આખા શરીરની બધી ચામડીમાં તે પ્રસરી ગયેલો છે;

13 તો યજ્ઞકાર તેને તપાસે. આખા શરીરની ચામડી પર રોગ ફેલાયેલો હોય તો યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે. તેનું આખું શરીર સફેદ થઈ ગયું હોવાથી તે શુદ્ધ છે.

14-15 પણ ચાંદાંમાંથી પરું દેખાવા લાગે તો તે જ સમયથી તે માણસ અશુદ્ધ ગણાય. યજ્ઞકાર તે ચાંદાંની તપાસ કરી તેને અશુદ્ધ જાહેર કરે. પાકેલાં ચાંદાં અશુદ્ધ છે; તે તો ચામડીમાં ચાંદાંનો રોગ છે.

16 પણ જો તેમાં રુઝ આવે અને તે સફેદ બની જાય તો તેવા માણસે યજ્ઞકાર પાસે જવું.

17 યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાંદા સફેદ બની ગયાં હોય તો યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે. તે પછી તે શુદ્ધ છે.

18 “જો કોઈના શરીરની ચામડી પર ગૂમડું થાય અને તે રુઝ આવીને મટી જાય,

19 અને તે જગ્યાએ સફેદ કે રતાશ પડતું ચાંદું પડી જાય તો તો તેણે તે યજ્ઞકારને બતાવવું.

20 યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાંદું ચામડી કરતાં ઊંડું ગયું હોય અને તેમાંના વાળ સફેદ થઈ ગયા હોય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે.

21 પરંતુ તપાસ કરતાં એવું લાગે કે ત્યાંના વાળ સફેદ થયા નથી અને ચામડી કરતાં તે ઊંડું ગયું નથી પરંતુ ઝાંખું પડી ગયું છે તો યજ્ઞકાર તેને સાત દિવસ સુધી અલગ રાખે.

22 ત્યાર પછી જો તે ચામડીમાં પ્રસરી જાય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે એ તે રક્તપિત્ત છે.

23 પણ જો તે ચાઠું એવું ને એવું જ રહે, વધુ પ્રસરે નહિ તો તે ગૂમડાને લીધે જ છે એમ સમજવું અને યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે.

24 “જો કોઈ માણસ દાઝી જાય અને તેથી તેની ચામડીના ડામમાં સફેદ કે રતાશ પડતું ચાઠું થઈ જાય,

25 તો તેણે યજ્ઞકાર પાસે જઈને તેની તપાસ કરાવવી. તપાસમાં માલૂમ પડે કે ત્યાંના વાળ સફેદ થઈ ગયા છે અને ચાઠું ચામડી કરતાં વધું ઊંડે ગયેલું છે તો દાઝેલી ચામડી પર રક્તપિત્ત થયો છે એમ સમજવું.

26 યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે; તે તો રક્તપિત્ત છે. પણ યજ્ઞકારને તપાસમાં માલૂમ પડે કે ચાઠાં પરના વાળ સફેદ થયા નથી કે તે ચામડી કરતાં ઊંડે ગયેલું નથી, પણ ઝાંખું પડયું છે તો તેને સાત દિવસ સુધી અલગ રાખવામાં આવે.

27 સાતમે દિવસે ફરીથી યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાઠું ચામડીમાં વધુ પ્રસર્યું હોય તો યજ્ઞકારે તેને અશુદ્ધ જાહેર કરવો. એ તો રક્તપિત્ત છે.

28 પરંતુ જો ચાઠું એવું ને એવું જ હોય, ચામડીમાં વધુ પ્રસર્યું ન હોય અને ઝાંખું પડેલું દેખાય તો તે દાઝી ગયાને લીધે જ છે. યજ્ઞકારે તેને શુદ્ધ જાહેર કરવો; કારણ, તે ચાઠું દાઝી ગયાને લીધે પડેલું છે.

29 “જો કોઈ પુરુષ કે સ્ત્રીને માથા પર કે હડપચી પર ચાંદું હોય તો યજ્ઞકારે તેની તપાસ કરવી.

30 જો તે ચામડી કરતાં ઊંડું હોય અને ત્યાંના વાળ પીળા અને આછા થઈ ગયા હોય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે. તે ઊંદરીનો રોગ છે. તે એક જાતનો માથા કે હડપચીનો રોગ છે.

31 પરંતુ યજ્ઞકાર ઊંદરીનો રોગ તપાસે અને તે ચામડી કરતાં ઊંડે પ્રસરેલો માલૂમ ન પડે અને ત્યાંના વાળ ઘટાદાર અને કાળા હોય તો યજ્ઞકાર તેને સાત દિવસ અલગ રાખે.

32 સાતમે દિવસે તે તેને ફરીથી તપાસે. જો ઊંદરી પ્રસરી ન હોય, વાળ પીળા થયા ન હોય, ઊંદરી ચામડી કરતાં ઊંડે ગઈ ન હોય,

33 તો તે માણસે ઊંદરીવાળા ભાગ સિવાયના વાળ કપાવવા અને યજ્ઞકાર તેને બીજા સાત દિવસ અલગ રાખે.

34 સાતમે દિવસે યજ્ઞકાર ફરીથી તેનો રોગ તપાસે. જો ઊંદરી ચામડી પર વધારે પ્રસરી ન હોય કે ચામડી કરતાં ઊંડે ગઇ ન હોય તો યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થશે.

35 પરંતુ શુદ્ધ જાહેર થઇ ગયા પછી જો તેનો રોગ ચામડી પર વધુ પ્રસરે,

36 તો યજ્ઞકાર તેને ફરીથી તપાસે. જો રોગ ચામડીમાં પ્રસર્યો હોય તો પછી પીળા વાળ તપાસવાની જરૂર નથી; તે વ્યક્તિ અશુદ્ધ છે.

37 પરંતુ જો ઊંદરી એવી ને એવી જ રહે અને તેમાં કાળા વાળ ઊગે તો તે મટી ગઈ છે તેમ સમજવું. તે વ્યક્તિ શુદ્ધ છે. યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે.

38 “જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડી પર સફેદ ચાઠાં પડયાં હોય,

39 તો યજ્ઞકાર તેને તપાસે. જો તે સફેદ ડાઘ ઝાંખા થાય તો તે ચામડી પર કરોળિયા થયા છે તેમ સમજવું. તે વ્યક્તિ શુદ્ધ છે.

40-41 “જો કોઈના માથાના આગળ કે પાછળના ભાગના વાળ ખરી પડે તો તેથી તે અશુદ્ધ ન ગણાય.

42 પરંતુ જો ટાલમાં આગળ કે પાછળ રતાશ પડતો સફેદ ડાઘ હોય તો ત્યાં કોઢ થયો છે એમ સમજવું.

43 યજ્ઞકારે તેને તપાસવો. જો ટાલમાં રતાશ પડતો સફેદ ડાઘ હોય,

44 તો યજ્ઞકાર તેના માથામાં થયેલા રોગને લીધે તેને અશુદ્ધ જાહેર કરે.”

45 રક્તપિત્તિયાએ ફાટેલાં કપડાં પહેરવાં, વાળ ઓળાવવા નહિ, હોઠ સુધીનો ચહેરો ઢાંકી રાખવો અને પોકારવું “અશુદ્ધ છું, હું અશુદ્ધ છું”

46 રોગ ચાલુ રહે ત્યાં સુધી તે અશુદ્ધ છે. તેણે છાવણી બહાર લોકોથી દૂર અલગ વસવાટ કરવો.


વસ્ત્રની ફૂગ અંગે

47 “જ્યારે ફુગનો ડાઘ ઊન કે અળસી રેસાનાં વસ્ત્ર પર હોય

48 અથવા અળસી રેસાના કે ઊનના તાણા કે વાણા પર હોય કે ચામડા પર કે તેમાંથી બનાવેલી વસ્તુ પર હોય,

49 અને તેનો રંગ લીલો કે લાલ હોય તો તે પ્રસરતી ફૂગ છે તેમ સમજવું. યજ્ઞકાર પાસે તેની તપાસ કરાવવી.

50 યજ્ઞકાર તેની તપાસ કરે અને સાત દિવસ સુધી તેને અલગ રાખે.

51 સાતમે દિવસે તે તેને ફરીથી તપાસે. જો ફૂગ પ્રસરી હોય તો તે અશુદ્ધ છે.

52 તેણે તે ફૂગવાળાં વસ્ત્ર કે વસ્તુ બાળી નાખવાં. કારણ, તે ખતરનાક અને ચેપી ફૂગ છે. એવાં વસ્ત્ર કે વસ્તુને અગ્નિમાં બાળી નાખીને તેનો અચૂક નાશ કરવો.

53 “પરંતુ યજ્ઞકાર તપાસ કરે અને ફૂગ વધુ પ્રસરેલી માલૂમ પડે નહિ,

54 તો પછી તેણે તે વસ્તુને ધોઈ નાખવાની આજ્ઞા કરવી. ત્યાર પછી બીજા સાત દિવસ સુધી તેને અલગ રાખવામાં આવે.

55 વસ્તુ ધોઈ નાખ્યા પછી યજ્ઞકાર ફૂગના ડાઘની તપાસ કરે. જો ફૂગ પ્રસરી ન હોય, પણ તેનો રંગ બદલાયો ન હોય તો તે અશુદ્ધ છે. ફૂગ આગળ કે પાછળ હોય પણ તારે તે વસ્તુને બાળી નાખવી.

56 પરંતુ જો તે વસ્તુને ધોઈ નાખ્યા પછી ફૂગનો ડાઘ ઝાંખો થયો હોય તોપણ કપડાં કે ચામડાં પરથી ડાઘવાળો ભાગ ફાડીને કાઢી લેવો.

57 પછીથી જો ફરીથી ફૂગ દેખાય તો રોગ પ્રસરે છે તેમ માનવું અને તે વસ્તુને બાળી નાખવી.

58 જો વસ્તુને ધોઈ નાખવાથી ફૂગનો ડાઘ જતો રહે તો તેને ફરીથી ધોઈ નાખવું એટલે તે વિધિગત રીતે શુદ્ધ થઈ જશે.

59 “ઊન કે અળસીરેસાનાં કપડાંના તાણાવાણા પર કે ચામડાંની વસ્તુ પર ફૂગ લાગે તે અંગેનો આ નિયમ છે. તે પ્રમાણે વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવામાં આવે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan